Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

હથિયાર સાથેની મારામારીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૪: ઘાતક હથીયારો સાથે મારામારીના ગુનામાં આરોપીનો ચીફ કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો ફરમાવવામાં આવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે તા. ૧૦/૦૩/ર૦૦૧ ના રોજ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં નાગેશ્‍વરસિંહ શેખરસિંહ ચૌહાણએ ફરીયાદ નોંધાવેલ. ફરીયાદીની ફરીયાદ મુજબ બનાવના દિવસે રાત્રે નવેક વાગ્‍યાની આસપાસ ફરીયાદી તથા તેમના મિત્ર મનોજ તથા જીજ્ઞેશ એમ બધા મિત્રો જંકશન પ્‍લોટ શેરી નં. પ/૧પના ખુણા પર આવેલ પાનની દુકાને કેરમ રમતા હતા તેવામાં અચાનક જ ચારથી પાંચ ઇસમોએ જીપમાં આવી અને અગાઉના ઝઘડાનો ખાર રાખી છરી, લોખંડના પાઇપ અને હોકી જેવા હથીયારોથી ફરીયાદી પર ઘાતક હુમલો કરેલ, જે હુમલામાં ફરીયાદીનો સોનાનો ચેઇન પણ પડી ગયેલ.

આ ઘાતક હુમલા બાદ જ હુમલાખોરો ભાગી ગયેલ અને ત્‍યારબાદ ફરીયાદીને તેમના મિત્રએ સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં દાખલ કરેલ. આ ઘટનાની પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. એસ. કે. ગોસાઇએ સમગ્ર કેસની તપાસ કરી કુલ ૪ આરોપીઓ અશોક ગઢવી, હિતેષ ગઢવી, પ્રકાશ ગઢવી તથા મનોજ રામજીભાઇ પટેલની ધરપકડ કરેલ. સમગ્ર તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ સીવીલ હોસ્‍પિટલના ડોકટર સહીત કુલ ૧ર સાક્ષીઓ સાથેનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ હતું.

સદરહું કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે તમામ સાહેદોને, પંચોને તથા તમામ પોલીસ અધિકારીઓને તપાસવામાં આવેલ. આરોપીઓના વકીલશ્રીએ આ તમામ સાક્ષીઓની ઉલટ તપાસ કરેલ હતી.

આરોપી તરફેની તમામ દલીલોને માન્‍ય રાખી રાજકોટના નામદાર ચીફ જયુડી. મેજી. શ્રી એ. આર. તાપીયાવાલા સાહેબે તમામ આરોપીઓને તેના પરના આરોપમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ મહત્‍વના ચુકાદામાં આરોપી મનોજ રામજીભાઇ પટેલ તરફે વકીલ શ્રી પિયુષ જે. કારીયા, પ્રધ્‍યુમનસિંહ એમ. જાડેજા, સચીન તેરૈયા, મોહિત લિંબાસીયા, રવિ ઠુંમર, તથા અનિલ રાદડીયા, ધનરાજ ધાંધલ, નીલેશ ભગત રોકાયેલ હતા. (૭.૪ર)

(2:12 pm IST)