Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

કુવાડવા રોડ પર ‘હિટ એન્‍ડ રન': અજાણ્‍યા વાહને હડફેટે લેતા દાહોદના સબુરભાઇ પરમારનું મોત

ખેરવામાં રહેતા વૃધ્‍ધ દંપતી કુવાડવા દીકરાને મળવા જતા'તાઃ રોડ ક્રોસ કરતી વખતે પત્‍નીની નજર સામે અજાણ્‍યા વાહને વૃધ્‍ધને હડફેટે લઇ ભાગી ગયો

રાજકોટ તા.૪: કુવાડવા ગામ પાસે ‘હિટ એન્‍ડ રન' ની ઘટનામાં રોડ ક્રોસ કરતા વૃધ્‍ધને અજાણ્‍યા વાહને હડફેટે લેતા તેનું મોત નિપજ્‍યું હતું. મળતી વિગત મુજબ મુળ દાહોદના અંબાકાચ ગામ હાલ રાજકોટના ખેરવા ગામે પાસે આરીફભાઇ અલીભાઇની વાડીમાં રહેતા કમલીબેન ઉર્ફે કમાબેન સબુરભાઇ પરમારે કુવાડવા રોડ પોલીસ મથકમાં અજાણ્‍યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. કમાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે. જેમાં મોટો દિકરો રમેશ રાજકોટ રહે છે. ગઇકાલે પોતે તથા પતિ સબુરભાઇ પરમાર(ઉ.વ.૬૫) બંને કુવાડવા ગામમાં રહેતા પુત્ર રમેશના ઘરે વાડીએથી નીકળી વાંકાનેર ચોકડી પાસેથી રીક્ષામાં બેસીને કુવાડવા ગામ નજીક ગાયત્રી આશ્રમ પાસે પહોંચ્‍યા હતા. અને બંને રીક્ષામાંથી ઉતર્યા બાદ ગાયત્રી આશ્રમ તરફ રોડ ક્રોસ કરતા હતા. ત્‍યારે અમદાવાદથી રાજકોટ તરફ આવતા અજાણ્‍યા વાહનના ચાલકે પતિને હડફેટે લેતા તેને માથા તથા પગમાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્‍ધનું મુત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થત કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. આઇ.એ.ભટી સહિતે સ્‍થઇ પર પહોંચી વૃધ્‍ધના મૃતદેહને કુવાડવા સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે કમલીબેન પરમારની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી હેડકોન્‍સ. એ.પી. નીમાવતે તપાસ હાથધરી છે

(11:38 am IST)