Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પ્રજાધર્મ અને રાજધર્મ નિભાવ્યો...માંધાતાસિંહજી દ્વારા રાષ્ટ્રીય યજ્ઞમાં આહૂતિ

કોરોના અસરગ્રસ્તો માટે વડાપ્રધાન રાહતનિધિ-પીએમ કેર્સમાં રૂ.દસ લાખ અર્પણ કરતી રાજકોટ રાજ પરિવારની સંસ્થા રાજકોટ રાજય ફાઉન્ડેશનઃ ૧૦૦૦ ખાદ્ય સામગ્રી કીટના વિતરણનું સંકલન અને ૨૦૦ કીટનું વિતરણ

રાજકોટ તા. ૪: કોરોના સંક્રમણની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર અને રાજય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે અને સમાજના તમામ સ્તરેથી સહાયનો ધોધ વહી રહ્યો છે ત્યારે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા અને એમના પરિવારે પણ આ રાષ્ટ્રીય યજ્ઞમાં પોતાની આહૂતિ આપી છે. સરકારી તિજોરીમાં નાણાં જમા કરાવીને એમણે પ્રજાધર્મ નિભાવ્યો છે અને પરિવાર તથા સંસ્થાકીય રીતે કામ કરીને રાજધર્મ પણ તેઓ નિભાવી રહ્યા છે.

વડાપ્રધાન રાહત ફંડમા રાજકોટ રાજય ફાઉન્ડેશનની સહાય

માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું કે સમાજનો મોટો સમુદાય જયારે કટોકટી ભરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે કંઇક કરવું જોઇએ એવી ભાવનાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રુપે અમે અમારી સંસ્થા રાજકોટ રાજય ફાઉન્ડેશન વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના રાહત ફંડમાં રુ. દસ લાખની રાશિ અર્પણ કરી છે. વિશ્વના સક્ષમ દેશો પણ આ બીમારી સામે ઝૂકી પડ્યા છે ત્યારે આપણા દેશમાં લોકડાઉન, અને સુદ્રઢ વ્યવસ્થા તંત્ર,કર્મચારીઓની અવિરત નિષ્ઠાવંત સેવાને કારણે આપણે આ મહામારીનો મક્કમ મુકાબલો કરી રહ્યા છીએ. જેનું સંપૂર્ણ શ્રેય દેશના પ્રધાન સેવક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે.

રાજકોટ રાજય ફાઉન્ડેશન વતી ખાદ્ય સામગ્રીનું વિતરણ

રાજકોટ રાજપરિવારના રાજમાતા શ્રી માનકુમારીદેવીની પ્રેરણાથી શ્રી માંધાતાસિંહ જાડેજા, રાણીસાહેબ શ્રીમતિ કાદમ્બરીદેવી, યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહ જાડેજા, યુવરાણી શિવાત્મિકાદેવી તથા રાજકુમારી મૃદુલાકુમારીબા સામાજિક ઉત્કર્ષના ઉમદા હેતુથી રાજકોટ રાજય ફાઉન્ડેશન સંસ્થા ચલાવે છે. પ્રવર્તમાન સંજોગોમાં આ સંસ્થા તરફથી સમાજના જરુરતમંદ લોકો, નાના નોકરિયાતો, વિધવા બહેનોને દ્યઉંનો લોટ, ચોખા, તેલ, ખાંડ, ચા, ખીચડી, તુવેરદાળ વગેરે કાચી ખાદ્ય સામગ્રીની કીટ બનાવીને એનું વિતરણ કરાયું હતું. ૨૦૦ જેટલા લોકોએ એનો લાભ લીધો હતો.

૧૦૦૦ કીટ એકત્ર કરવાનું સંકલન

રાજકોટની આસપાસના ઔદ્યોગિક વિસ્તારના શ્રમિકો માટે ખાદ્ય સામગ્રીની એક હજાર કીટ એકત્ર કરવાની સેવા રાજકોટ રાજય ફાઉન્ડેશને કરી હતી. ઉદ્યોગકારોએ પોતાના કારીગરો,શ્રમિકો માટે કીટનું વિતરણ કર્યું એ એકત્ર કરવાની સેવા ફાઉન્ડેશને કરી હતી.

રાજકુમાર કોલેજ પી.એમ.- સી.એમ. ફંડમાં ર૧-ર૧ લાખ અર્પણ કરે : માંધાતાસિંહનો અનુરોધ

રાજકોટ સ્થિત ઐતિહાસિક રાજકુમાર કોલેજ ટ્રસ્ટ તરફથી પણ આ સ્થિતિમા લોકોને સહાય પહોંચે એ માટેનું અભિયાન ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ જાતે જવાબદારી લઇને શરૂ કર્યું છે. રાજકોટની રાજકુમાર કોલેજના જે ફાઉન્ડીંગ હાઉસીઝ છે એટલે કે આ કોલેજની સ્થાપનામાં, પાયામાં જે રાજ પરિવારોનું અમૂલ્ય યોગદાન છે જેમ કે નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા,ગોંડલ, વાંકાનેર, વઢવાણ, રાજકોટ, જંજીરા, લીંબડી, ધ્રોળ, પાલીતાણા, લખતર, મૂળી, સાયલા, ચુડા, બજાણા, લાઠી, માળિયા, જસદણ, બિલખા,વલ્લભીપુર, જેતપુર, વીરપુર, પાટડી, અમરનગર, વડિયા અને ખીરસરાનો સમાવેશ થાય છે. આ સૌ વતી રાજકુમાર કોલેજ ઉત્ત્।રદાયીત્વ નિભાવે અને વડાપ્રધાન ફંડમાં ૨૧ લાખ તથા મુખ્યમંત્રી ફંડમાં ૨૧ લાખ અર્પણ કરે તેવી અપીલ ઠાકોર સાહેબે કરી છે. 

જેતપુર દરબાર સાહેબને પાઠલેવા એક પત્રમાં માંધાતાસિંહજીએ દેશની વર્તમાન સ્થિતિ વર્ણવીને આ સંજોગોમાં રાજપરિવાર તરીકે આપણી રાષ્ટ્રીય ફરજ શું છે એ જણાવીને કહ્યું છે કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી બન્નેના ફંડમાં રાજકુમાર કોલેજે યોગદાન આપવું જોઇએ. આ યોગદાન કોલેજના સ્થાપક પરિવારો વતી અપાઇ રહ્યું છે એ રીતે પહોંચે તો આપણે સૌ આ રાષ્ટ્રીય આપત્ત્િ।માં પણ સાથે છીએ એ સંદેશ વહેતો થઇ શકે.એમણે કહ્યું છે કે દેશની આઝાદી પહેલાં અને આઝાદી પછીના સમયમાં રાજકુમાર કોલેજના આ ઉપરોકત સ્થાપક પરિવારોની અહમ, અહત્યની અને વિશેષ ભૂમિકા રહી છે. સ્વતંત્રતા પહેલાં પણ રાજપરિવારો નગરજનોના સુખ-દુઃખમાં સામેલ હતા. અને લોકશાહીના આ યુગમાં પણ રાજપરિવારો નગરજનો અને અખંડ ભારતના નાગરિકોની સેવા માટે કટિબધ્ધ રહેશે. એટલે અત્યારે એમની ભૂમિકા દર્શાવવાની એક તક છે જે રાજકુમાર કોલેજ ટ્રસ્ટે ઝડપી લેવી જોઇએ અને આ ઉત્ત્।રદાયિત્વ એ નિભાવે એવો એમણે અનુરોધ કર્યો છે. આ સૌ વતી રાજકુમાર કોલેજ ઉત્ત્।રદાયીત્વ નિભાવે એવો અનુરોધ એમણે કર્યો છે.

(3:53 pm IST)