Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લાતી પ્લોટમાંથી આયુર્વેદિક દવાના નામે શંકાસ્પદ નશાકારક પ્રવાહીનો ૨.૯૩ લાખનો જથ્થો પકડાયો

ક્રાઇમ બ્રાંચે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેથી હાર્દિકને કારમાં ૪ બોકસ સાથે પકડ્યા બાદ પુછતાછમાં બીજો જથ્થો ગોડાઉનમાં હોવાનું કહેતાં લાતીપ્લોટમાં દરોડોઃ જથ્થો મંગાવનાર તરીકે ગિરીરાજસિંહ સોઢાનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૪: થોડા સમય પહેલા પોલીસે અલગ-અલગ દૂકાનોમાં દરોડા પાડી નશાકારક મનાતા આયુર્વેદિક પીણાની બોટલો કબ્જે કરી હતી અને ચકાસણી માટે એફએસએલમાં મોકલી હતી. દરમિયાન આજે ક્રાઇમ બ્રાંચે લાતી પ્લોટના ગોડાઉનમાંથી આવો રૂ. ૨,૯૩,૨૫૦નો ૨૫૫૦ બોટલ શંકાસ્પદ નશાકારક મનાતો જથ્થો પકડી લીધો છે. આવી એક બોટલ સાથે કારમાં નીકળેલા શખ્સને રૈયા ેલિફોન એક્ષચેન્જ પાસેથી પકડ્યા બાદ તેની પુછતાછમાં બીજો મોટો જથ્થો લાતી પ્લોટમાં હોવાની માહિતી મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જે. પી. મેવાડા અને પુષ્પરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જીજે૧એચસી-૦૭૯૦ નંબરની કાર લઇને એક શખ્સ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેથી પસાર થવાનો છે અને આ કારમાં નશાકારક મનાતુ આયુર્વેદિક પ્રવાહી છે. બાતમી મુજબની કાર આવતાં અટકાવી તલાશી લેતાં અંદરથી આયુર્વેદિક મેડિસિન લખેલી બોટલોના ચાર બોકસ મળ્યા હતાં. આવી એક બોટલની કિંમત રૂ. ૧૧૫ થાય છે. ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ હાર્દિક રમેશભાઇ દુધરેજીયા (ઉ.૨૧-રહે. મુંજકા ચોકડી, ૧૩ માળીયા કવાર્ટર સી-૪૦૨, ચોથો માળ) જણાવ્યું હતું.

વધુ પુછતાછમાં તેણે આવી બીજી બોટલોનો જથ્થો લાતી પ્લોટ-૯માં આવેલા ગોડાઉન રાજ કેરીંગ કાર્ગો પીવીટી એલ ટીડીમાં હોવાનું કહેતાં ક્રાઇમ બ્રાંચ ત્યાં પહોંચતા બીજા  બોકસ મળી કુલ ૫૧ બોકસ બોટલ નંગ ૨૫૫૦ રૂ. ૨,૯૩,૨૫૦ના મળતાંકબ્જે કર્યા હતાં. આયુર્વેદિક દવાના નામે આ પ્રવાહીની બોટલો મેડિકલ સ્ટોર કે દર્દીઓને આપવાને બદલે શહેરની પાનની દૂકાનો પર વેંચાણ માટે મંગાવાઇ હોવાનું અને આ બોટલો મુંજકા ચોકડી શ્યામાપ્રસાદ મુખર્જી નગરમાં રહેતાં ગિરીરાજસિંહ કરણસિંહ સોઢાએ મંગાવ્યાનું હાર્દિકે કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસે ૧ લાખની કાર પણ કબ્જે કરી છે.

આ બોટલો પરિક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયેન્દ્રસિંહ એમ. પરમાર, હેડકોન્સ. જે. પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમે આ કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)