Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

લેબર વકીલ મંડળનું આંદોલન વધુ ઉગ્ર બનશેઃ સોમવારથી આમરણાંત ઉપવાસ

રાજકોટ તા. ૪: રાજકોટમાં લેબર કોર્ટના વકીલોના પ્રતિક ઉપવાસ આંદોલનની શ્રૃંખલામાં આજે સીનીયર વકીલો દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતાં. આજ સુધી લેબર કોર્ટનાં ન્યાયધીશના મનસ્વી વલણ સામે શરૂ કરવામાં આંદોલનો તા. પ ને શનિવાર સુધીમાં ઉકેલ નહીં આવે તો તા. ૭ ને સોમવારથી આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ થશે.

અહીંનાં બહુમાળી ભવન ખાતે મજુર અદાલતના ર નાં ન્યાયધીશ સામે લેબર કોર્ટ એસો. દ્વારા પ્રતિક ધરણાં આંદોલનનાં આજે ત્રીજા દિવસે સીનીયર એડવોકેટ મહેન્દ્રભાઇ કરથીયા, ધ્રુવકુમાર જોશી અને પરાગભાઇ વોરા દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતાં. આ આંદોલન સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં ફેડરેશનના પ્રમુખ જે. એસ. પટેલ દ્વારા રજુઆતો કરવામાં આવી છે. તેથી ઉનાળુ વેકેશન કોર્ટમાં શરૂ થાય તે પહેલા પ્રશ્ને ઉકેલાઇ જશે તેવી સંભાવના છે.

દરમિયાન આજે ઉપવાસી છાવણીની રાજકોટનાં અગ્રણી કોંગ્રેસી હોદેદારોએ મુલાકાત લઇ ન્યાયિક પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગણી દોહરાવી હતી. પ્રતિક ધરણાં સહિતના કાર્યક્રમો સંદર્ભે સીનીયર વકીલોએ જણાવ્યું હતું કે, આગામી તા. પ સુધીમાં ન્યાયિક ઉકેલ નહીં આવે તો તા. ૭ને સોમવારથી આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ થશે.

(11:37 am IST)