Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

યોગીના યોગોને સંયમના ઉપયોગમાં જોડી દે તે ગુરૂ : રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

જૂનાગઢ ખાતે ૯ દિક્ષાર્થીઓના ઓનલાઇન સંયમ મહોત્સવમાં ભાવિકો ભાવવિભોર : ૧૪ મી એ દીક્ષા યોજાશે

રાજકોટ,તા. ૪: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉંચા શિખરોથી શોભતાં ગિરનારના ગભારે સ્થિત પ્રભુ નેમનાથના પાવન પરમાણુઓની સાક્ષીએ શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિત નવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસર હજારોની હૃદયધરા પર ગુરુભકિત રસઝરણાના અમીછાંટણા કરીને ઉજવાયો હતો.

સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી શ્રી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુઓશ્રી ફેનિલકુમાર અજમેરા, શ્રેયમબેન ખંધાર, એકતાબેન ગોસલીયા, નિરાલીબેન ખંધાર, અલ્પાબેન અજમેરા, આયુષીબેન મહેતા, નિધિબેન મડીયા, મિશ્વાબેન ગોડા તેમજ દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના અષ્ટમ દિવસે We Jain-One Jain સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંદ્યો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે ગુરુતત્વ પ્રત્યે અહોભાવિત બન્યાં હતાં.

ગુરુ તત્વની અમાપ ગુણ સમૃધ્ધિ, અસીમ ઉપકારો અને અનંતી કરૂણાના સૂર શૃંગારિત શબ્દોના મધુર ગીતોની સાથે હજારો હૃદયના રોમ-રોમમાં ગુરુ પ્રેમનો થનગનાટ કરતી ભકિત સ્તવના બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે આ અવસરે અંતરધરાના ઊંડાણથી ગરુત્વ અને શિષ્યત્વનું અલૌકિક વર્ણન કરતાં કહ્યું હતું કે, જીવનની અજાણી રાહ પર ચાલતાં-ચાલતાં જયારે કોઈ રાહબરની-સહયોગીની જરૂર પડે છે ત્યારે, કયારેક શિષ્ય ગુરુની શોધ કરતાં હોય છે અને કયારેક સ્વયં ગુરુ પણ શિષ્યની શોધ કરતાં હોય છે અને જયારે ગુરુ-શિષ્યનો સંયોગ સર્જાય છે ત્યારે યોગીત્વનો માર્ગ કંડારાઈ જતો હોય છે. જેના મન, વચન અને કાયાના યોગો સંયમમાં હોય તે યોગી હોય છે અને યોગીના યોગોને સંયમના ઉપયોગમાં જોડી દેનારું તત્વ તે ગુરુ તત્વ હોય છે. જેમના સંયોગે મન સહજપણે આપણાં હાથમાં ન રહે તે ગુરુ તત્વ હોય છે. સંસારના દરેક સંબંધો જેમાં સમાઈ જાય, દરેક સંબંધની સંવેદનાઓ જેમાં અનુભવાતી હોય તેવું ભવોભવનું ઋણાનુબંધનું તત્વ તે જ ગુરુ તત્વ હોય છે. અનંતકાળના સંસારની ઊંદ્યનું વેરણ કરી દે તે ગુરુતત્વ હોય છે. શિષ્ય હૃદયમાં શ્વાસે શ્વાસે જીવંત રહે તે ગુરુ હોય.

સાથે જ, આ અવસરે દીક્ષાર્થીઓના શ્રીમુખેથી ગુરુ પ્રત્યેના અનંત ઉપકારની સુંદર અભિવ્યકિત કરાયેલ. આ અવસરે ગાયક કલાકાર પિયુષભાઈ શાહ, અસ્મિતાબેન શાહ, મેહુલભાઈ શાહ અને ચિતનભાઈ રાણાએ ગુરૂભકિત કરાવેલ.

આવતીકાલ તા. ૦૫ શુક્રવાર સવારના ૮.૩૦ કલાકે The Final Full Stop કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થી આયુષીબેનના જીવનની પ્રેરણાત્મક પ્રસ્તુતિ દ્વારા સહુને પ્રેરિત કરવામાં આવશે. શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી દરેક કલ્યાણપ્રેમી ભાવિકોને લાઈવના માધ્યમે જોડાઈને જીવન સાર્થકતાની દિશા પામવા આમંત્રિત કરવામાં આવ્યાં છે.

(3:58 pm IST)