Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટ શહેર - જિલ્લામાં ચૂંટણી સંદર્ભે ૭ જાહેરનામા : સભા - સરઘસ બંધી

સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી જ પ્રચાર : મંજુરી વગર ચાર વ્યકિતથી વધુ ભેગા નહી થઇ શકે : સરકીટ હાઉસ, સરકારી મિલ્કતોનો રાજકિય ઉપયોગ નહી થઇ શકે : ખાનગી - સરકારી મિલ્કતો પર પરવાનગી વગર પ્રચાર સાહિત્ય નહી લગાડી શકાય : કલેકટર રેમ્યા મોહન દ્વારા કાયદો - વ્યવસ્થા જાળવવા પ્રસિધ્ધ કરાયા જાહેરનામા

રાજકોટ તા. ૪ : આગામી મ.ન.પા. અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તેઓને મળેલી સત્તાની રૂએ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા જુદા-જુદા સાત જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે.

જેમાં કોઇપણ રાજકીય પક્ષ કે ઉમેદવારો પોતાના પ્રચારના પોસ્ટરો સહિતનું સાહિત્ય જાહેર કે ખાનગી મિલ્કતો પર પરવાનગી વગર નહી લગાડી શકાય.

સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી જ લાઉડ સ્પીકર સાથે પ્રચાર થઇ શકશે. સભા - સરઘસમાં પરવાનગી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ નહી કરી શકાય.

કોઇપણ વ્યકિત - સંસ્થા વિરૂધ્ધ પ્રચાર સાહિત્ય છાપી નહી શકાય.

શહેર, તાલુકા, જિલ્લામાં સરકીટ હાઉસ ડાક બંગલો, આવાસ ગૃહો વગેરેનો રાજકીય ઉપયોગ નહી થઇ શકે. સક્ષમ પરવાનગી વગર ચારથી વધુ વ્યકિતઓ ભેગા નહી થઇ શકે.  તા. ૨૧ એ મ.ન.પા. અને તા. ૨૮ એ જિલ્લા પંચાયતોનું મતદાન થશે. આથી પરવાનેદારે હથિયારવાળા વ્યકિતઓએ તેઓના પરવાનાવાળા હથિયાર આજથી ૪ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશને જમા કરાવવાના રહેશે.

ચૂંટણી પ્રચારમાં ઉપયોગ થતાં તથા ઉમેદવારના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  આમ, શહેર - જિલ્લામાં ચુંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કલેકટરશ્રીએ આ ૭ જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે.

(3:14 pm IST)