Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રામેશ્વર સોસાયટીમાં રહેતી કડીયા યુવતિની હત્યાના કેસમાં સહઆરોપીની જામીન અરજી હાઇકોર્ટમાં પાછી ખેંચાઇ

રાજકોટ તા. ૪: અત્રે રામેશ્વર સોસાયટીમાં રહેતી તરૂણાબેન કડીયા યુવતીની લોખંડના સળીયાના ઘા મારી કરેલ હત્યાના ગુનામાં સહઆરોપીની જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે વિથડ્રો કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઇ તા. ૧૭-૭-ર૦ર૦ના રોજ ફરીયાદી નિકુંજભાઇ રામજીભાઇ રાઠોડે તેમની બહેન તરૂણાનું લોખંડના સળીયાનો ઘા મારી મોત નીપજાવ્યા અંગેની ફરિયાદ તરૂણાબેનના પતિ (૧) બાલકૃષ્ણ ઉર્ફે વિપુલ વેલજીભાઇ ટાંક તથા (ર) સિધ્ધાર્થ રમેશભાઇ રાઠોડની સામે તા. ૧૭/૦૭/ર૦ર૦ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં રાજકોટ શહેરના ગાયત્રીનગરમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શખ્સે સુરતની યુવતીને પામવા માટે પોતાની પત્નીને સળીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી, આરોપીએ તેના માસીયાઇ ભાઇની મદદથી લાશને કણકોટ નજીક ફેંકી દીધી હતી. પોલીસે મૃતકના પતિને ત્રણ દિવસ અને મદદગારી કરનારને એક દિવસના રીમાન્ડ પર લીધા હતા.

આ કામે આરોપી સિધ્ધાર્થ રમેશભાઇ રાઠોડે ઉપરોકત ગુનાના કામે જામીન પર છુટવા માટે ચાર્જશીટ બાદ જામીન અરજી કરતા જે અરજી નામંજુર કરેલ હતી અને તે હુકમ સામે નામ. ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર છુટવા માટે જામીન અરજી કરેલ હતી. હાલના મુળ ફરીયાદ પક્ષે પણ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન પર છુટવા સામે વાંધા રજુ કરેલ હતા જે તમામ હકીકતો ધ્યાને લઇને આરોપી સિધ્ધાર્થ રમેશભાઇ રાઠોડની જામીન અરજી નામ. ગુજરાત હાઇકોર્ટે વિથડ્રો કરાવેલ છે.

આ કામના મુળ ફરીયાદી નિકુંજ રામજીભાઇ રાઠોડ તરફે એડવોકેટ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ શ્રી અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો. તારક સાવંત, કિશન ટીલવા, ગૌરાંગ ગોકાણી, શ્રેયસ શુકલ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહીત, નીલ શુકલ, કુનાલ દવે, નૈમીશ જોશી, યોગી ત્રિવેદી, અબ્દુલ સમા, અનીતા રાજવંશી, રોકાયેા હતા તથા ગુજરાત હાઇકોર્ટમાં મુળ ફરીયાદી તરફે એડવોકેટશ્રી ખીલન ચાંદ્રાણી રોકાયેલ હતા.

(3:13 pm IST)