Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભરાડ સ્‍કુલની બસના ચાલકને ચાલુ બસે હાર્ટ એટેક આવ્‍યોઃ બેકાબુ બસને મોટો અકસ્‍માત સર્જાતા વિદ્યાર્થીનીએ અટકાવ્‍યો

બસ ડીવાઇડર ટપી બે કાર- બે સ્‍કુટરને હડફેટે લઇ સબ સ્‍ટેશન સાથે અથડાઇ અટકી ગઇ : ડ્રાઇવરને સારવાર માટે સિવિલમાં ખસેડાયા : ગોંડલ રોડ પર સત્‍યવિજય પટેલ આઇસ્‍ક્રીમ ચોકથી આગળ વધી રહેલી બસના ચાલક સ્‍ટીયરીંગ પર ઢળી પડતા બસમાં રહેલી એક માત્ર વિદ્યાર્થીની ભાર્ગવી વ્‍યાસે સ્‍ટીયરીંગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો

ત્રંબા ભરાડ સ્‍કુલની બસના ચાલકને ચાલુ બસે હાર્ટ એટેક આવતા ગોંડલ રોડ ઉપર અકસ્‍માત સર્જાયો હતો. તસ્‍વીરમાં બેશુધ્‍ધ ચાલક અને બસનું સ્‍ટીયરીંગ સંભાળવાની કોશીષ કરી મોટો અકસ્‍માત ખાળનાર ધો.૧રની વિદ્યાર્થીની ભાર્ગવી વ્‍યાસ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૪: આજે બપોરે દોઢથી પોણા બે વાગ્‍યાના અરસામાં ગોંડલ રોડ પર સત્‍યવિજય પટેલ ચોકથી મક્કમ ચોક તરફ આગળ વધી રહેલી ભરાડ સ્‍કુલની સ્‍કુલ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ડીવાઇડર ટપી રોંગ સાઇડમાં  ત્રણ-ચાર વાહનોને હડફેટે લઇ જીઇબીના સબ સ્‍ટેશન સાથે અથડાઇ અટકી ગઇ હતી. હારૂનભાઇ હાજી સુલેમાનભાઇ ખીરાણી (ઉ.વ.ં૬૫, રહે. ન્‍યુ જાગનાથ-૨૭, આલાભાઇના ભઠ્ઠામાં) નામના ચાલકને સારવાર માટે સરકારી હોસ્‍પીટલમાં ખસેડાયા  છે. સ્‍ટીયરીંગ ઉપર ડ્રાઇવરને ઢળી પડેલા જોઇ ધોરણ ૧રની વિદ્યાર્થીની ભાર્ગવી વ્‍યાસે  સ્‍ટીયરીંગ પરનો કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો જેને લઇને મોટો અકસ્‍માત અટકયો હતો.

અકસ્‍માત સર્જાતા એકઠા થઇ ગયેલા લોકોના ટોળાએ બેભાન ચાલકને નીચે ઉતારી ગોંડલ તરફથી આવી રહેલી ખાનગી એમ્‍બ્‍યુલન્‍સને અટકાવી ડ્રાઇવરને સિવિલ હોસ્‍પીટલમાં સારવાર માટે ખસેડયા હતા. આ પહેલા ડ્રાઇવરના મ્‍હોંમાંથી લોહી નિકળતુ જોઇ લોકોએ છાતીના ભાગે પંમ્‍પીંગ કરી ડ્રાઇવરને પ્રાથમીક સારવાર આપી હતી.

(3:41 pm IST)