Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બેડી વાછકપરના વૃધ્ધ બચુભાઇ ચંદ્રાલાએ પોતાના બંને હાથ બાંધી કુવામાં ઝંપલાવી જીવ દીધો

'મારી બે કીડની ખરાબ થઇ ગઇ છે, મને ઘરનું કોઇ દુઃખ નથી, ભુલચૂક માફ કરજો' લખેલી સ્યુસાઇટ નોટ મળી : કુવા પાસે લાકડી, ચપ્પલ, ટોપી અને રૂમાલ પુત્રએ જોતા ખબર પડી

રાજકોટ તા. ૪ : બેડી વાછકપર ગામમાં રહેતા વૃધ્ધે 'મારી બંને કીડની ખરાબ થઇ ગઇ છે, મને ઘરનું કોઇ દુઃખ નથી, ભૂલચૂક માફ કરશો' લખી ગામ પાસે પોતાની વાડીમાં પોતાના બંને હાથ બાંધી કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ બેડી વાછકપર ગામમાં રહેતા બચુભાઇ લીંબાભાઇ ચંદ્રાલા (ઉ.૮૫) ગઇકાલે સવારે લાકડીના ટેકે ચાલીને વાડીએ આંટો મારવા ગયા હતા. બાદ બપોરે તે ઘરે જમવા ન આવતા તેના પુત્રએ વાડીએ તપાસ કરતા વાડીના કુવાની બાજુમાં પિતાની લાકડી, ચપ્પલ, ટોપી અને રૂમાલ પડેલ જોતા પુત્રએ કુવામાં જોતા તે મળી આવતા આસપાસના લોકોએ ખાટલા વડે વૃધ્ધને બહાર કાઢી ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. હમીરભાઇ આહિર તથા રાઇટર અજીભાઇ લોખીલે તાકીદે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.  તપાસ દરમિયાન મૃતક બચુભાઇએ લખેલી સ્યુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'મારી બન્ને કિડની ખરાબ થઇ ગયેલ છે, મને ઘરનું કોઇ દુઃખ નથી, ભુલચૂક માફ કરશો' તેમ લખ્યું હતું. મૃતક બચુભાઇને તરતા આવડતું હોઇ, તેથી તેણે પોતાના બંને હાથ દોરીથી બાંધી કુવામાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેને કેટલાક સમયથી ખંજવાળની તકલીફ હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)