Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજકુમાર કોલેજને રોટરી ઈન્ટરનેશનલનો ગ્લોબલ ઈન્ટરેકટ વિડિયો એવોર્ડ્સ

સર્વોત્તમ શિક્ષણની સાથે શ્રેષ્ઠત્તમ સમાજસેવાના કાર્ય બદલ ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત કરી રાજકુમાર કોલેજે યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું : RKC ના પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારી, એડમિનિસ્ટ્રેટર ચાકો થોમસ સહિતની ટીમ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ, તા.૪: સર્વોત્તમ શિક્ષણ સંસ્થાઓમાં જેની પ્રથમ હરોળમાં ગણના થાય છે તેવી રાજકોટની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા રાજકુમાર કોલેજને તેની સર્વોત્તમ સમાજ સેવાનાં કાર્ય બદલ વિશ્વભરમ। પ્રસિધ્ધ રોટરી ઈન્ટરનેશનલનો ગ્લોબલ ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ મેળવી રાજકુમાર કોલેજે તેની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ સ્પર્ધામાં વિશ્વભરમાંથી ૨૦૦ સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાંથી રાજકોટની રાજકુમાર કોલેજે સમાજ સેવાનાં કાર્ય માટે રજૂ કરેલા વિડિયોને પસંદ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઈ.સ. ૧૮૭૦માં રાજકોટમાં સ્થપાયેલી રાજકુમાર કોલેજ દેશની પ્રથમ પબ્લિક સ્કૂલ હોવાની સાથે આઈ.પી.એસ.સી.નાં સ્થાપક સભ્ય પણ છે. રાજકુમાર કોલેજની સર્વોત્તમ શિક્ષણ સંસ્થાઓમાં કાયમ ગણના થાય છે. માત્ર શિક્ષણ જ નહીં પણ કુદરતી હોનારતના સમયમાં હંમેશા અસરગ્રસ્તોની મદદ કરીને રાજકુમાર કોલેજ સમાજ સેવા સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવ્યું છે. આવા જ સમાજ સેવાના કાર્યો બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

રોટરી ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં સમાજ સેવા જેવા લોકસ્પર્શી વિષય પર અગિયારમાં વૈશ્વિક વાર્ષિક ઈન્ટરેકટ વિડિયો એવોર્ડસ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકુમાર કોલેજ સહિત વિશ્વભરમાંથી ૨૦૦ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. રાજકુમાર કોલેજ દ્વારા વાંકાનેર નજીક આવેલા ખખાણા ગામને દત્તક લઈ ગામ અને ગામ આસપાસના વિસ્તારોમાં ઉડીને આંખે વળગે તેનાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા આ વિકાસ કાર્યો વિશે માત્ર ત્રણ મીનીટની શોર્ટ વિડિયો ફિલ્મ તેયાર કરી હતી. સામાજિક અને સેવીકીય કાર્યોને પ્રદર્શિત કરવા સાથે સામાજિક અને શૈક્ષણિક સુવિધાઓ દ્વારા નવી પેઢીનાં નિર્માણ અને ગામ તથા સમાજના સશકિતકરણ માટે રાજકુમાર કોલેજે નિભાવેલા સામાજિક ઉત્તરદાયિત્વને આ શોર્ટ વિડિયો ફિલ્મમાં બખૂબી રજૂ કરવામાં આવ્યા હતા. સાથોસાથ રાજકુમાર કોલેજ દ્વારા આયોજિત સર્વિસ પ્રોજેકટ દર્શાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર કોલેજ દ્વારા ખખાણા ગામની શાળામાં પ્રવેશ માટે ક્રોક્રિંટ રોડ, વિદ્યાર્થીનીઓ માટે બાથરૂમ, વર્ગ ખંડો સહિત સમગ્ર શાળા સંકુલને આકર્ષક રંગરોગાન અને પેઈન્ટીંગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે સ્ટેજ અને બેસવા માટે વ્યવસ્થા અને નિયમિત વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ બચાવનો સંદેશ આપવામાં આવ્યો છે. રોટરી રાજકોટ ડિસ્ટ્રીકટ ૩૦૬૦ દ્વારા હંમેશા શાળાની વિદ્યાર્થીનીઓને સ્ટેશનરી અને સ્કૂલ બેગ આપવામાં આવે છે.

આ સ્પર્ધામાં દેશભરમાંથી રાઉન્ડ સ્કવેર અને આઈ.પી.એસ.સી. મેમ્બર સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજકુમાર કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલી સેવા પ્રવૃતિને લગતી આ શોર્ટ વિડિયો ફિલ્મને રોટરી ઇન્ટરનેશનલ યુ.એસ.એ. દ્વારા કરી રાજકુમાર કોલેજને એક હજાર યુ.એસ. ડોલર (આશરે રૂ.૭૩ હજાર) અને રોટરી  ઈન્ટરનેશનલ ૨૦૨૦-૨૧ના પ્રમુખ શ્રી હોલ્ગર કેનાક તરફથી પ્રશંસાપાત્ર આપી સન્માનિત કરવામાં આવી છે. રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ શ્રી શંકરસિંહ અધિકારી નિયમિતપણે વિદ્યાર્થીઓને આવી પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરતા રહે છે. આ રકમ કોલેજની પરંપરા મુજબ સમાજ સેવાના કાર્યોમાં વપરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ વ્યકિતગત સ્વચ્છતાની ઉપયોગિતા અને યોગ્ય સમજ દ્વારા વ્યકિતગત તંદુરસ્તીનું મહત્વ સમજે તે માટે રાજકુમાર કોલેજ નવીનતમ ટેકનોલોજી સાથે સેનેટરી પેડ મેન્યુફેકચરીંગ મશીન ખરીદી રહ્યું છે. આ પ્રોજેકટના ખર્ચને પહોચી વળવા કોલેજને મળેલી પ્રોત્સાહનની રકમનો ઉપયોગ કરવામાં આવશે સાથોસાથ ઈન્ટરેકટ કલબ પણ પ્રોજેકટ ખર્ચને પહોચી વળવા ભંડોળ ઉભું કરવાની પ્રવૃતિઓનું આયોજન કરશે તેમ કોલેજના પ્રિન્સીપાલ શ્રી શંકરસિંહ અધિકારીએ ઉમેર્યું હતું.

આ શોર્ટ વિડિયો ફિલ્મ બનાવવા માટે કોલેજના એડમિનિસ્ટ્રેટર શ્રી ચાકો થોમસનાં માર્ગદર્શન હેઠળ કોલેજનાં ઇન્ટ્રેકટ કો-ઓર્ડીનિટર શ્રી સંદીપ દેશમુખ અને ઈન્ટરેકટ પ્રેસિડેન્ટ પ્રથમ સિમરિયા, ટ્રેઝરર પ્રેક્ષા શેઠ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:50 pm IST)