Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાશનકાર્ડ નથી અને જે લોકો ગરીબ-નિરાધાર-ઘર-કુટુંબવિહોણા છે તેવા લોકોને તા. ૬ થી અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ અપાશે

રાશનકાર્ડ ધરાવતી વ્યકિતએ લાભ લીધો તો સીધી ફોજદારી : સોશ્યલ મીડીયામાં ગેરસમજ થાય તેવા મેસેજો ફરે છે..

રાજકોટ, તા. ૪ : રાજકોટ કલેકટરની યાદી જણાવે છે કે, તાજેતરમાં સોશ્યલ મીડીયામાં અન્ન બ્રહ્મ યોજના બાબતના વિવિધ મેસેજીસ ફરી રહ્યા છે આથી લોકોમાં ગેરસમજ ન થાય તે હેતુથી રાજકોટ શહેર તથા જિલ્લામાં ગોઠવેલ વ્યવસ્થા અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવે છે. જેમાં રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓને તારીખ ૬ એપ્રિલ-ર૦ર૦ થી નક્કી કરેલ જથ્થાનું વિતરણ ચાલુ કરવામાં આવશે. રેશનકાર્ડ ધરાવતા કુટુંબ કે વ્યકિતને આ યોજના હેઠળ કોઇ લાભ મળવાપાત્ર રહેતો નથી. જે અત્યંત ગરીબ, નિરાધાર, ઘર અથવા કુટુંબવિહોણા છે અને રાશનકાર્ડ ધરાવતા નથી તેવા જ લોકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહે છે. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ રેશનકાર્ડ ધરાવે છે કે કેમ ? તે બાબત કમ્પ્યુટરાઇઝ ચકાસણી કરવામાં આવશે. ચકાસણી દરમિયાન રેશનકાર્ડ ધરાવતી વ્યકિતએ આ યોજનાનો લાભ લીધાનું જણાયે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આથી વિનંતી છે કે કોઇપણ રેશનકાર્ડ ધરાવતા લોકો અન્ન બ્રહ્મ યોજનાનો લાભ લેવા ન આવે.

(10:12 am IST)