Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

મોબાઇલની બબાલ...ગર્લફ્રેન્ડ સાથે વાતોમાં મશગુલ થયેલો યુવાન બીજા માળેથી વિજતાર પર પટકાયો

ચેતજો...ખુબ ઉપયોગી એવી આ સુવિધા ઘણી વખત દુવિધાનું કારણ પણ બની શકે... : દાઝી ગયો અને ઇજાઓ પણ થઇઃ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝમાં બનાવઃ મુળ ઓરિસ્સાનો ૨૦ વર્ષિય સંજય બહેરા સારવાર હેઠળ

રાજકોટ તા. ૪: ખુબ ઉપયોગી એવો મોબાઇલ ફોન ઘણીવાર મુશિબતનું કારણ પણ બની જાય છે. વાહન હંકારતી વખતે મોબાઇલ ફોન પર વાત કરનારા અકસ્માતનો ભોગ પણ બનતાં હોય છે. શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં  કારખાનામાં કામ કરતો મુળ ઓરિસ્સાનો યુવાન સાંજે કારખાનાની બીજા માળની અગાસીએ ગર્લફ્રેન્ડ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતો-કરતો અકસ્માતે નીચે પટકાતાં વિજતારને અડી જતાં દાઝી જતાં તેમજ મુંઢ ઇજાઓ થતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

જાણવા મળ્યા મુજબ વર્ધમાન ઇન્ડસ્ટ્રીયલ એરિયા બ્લોક નં. ૩૩માં આવેલી વાઇબ્રેટ કંપનીમાં કામ કરતો મુળ ઓરિસ્સાનો સંજયકુમાર સમીરકુમાર બહેરા (ઉ.૨૦) સાંજે સવા આઠેક વાગ્યે કારખાનાની બીજા માળની અગાસીએ જઇ વતનમાં રહેતી પોતાની ગર્લફ્રેન્ડ સાથે મોબાઇલ ફોન પર વાતો કરતો હતો. વાતોમાં મશગુલ સંજય અગાસી પર આટાફેરા કરી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તે નીચે પટકાતાં વિજ સબસ્ટેશનનો તાર પસાર થતો હોઇ તેના પર પટકાતાં શોર્ટ સરકિટ થતાં પગથી કમર સુધી તેમજ બંને પગ વચ્ચેના ભાગે દાઝી ગયો હતો. બાદમાં નીચે પટકાતાં મુંઢ ઇજાઓ પણ થઇ હતી. અવાજ થતાં બીજા કર્મચારીઓ દોડી આવ્યા હતાં અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. તસ્વીરમાં સારવાર હેઠળ રહેલો સંજય જોઇ શકાય છે. સંજયકુમારે એમ પણ જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડ સાથે પંદરેક દિવસથી વાત નહોતી થઇ, ગત બપોરે તેણે ફોન રિસીવ કરતાં પોતે રાત્રે વાત કરશે તેમ કહ્યું હતું. બાદમાં તેણી સાથે વાત કરતી વખતે ગુસ્સામાં હોઇ કેવી રીતે પડી ગયો તે ખબર જ રહી નહોતી.

(1:08 pm IST)