Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શંકરસિંહ વગર કોંગ્રેસ ટનાટન ચાલે છે

તેઓ પરત આવશે તો જુથવાદ વકરશેઃ ડો.હેમાંગ વસાવડા

રાજકોટ,તા.૪: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાના આગમનથી કોંગ્રેસમાં જૂથવાદનો વ્યાપ વિસ્તરી શકે છે, તેમના વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે.

શંકરસિંહ વાઘેલાની ફરી કોંગ્રેસમાં જોડાવવાની ઈચ્છાથી આડકતરી રીતે વિરોધ દર્શાવતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, શંકરસિંહ બાપુ ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા હતા ત્યારે અચાનક તેમણે કોંગ્રેસને અલવિદા કહી, પક્ષપલ્ટો કરી તેઓ એન.સી.પી.માં સક્રિય થયા હતા. માત્ર અહીંથી વાત નથી અટકતી, આટઆટલું ખેડાણ કર્યા બાદ તેમણે પોતાનું રાજકીય દળ પણ ઊભું કર્યું હતું. શંકરસિંહ બાપુની આવી કાર્યપધ્ધતિના કારણે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં નારાજગી છે અને આ નારાજગી હજુ પણ જોવા મળી રહી છે. હવે જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત આવશે તો શકય છે કે કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરી શકે તેમ છે.

હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, શંકરસિંહ બાપુ જયારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ પક્ષમાં  જૂથવાદ થયો હતો, એક તરફ તેઓ એમ કહે છે કે હું બિનશરતી વલણ  અપનાવીને કોંગ્રેસમાં જોડાવવા ઈચ્છું છું અને બીજી તરફ તેઓ એમ કહે છે કે મને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી બોલાવશે તો જ હું પક્ષમાં આવીશ. મારા મતે શંકરસિંહ વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે અને કોંગ્રેસમાં તેમની કોઈ આવશ્યકતા નથી. હેમાંગ વસાવડાના આ ગંભીર નિવેદનથી ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટું પરિવર્તન આવવાની સંભાવના રહેલી છે. તેમના આ નિવેદનથી પ્રભાવિત થઈને ગુજરાત કોંગ્રેસમાં શું પરિવર્તન આવે છે એ હવે જોવાનું રહ્યું.

(3:55 pm IST)