Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

નવાગામ દિવેલીયા પરામાં પ્રેમલગ્ન કરનારા જયંતી સેજુને મારમારી પત્‍નીનું અપહરણ : સસરા સામે ગુનો

સસરા વકતા સોલંકીએ ‘કંઇ વધારે પડતુ બોલતો નહીં નહીતર જાનથી નાખીશુ' કહી પત્‍ની મમતાને બળજબરી પૂર્વક કારમાં બેસાડી ભાગી ગયા : કુવાડવા પોલીસે તપાસ આદરી

રાજકોટ,તા. ૪ : નવાગામ દિવેલીયા પરામાં પ્રેમલગ્ન કરનારા યુવાનને તેના સસરા સહિત ચાર શખ્‍સો અચાનક ઘસી આવી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી પત્‍નીને ફોર વ્‍હીલ કારમાં બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ બનાસકાંઠાના થરાદના અજાવાડા હાલ રાજકોટ નવાગામ દિવેલીયા પરા કવાર્ટરના ત્રીજા માળે રહેતા જયંતી ધીરાભાઇ સેજુ (ઉવ.૨૪) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં થરાદ તાલુકાના બેટલીયા ગામમાં રહેતા સસરા વકતા ગમનાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. જયંતી સેજુએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે અહીં દીવેલીયા પરામાં આવેલા પ્‍લાસ્‍ટીકમાં દાણા બનાવવાના કારખાનામાં મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. પોતે પંદર દિવસ પહેલા થરાદના બેટલીયા નારોલી ગામમાં રહેતી મમતા વકતાભાઇ સોલંકી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદ બંને રાજકોટ દીવેલીયાપરામાં રહે છે. ગત તા. ૨૯/૧ ના રાત્રે પોતે તથા પત્‍ની મમતા ઓરડીમાં સુતા હતા. ત્‍યારે મોડી રાત્રે કોઇએ દરવાજો ખખડાવતા પોતે દરવાજો ખોલતા સસરા વકતા ચૌહાણ અને તેની સાથે ત્રણ અજાણ્‍યા શખ્‍સો ઉભા હતા પોતે તેને કંઇ પુછે તે પહેલા પોતાને ગાળો આપી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારવા લાગ્‍યા હતા અને પત્‍ની મમતાને પણ માર મારતા પોતે આ લોકોને રોકવાનો પ્રયત્‍ન કરતા બંનેને મારતા મારતા કવાર્ટરના ગ્રાઉન્‍ડ ફલોર પર લઇ ગયા અને કહેલ કે કંઇ વધારે પડતુ બોલતો નહીં નહીતર તેને મારી નાખીશું' તેમ ધમકી આપી ગેઇટ પર લગાવેલો દરવાજો બંધ કરી પત્‍ની મમતાના વાળ પકડીને ફોર વ્‍હીલમાં બળજબરી પૂર્વક બેસાડી નાશી ગયા હતા. આ બાબતે પોતે કુવાડવા રોડ પોલીસ મથકમાં અરજી કરી હતી. પંદર દિવસ થયા છતાં પત્‍ની મમતાને ન મોકલતા પોતે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી .આ અંગે પી.એસ.આઇ જે.ડી.વસાવાએ તપાસ આદરી છે.

 

(4:46 pm IST)