Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનને કારણે મહાપાલિકાની આવકમાં ૬૦ કરોડનું ગાબડું

સ્માર્ટ સીટી-ઓવર બ્રીજો સહિતની મોટી યોજનાઓને પણ અસર થશે : ર૪૬ કરોડની વેરા આવક સામે આજ સુધીમાં માત્ર ૧૯૦ કરોડ આવ્યા : ટેક્ષની આવક મે સુધી નજીવી રહેશે : એપ્રિલ બાદ નાણાકિય કટોકટી સર્જાવાના એંધાણ : જો કે તંત્ર વાહકો પાસે કટોકટીના સમય માટે પ્લાન-બી તૈયાર છે

રાજકોટ, તા. ૪ : શહેરમાં વર્તમાન લોકડાઉનને કારણે તમામ ક્ષેત્રોને આર્થિક ફટકો પડી રહ્યો છે ત્યારે હાલનાં કપરા સંજોગોમાં શહેરીજનો સાથે સતત ખડેપગે રહેતુ કોર્પોરેશન પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે જેના કારણે આ વર્ષ-મ્યુ. કોર્પોરેશનની ટેક્ષ આવકમાં પ૮ કરોડ થી ૬૦ કરોડ જેટલું ગાબડું પડવાનો ભય ઝળુંબી રહ્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં ટેક્ષની આવકનો લક્ષ્યાંક ર૪૬ કરોડ જેટલો રખાયો છે. અને તેને પૂર્ણ કરવા તંત્ર દ્વારા જોર-શોરથી બાકી વેરા વસુલાત શરૂ કરી હતી ત્યાં જ કોરોનાં સંક્રમણને કારણે વિશ્વ થંભી ગયું. ભારત દેશ પણ રર માર્ચથી લોકડાઉનની સ્થિતિમાં છે.

આથી હાલમાં વેરાની આવક અત્યંત નજીવી છે. ઓનલાઇન કેટલાક લોકો વેરો ભરી રહ્યા છે પરંતુ તેનાથી લક્ષ્યાંક પૂર્ણ થાય તેવી શકયતા નથી.

દરમિયાન આજની સ્થીતીએ વેરાની આવક ૯૦ કરોડ જેટલી છે એટલે કે આ વર્ષે ટેક્ષની આવકમાં પ૮ કરોડનુ઼ જંગી ગાબડુ નિશ્ચિત બન્યું છે. આજ પ્રકારે અન્ય આવકના સ્ત્રોતોમાં પણ ર કરોડનું ગાબડુ઼ છે.

આમ મ્યુ. કોર્પોરેશનને કોરોના સંક્રમણ અને લોક ડાઉનને કારણે ૩૦ કરોડની ઘટ્ટ સર્જાશે.

આ દરમિયાન સ્માર્ટ સીટી પ્રોજેકટ, નવા અંડર પાસ -ઓવર બ્રીજ વગેરેનાં કામોને પણ અસર પહોંચશે.

આમ લોકડાઉનને કારણે ખુદ મ્યુ. કોર્પોરેશનનું તંત્ર પણ મસમોટુ નુકશાન વેઠે રહયું છે. શહેરનાં વિકાસની ગાડીને બે-ચાર મહીના બ્રેક લાગી જશે. અને નાણાકીય કટોકટી વચ્ચે માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે તંત્ર વાહકોએ પ્રયાસો કરવા પડશે. જો કે આવા કટોકટીના સંજોગો માટે પ્લાન-બી રૂપે તંત્ર વાહકો પાસે કન્ટીજન્સી ફંડ રાખવાની પરંપરા છે. ત્યારે આ વર્ષે કદાચ આ કન્ટીજન્સી ફંડ ઉપયોગમાં લેવામાં આવે તેવો નિર્દેશ મળી રહયો છે.

(3:48 pm IST)