Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

માધાપર એસ.ટી. ડેપો શરૂ થતા હજુ દિવસો નિકળી જશે લાઇટ-પાણી-ગટરની હાલ કોઇ વ્યવસ્થા જ નથી !!

કલેકટર તંત્રે જમીન સોંપી પરંતુ હાલ પ્રાથમીક સુવિધાનો અભાવઃ મુસાફરો વધતા આવક પણ વધી : નવા બસ પોર્ટ ઉપર ટ્રાફીકનો પ્રશ્ન સર્જાશે તો અમુક બસો બાયપાસ કરી નાખવા અંગે વિચારણા

રાજકોટ તા. ૪ : શાસ્ત્રીમેદાન બસ પોર્ટ બંધ થતા અને તમામ બસો ઢેબર રોડ નવા બસ પોર્ટ પર શરૂ કરી દેવાતા ડેપોની અંદર અને બહાર ઢેબર રોડ ઉપર કોઇ કોઇ વખત ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાવા માંડયા છે, એકી સાથે ૩ થી ૪ બસો ચાલી જાય ત્યારે ભારે ગંભીર સમસ્યા સર્જાય છે., જો, કે આ બાબતે આજે બી ડીવીઝનલ નિયામકશ્રી યોગેશ પટેલે 'અકિલા'ને જણાવ્યું હતું કે હાલ ટ્રાફીકમાં બહુ વાંધો નથી આવતો જો ટ્રાફિક જામની સમસ્યા રોજેરોજ ઉદ્ભવશે તો દર કલાકમાં ૧૦ થી ૧ર જે બસો ઉપડતી હશે તેમાંથી ર થી ૩ બસો ઘટાડી બાયપાસ કરી નખાશે, ખાસ કરીને ઉપરથી આવતી બસો અંગે આવો નિર્ણય લઇ શકાય તો ટ્રાફિક જામનો પ્રશ્ન હલ કરી લેવાશે.

દરમિયાન માધાપર ડેપો શરૂ કરવા અંગે યોગેશ પટેલે ''અકિલા'' ને જણાવ્યું હતું કે કલેકટર તંત્રે જમીનની સોંપણી કરી દીધી છે, પરંતુ હજુ ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, લાઇટ-પાણી-ગટરની વ્યવસ્થા નથી, તે અંગે કાર્યવાહી થઇ રહી છે, પરિણામે કાચો ડેપો શરૂ થતા હજુ દિવસો કે એક મહિનો થઇ જશે, શરૂ થશે ત્યારે જામનગર-ભાવનગર લાઇનો પહેલા શરૂ કરાશે.

આવક અંગે તેમણે જણાવેલ કે મુસાફરો વધ્યા છે, આવક હાલ રોજની ૩૮ લાખને વટાવી ગઇ છે, બસના ભાડા વધારા અંગે તેમણે જણાવેલ કે તે પોલીસી લેવલનો પ્રશ્ન છે, અને હાલ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હોય તે શકય નથી.

(3:57 pm IST)