Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મહાશિવરાત્રી : શિવભકિતમાં રાજકોટ રસતરબોળ

અર્થ કયા નિરર્થ કયા જો ભી હૈ સભી તેરા, તેરે સામને હૈ જુકા મેરે સર પે હાથ રખ તેરા... નમો નમો જી શંકરા ભોલેનાથ શંકરા ! : ભાંગની પ્રસાદીનું રસપાન : હર હર મહાદેવ, જય ગીરનારી, બમ બમ ભોલેના નાદો ગુંજયા : સાંજે દિપમાળા આરતી અને ભજન સત્સંગના કાર્યક્રમો

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધીકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે :  રાજકોટ : બમ બમ ભોલે, જય ગીરનારી, ઓમ નમઃ શિવાયના નાદોથી આજે રાજકોટના શિવાલયો ગુંજી ઉઠયા હતા. મહાશિવરાત્રી નિમિતે વહેલી સવારથી જ દેવાધીદેવ શિવશંભુના પૂજન અર્ચનનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. શિવલીંગ અને મંદિરોને ફુલોના અનેરા શણગાર થયા છે. બિલ્વાભિષેક, જલાભિષેક, દુગ્ધાભિષેક કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન શિવને પ્રિય એવી ભાંગની પ્રસાદીનું સૌ ભાવિક ભકતોને વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચાર પ્રહરની આરતી તેમજ બપોરે વિશેષ મહાઆરતી અને રાત્રે દીપમાળા આરતીના આયોજનો થયા છે. સાંજે ધૂન સત્સંગ થશે. રાજકોટના સુપ્રસિધ્ધ શ્રી રામનાથ મહાદેવ, શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે થઇ રહેલ પૂજન અર્ચનના કાર્યક્રમો તસ્વીરોમાં નજરે પડે છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૪ : દેવાધિદેવ મહાદેવની ભકિતમાં આજે રાજકોટ રસતરબોળ થયુ છે. મહાશિવરાત્રી નિમિતે શિવાલયો ફુલોના શણગારથી મઘમઘી ઉઠયા છે. શિવલીંગ પર જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક કરવા ભાવિકો કતારો લગાવી રહ્યા છે.

જાગનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, આશુતોષ મહાદેવ, રામનાથ મહાદેવ સહીતના મંદિરોમાં વહેલી સવારથી જ મહાશિવરાત્રીનો અનોખો માહોલ જામ્યો છે. પૂજા અર્ચન બાદ ભાંગની પ્રસાદીનું વિતરણ થઇ રહ્યુ છે. બપોરે વિશેષ મહાઆરતી તેમજ ચાર પ્રહરની આરતીના કાર્યક્રમો આયોજીત થયા છે. અનેક સ્થળોએ રાત્રે દીપમાળા આરતી તેમજ ભજન ધૂન સત્સંગના કાર્યક્રમો યોજાયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ત્રંબકેશ્વર મહાદેવ

રૈયા રોડ શિવમ પાર્કમાં આવેલ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી નિમિતે પૂજન, રૂદ્રાભિષેક થયેલ. તુલસીદાસ ગોંડલીયા આગવી શૈલીમાં શિવભકિતની રસલ્હાણ પીરસી રહ્યા છે. ભકતજનો માટે ભાંગ પ્રસાદ તેમજ ફરાળની વ્યવસ્થા કરાઇ હોવાનું શિવમ પાર્ક-૩ ના શિવભકતોવતી પુજારી વિનુભાઇ દુધરેજીયાની યાદીમાં જણાવાયુ છે.

અત્રેશ્વર મહાદેવ

જીલ્લા ગાર્ડન, કેનાલ રોડ ખાતે આવેલ શ્રી અત્રેશ્વર મહાદેવ મંદિરે  આજે મહાશિવરાત્રી નિમિતે રાત્રે ૯.૩૦ વાગ્યે પુનિત સદ્દગુરૂ ભજન મંડળના ધૂન ભજન થશે.

કોેટેશ્વર મહાદેવ મંદિર

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે સાંજે ઁકાર મહાઆરતી થશે. ચાર પ્રહરની આરતી તથા રાત્રે ૯ વાગ્યે મહાપૂજા રાખેલ છે. જેના યજમાનપદે વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, જયેશભાઇ, અશ્વીનભાઇ જાદવ, પરેશભાઇ, જયભાઇ, સિધ્ધરાજસિંહ જાડેજા, છગનભારથીબાપુ ગોસ્વામી, ક્રિપાલસિંહ જાડેજા બીરાજશે. શાસ્ત્રોકતવિધિ રાકેશ મહારાજ કરાવશે.

રામેશ્વર મહાદેવ

જીવનનગર શેરી નં.૪ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે જાગૃત નાગરીક મંડળ, મહીલા સત્સંગ મંડળ અને મંદિર સમિતિના ઉપક્રમે મહાશિવરાત્રી પર્વે રૂદ્રાભિષેક, સ્તવન, સામુહીક પાઠ, રૂદ્રી, મહાઆરતી, દીપમાલા, સત્સંગ સહીતના કાર્યક્રમો આયોજીત થયા છે. રાત્રીના ૧૨ કલાકે સામુહિક રૂદ્રાભિષેક મહાઆરતી સાથે દીપમાલા થશે.

(3:49 pm IST)