Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અન્ન બ્રહ્મ યોજનાં હેઠળ સોમવારથી રેશનકાર્ડ વગરના અત્યંત ગરીબ અને નિરાશ્રીત લોકોને અનાજ વિતરણ માટે સર્વે

દક્ષીણ મામલતદાર કચેરી હેઠળનાં વિસ્તારોમાં ૨૫૦૦ લોકો મળી આવ્યાઃ જરૂરિયાત ન હોય તેવા લોકો અનાજ લેશે તો ફોજદારી કાર્યવાહી

રાજકોટ,તા.૪: લોકડાઉનની સ્થિતિમાં લોકોને રાજ્ય સરકાર દ્વરા સસ્તા અનાજની દુકાનો મારફત અનાજ વિતરણ થઇ રહ્યું છે. જે અંતર્ગચ એપીએલ (૨) એમ.એફ.એસ યોજના હેઠળના રેશનકાર્ડધારકોને અનાજ વિતરણ થઇ રહ્યું છેે. હવે ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના હેઠળ એવા લોકોને અનાજ વિતરણ કરાશે કે જેઓ અત્યંત ગરીબ છે અને રેશનકાર્ડ પણ નથી તેમજ પરપ્રાંતથી મજુરી કરવા આવેલા છે. તેવાં નિરાશ્રીતોને શોધીને અનાજ અપાશે.

આ અંગે કલેકટર તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ સરકારની અન્નપૂર્ણ યોજના હેઠળ અનાજ આપવા માટે શહેરમાં રહેલા રેશનકાર્ડ વગરનાં અત્યંત ગરીબ અને નિરાશ્રીત લોકોને શોધવા માટે સર્વે શરૃં કરી દેવાયો છે.

આ માટે ત્રણેય ઝોન કચેરીઓ દ્વારા સર્વેની ટીમો કામે લગાડાઇ છે. જેમાં દક્ષીણ મામલતદાર કચેરી હેઠળનાં વિસ્તારોમાં આવા ૨૫૦૦ લોકો મળી આવ્યા છે.

આવા લોકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સોમવારથી અનાજ તેમજ અન્ય જીવન જરૂરી ખાદ્યચીજોનું વિતરણ શરૂ થશે.

નોંધનિય છે કે, જો કોઇ વ્યકિત પાસે અગાઉથી રાશન હશે. અને આમ છતાં આ યોજના હેઠળ અનાજ મેળવશે તેવા વ્યકિતઓ સામે ફોજદારી સહીતનાં પગલા લેવાશે. તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(3:33 pm IST)