Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

થેલેસેમિયા સહિત અન્ય દર્દીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૫ હજાર બ્લડ બોટલ એકત્ર કરાશે

૧૦ દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ રકતદાનની વ્યવસ્થા ગોઠવાશે

રાજકોટ,તા.૪: રાજકોટમાં આગામી સમયમાં થેલેસેમિયા, પ્રસુતી, વિવિધ અન્ય બીમારીના દર્દીઓની સારવાર માટે ૫ હજાર બ્લડની બોટલોની આવશ્યકતા રહેલી છે. આ આવશ્યકતાને પુરી કરવા માટે રાજકોટના શૈક્ષણીક જગતે પ્રયત્નો હાથ ધર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ તરફથી ૫૦૦ બ્લડની બોટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરફથી ૫૦૦ બ્લડની બોટલ, રાજકોટની હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજો તરફથી ૫૦૦ બ્લડની બોટલ, રાજકોટની નર્સીંગ અને ફીઝીયોથેરાપી કોલેજોની ૫૦૦ બ્લડની બોટલ, રાજકોટની મારવાડી-આત્મીય-આર.કે. યુનિવર્સિટી તથા વી.વી.પી. એન્જિીનયરીંગ કોલેજ મળીને ૧૦૦૦ બ્લડની બોટલ, સદગુરુ મહિલા કોલેજ દ્વારા ૫૦૦ બ્લડની બોટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના આચાર્યશ્રીઓ સાથે સંકલન કરીને ૫૦૦ બ્લડની બોટલ, શૈક્ષણીક જગત પરિવાર તરફથી અન્ય ૧૦૦૦ બ્લડની બોટલો સહિત આગામી ૧૦ દિવસોમાં કુલ ૫૦૦૦ બ્લડની બોટલોની વ્યવસ્થા પુરી કરવામાં આવનાર છે.

વ્યવસ્થા પ્લાનિંગથી ગોઠવવામાં આવેલ છે. સાથે સાથે કલમ ૧૪૪ નો ભંગ ન થાય એવી રીતે બ્લડ ડોનેશન કેમ્પનું અલગ અલગ સોસાયટીઓમાં તથા અલગ અલગ કોલેજોમાં આયોજન કરવામાં આવશે. એક સાથે ચારથી વધુ વ્યકિતઓ એકઠા ન થાય તેની પુરી કાળજી લઈ ચાર-ચાર ના સ્લોટમાં વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આવી રીતે ૫૦-૫૦ ના ૧૦૦ ગ્રુપમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રાજકોટમાં ૧૦ દિવસમાં ૫૦૦૦ બોટલો એકત્રિત કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ સર્વે સિન્ડીકેટના સભ્યશ્રીઓના સહકારથી ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા બિનશૈક્ષણીક કર્મચારીઓ આ સેવાયજ્ઞમાં કાર્યરત છે. સેવાયજ્ઞમાં બ્લડ એકત્રિત કરવા માટે સિવીલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક, ફીલ્ડમાર્શલ બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, સૌરાષ્ટ્ર બ્લડ બેંક સહિતની જુદી જુદી બ્લડ બેંકો સેવા આપનાર છે. સમગ્ર સેવાયજ્ઞના આયોજન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઈ રુપાણી અને જીનીયસ ગ્રુપના શ્રી ડી.વી. મહેર્તાં તમામ બાબતોનું સંકલન કરી રહ્યા છે.

(3:28 pm IST)