Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજકોટથી અજમેર લઇ જઇ ર૩ કન્‍યાઓની નિકાહ ખ્‍વાજા સાહેબના દ્વારે સંપન્ન કરાવાશે

સાગર ફાઉન્‍ડેશન (નહેરૂનગર) દ્વારા સમૂહ શાદીનો પ્રથમ વાર નવતર અવસર : ૮ બસો અને મોટર કાર સહીતનો વિશાળ કાફલો રવાનાઃ કાલે શુક્રવારે વિધિ

રાજકોટ, તા., ૪: છેલ્લા એક વર્ષથી જ સામાજીક કાર્યો કરતી સંસ્‍થા સાગર ફાઉન્‍ડેશન ગ્રુપ(નહેરૂનગર રૈયા રોડ)એ પ્રથમ જ વાર સમુહશાદીનું અને એ પણ નવતર આયોજન કરતા આ સમુહ શાદીમાં જોડાયેલા વર-કન્‍યા પક્ષના પરીવારજનોમાં ભારે હર્ષની લાગણી છવાઇ જવા સાથે સાગર ફાઉન્‍ડેશન ઉપર આશીર્વાદના ફુલો વરસાવી રહયા છે.

સાગર ફાઉન્‍ડેશન દ્વારા ર૩ ગરીબ મુસ્‍લીમ કન્‍યાની સમુહ શાદી યોજાઇ છે જે તમામ નિકાહો જગવિખ્‍યાત ખ્‍વાજા સાહેબની દરગાહ શરીફ ખાતે રાજસ્‍થાનના અજમેર શરીફમાં કાલે શુક્રવારના દિવસે સંપન્ન થનાર છે.

આ સંસ્‍થાના પ્રમુખ અલાઉદીનભાઇ કારીયાણીયા, ઉપપ્રમુખ અલતાફભાઇએ સુમરા અને સેક્રેટરી હુસેનભાઇ શેખએ જણાવ્‍યું છે કે અમારી નિકાહ અજમેર શરીફ દરગાહ સંકુલમાં થઇ છે જે જીવનપર્યત નવદંપતીઓને યાદ રહે અને અમોને માત્રને માત્ર દુઆઓ મળતી રહે એ અમારો આ પ્રયાસ છે.

સૌરાષ્‍ટ્રભરમાં અનેક સ્‍થળોએ યોજાતી સમુહ શાદીના પ્રસંગોમાં પ્રથમ જ વાર આ એક નવતર સમુહ શાદીનો કાર્યક્રમ યોજાયાનું આ હોદેદારોએ જણાવી વધુમાં જણાવ્‍યા મુજબ આ પ્રસંગને પાર પાડવા દુલ્‍હા-દુલ્‍હન દરેક પક્ષ તરફથી ૧૦/૧૦ વ્‍યકિતને અજમેર શરીફ સાથે લઇ જવાશે અને એ માટે ૮ બસોની વ્‍યવસ્‍થા કરાઇ છે. આ ઉપરાંત મોટર ગાડીઓનો કાફલો પણ સાથે રહેશે અને અજમેર શરીફમાં ગરીબ નવાઝ ગેસ્‍ટ હાઉસમાં માત્રસ્ત્રીઓ અને સરવર ગેસ્‍ટ હાઉસમાં માત્ર પુરૂષોને રહેવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ તમામ સમુહને જમવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. રસોયા સહીતનો સામાન સાથે રહેશે. એ ઉપરાંત કન્‍યાઓને કરીયાવર અને અજમેર શરીફ આવવા-જવાનો ખર્ચ સંસ્‍થા પોતે ઉઠાવશે.

આ સમુહ શાદીમાં રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રના ગરીબ વર્ગના વર-કન્‍યા જોડાયેલા છે જે કાફલો આજે બપોરે નહેરૂનગરથી અજમેર શરીફ જવા રવાના થયેલ.

આ સમગ્ર કાર્યક્રમ માટે ઇસ્‍માઇલભાઇ  શેખ, રફીકભાઇ કારીયાણીયા, સલીમભાઇ કારીયાણીયા, હુસૈનભાઇ સૈયદ, અસલમભાઇ શેખ, હાજી હુસૈનભાઇ માંડલીયા, ઇલીયાસભાઇ, હારૂનભાઇ શાહમદાર, મુકેશભાઇ દોશી, જતીનભાઇ માનસેતા, સંજયભાઇ ટીલાળા, અજયભાઇ ગોહીલ અને હરીસિંઘ ગુરૂદ્વારા સહીતના સમાજસેવીઓ જહેમત ઉઠાવી રહયા છે.

(12:16 pm IST)