Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

૬૦ થી ૮૦% જેટલા કેન્‍સરનું નિદાન શક્‍ય : ગેરમાન્‍યતાથી દૂર રહેવા અનુરોધ : ડો. પુજા તન્‍ના

૨૦૨૦માં સમગ્ર વિશ્વમાં ૧૯૦ લાખ કેસ આવતા ૨૦ વર્ષમાં ૩૬૦ લાખ થવાની સંભાવના

રાજકોટ તા. ૪ : ૪ ફેબુ્રઆરી વિશ્‍વભરમાં કેન્‍સર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ કેન્‍સર અંગે લોકોમાં ફેલાયેલા ડર તથા ભ્રમ દુર કરવા, લોકોમાં ઘર કરી ગયેલ ખોટી માન્‍યતાઓ દુર કરવી,જન જાગૃતી ફેલાવવા તથા કેન્‍સર ક્ષેત્રે થયેલા નવા સંશોધનો લોકો સમક્ષ મુકવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. કેન્‍સરના વધતા જતા આંકડા ર૦ર૦માં સમગ્ર વિશ્‍વમાં ૧૯૦ લાખ કેન્‍સરના કેસો નોંધાયેલા છે. જે આવતા ર૦ વર્ષમાં ૩૬૦ લાખ થવાની સંભાવના છે.કેન્‍સરના વધતા જતા આંકડાથી ડરવાની જરૂર નથી કેમ કે આજે ૬૦ થી ૮૦ % જેટલા કેન્‍સરનુ નિદાન શકય છે. પરંતુ લોકોમાં કેન્‍સર વિશે ફેલાયેલ ગેરમાન્‍યતા દુર કરવાની જરૂર છે.

વોકહાર્ટ હોસ્‍પિટલમાં કેન્‍સર દિવસ નિમીતે પણ હોસ્‍પિટલના કેન્‍સર વિભાગના નિષ્‍ણાંત ડો.પુજા તન્‍નાએ પોતાના અનુભવો વિશે માહિતી આપતા જણાવેલ કે સૌ પ્રથમ તો  લોકોમાં ઘણા પ્રકારની ગેરમાન્‍યતા રહેલ છે જેને દુર કરવી આપણો ઘ્‍યેય છે.ગેરમાન્‍યતા જેવી કે કેન્‍સર એટલે જીવનનો અંત,કેમોથેરાપીની દર્દી પર આડઅસર, મઘ્‍યમ વર્ગ તથા આર્થિક રીતે નબળા કેન્‍સરના દર્દી માટે નાણાકીય અગવળો અને કેન્‍સર ચેપી રોગ છે આવી ગેરમાન્‍યતા લોકોમાં ફેલાયેલી છે જેને દુર કરવી જોઈએ. આ પ્રકારના પ્રશ્‍નોના જવાબ આપતા ડો.પુજા તન્‍ના જણાવે છે કે જો કેન્‍સરનુ સમયસર અને પ્રારંભીક તબકકામાં નિદાન કરાવવામાં આવે તો ચોકકસપણે સફળતા મળી શકે છે.ખાસ કરીને સ્‍ત્રીઓમાં સ્‍તન કેન્‍સર,ગર્ભાશયકેન્‍સર,લસીકાગ્રન્‍થીના કેન્‍સર,બીજા અને ત્રીજા તબકકામાં પણ આધુનિક સારવારથી સફળ નિદાન શકય છે. કિમોથેરાપીથી દર્દીની તબીયત બગળતી નથી. નાની મોટી આડઅસરો જેવી કે ઉલટી, ઝાળા, નબળાઈ રહે છે. પરંતુ એ પણ મર્યાદિત સમય પુરતી જ રહે છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે સરકારની વિવિધ યોજના દ્વારા તદન મફતમાં અને નિષ્‍ણાંત ડોકટરો પાસે સારવાર કરાવી શકાય છે તથા કેન્‍સર બીલકુલ ચેપી રોગ નથી.

આ ઉપરાંત આજના દિવસે કેન્‍સર થવાના નીચે મુજબના કારણોથી દુર રહેવાનો સંકલ્‍પ કરીએ  કે પાન, ગુટખા, તંબાકુ, બીડી અને દારૂના સેવન જે વિવિધ કેન્‍સરને નોતરે છે તેનાથી આપણે દુર રહીએ અને અન્‍ય લોકોને પણ જાગૃત કરીએ. વોકહાર્ટ હોસ્‍પિટલ રાજકોટમાં કેન્‍સરની સંપુર્ણ સારવાર મુખ્‍ય મંત્રી અમૃતમ યોજના હેઠળ વિના મુલ્‍યે થાય છે.

(4:26 pm IST)