Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજકોટ જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ૭પ શખ્સો પકડાયા : ૬૧ વાહનો ડિટેઇન

કોરોનાથી બચવા લોકો માસ્ક પહેરે : એસ.પી. બલરામ મીણા

રાજકોટ, તા. ૪ : કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં અનેક લોકો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ગઇકાલે જીલ્લામાં અલગ અલગ સ્થળે લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતા ૭પ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં જયારે ૬૧ વાહનો ડિટેઇન કર્યા હતાં.

જીલ્લા વિસ્તારમાં લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં બિન ઉપયોગી જીવન જરૂરીયતની ચીજવસ્તુ સિવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમૂહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજૂરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બીલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજૂરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબૂર કરતાં કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગઇકાલે જીલ્લાના અલગ અલગ વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરનાર ૭પ શખ્સો સામે ગુન્હો દાખલ કરી અટકાયત કરાઇ છે. તેમજ એમ.વી. એકટ ર૦૭ હેઠળ ૬૧ વાહનો ડિટેઇન કરાયા છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા લોકો કામ સિવાય બહાર ન નીકળે તેમજ કોરોના વાયરસથી બચવા લોકો માસ્ક પહેરે તેવી અંતમાં એસ.પી. બલરામ મીણાએ અપીલ કરી છે.

(1:11 pm IST)