Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

બિલ્ડર્સ અને કોન્ટ્રાકટરો વચ્ચે વધુ ૧૦ કરોડના રોકડ વ્યવહાર ખુલ્યા

ડેકોરા ગ્રુપ, ડ્રીમસીટી ગ્રુપના કોન્ટ્રાકટરો ઉપર આવકવેરાની તપાસ પૂર્ણ

રાજકોટ, તા. ૪ : છેલ્લા બે દિવસથી રાજકોટ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા ટોચના બિલ્ડર ગ્રુપનાં બાંધકામ કોન્ટ્રાકટર અને સપ્લાયર ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે આજે વ્હેલી સવારે પૂરો થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ ડ્રીમસીટી ગ્રુપ અને ડેકોરા ગ્રુપના પ્રોજેકટમાં લેબર તેમજ સપ્લાયર તરીકે કામ કરતાં ભાનુ કોન્ક્રીટ, એકયુરેટ અને આશિષ ટાંક ઉપર આવકવેરાની ગુપ્તચર શાખાએ ડાયરેકટર શ્રી રાજેશ મહાજનના માર્ગદર્ર્શન તળે આસીસ્ટન્ટ ડાયરેકટર પ્રદિપસિંહ સખ્તાવત, વી.એમ. ડાંગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ દિવસે ૨૮ કરોડના બેનામી વ્યવહારોનો ઘટસ્ફોટ થયા બાદ ગઈકાલે પણ આવકવેરા વિભાગની તપાસમાં વધુ ૧૦ કરોડના રોકડ વ્યવહારો સામે આવ્યા હતા. આવકવેરા વિભાગે તમામ સ્થળોએથી થોકબંધ દસ્તાવેજી પુરાવાઓ અંકે કર્યા છે અને આવનારા દિવસોમાં તેની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(3:47 pm IST)