Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

'તમે બેંકવાળા મારા વ્યાજના પૈસા ખાઇ ગયા છો' કહી મેનેજર પર વૃધ્ધનો હુમલોઃ ધરપકડ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રણછોડનગર બ્રાંચમાં બનાવઃ બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૪: સામા કાંઠે પેડક રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રણછોડનગર બ્રાંચમાં ૭૭ વર્ષના વૃધ્ધ ખાતેદારે 'તમે મારા ફિકસ ડિપોઝીટના વ્યાજના પૈસા ખાઇ ગયા છો' કહી દેકારો મચાવી સ્ટાફ સાથે માથાકુટ કરી તેમજ આ બ્રાંચના મેનેજર પર પોતાના નેફામાંથી લોખંડનું પાનુ કાઢી હુમલો કરી માથું ફોડી નાંખતાં મેનેજરને સારવાર લેવી પડી હતી. પોલીસે ગુનો નોંધી વૃધ્ધની ધરપકડ કરી હતી.

આ બનાવમાં પોલીસે મુળ ઉનાના અને હાલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગિરીરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્ક-૩માં રહેતાં અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રણછોડનગર બ્રાંચ પેડક રોડ પર દોઢેક વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં રાયસિંહ ધીરૂસિંહ જણકાટ (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી સંત કબીર રોડ પર સદ્દગુરૂ સોસાયટી-૨માં રહેતાં ધરમશીભાઇ મુળજીભાઇ રાઘવાણી નામના ૭૭ વર્ષના વૃધ્ધ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

રાયસિંહ જણકાટે ફરિયાદમાં જણાવ્યું છે કે હું તા. ૨/૨ના બપોરે બે વાગ્યે નોકરી પર હતો ત્યારે અમારી બેંકમાં ફિકસ ડિપોઝીટ તથા બચત ખાતુ ધરાવતાં ખાતેદાર  આવ્યા હતાં અને અલગ-અલગ કાઉન્ટર પર જઇ પોતાની ફિકસ ડિપોઝીટનું વ્યાજ કેમ જમા થયું નથી? તેમ કહી પુછતાછ કરતાં બેંક કર્મચારી તુષારભાઇ ચાવડાએ તેમને નવી પાસ બૂક કાઢી આપી અને સ્ટેટમેન્ટ પણ કાઢી આપી ફિકસ ડિપોઝીટનું વ્યાજ જમા થઇ ગયું છે તેવું જણાવ્યું હતું.

આમ છતાં એ ખાતાધારકે મોટા અવાજે બોલી 'તમે બેંકવાળા મારા વ્યાજના પૈસા ખાઇ ગયા છો' તેવા ખોટા આક્ષેપો કરતાં હું ચેમ્બરમાંથી બહાર આવ્યો હતો અને તેમની પાસબૂક જોતાં તેમાં નામ ધરમશીભાઇ મુળજીભાઇ રાઘવાણી (રહે. સદ્દગુરૂ સોસાયટી-૨, સંત કબીર રોડ) લખેલું હતું. એ પછી મેં તથા બીજા બેંક કર્મચારીઓએ આ ધરમશીભાઇને સમજાવ્યા હતાં કે તમારી ફિકસ ડિપોઝીટનું વ્યાજ પાસબૂકમાં જમા થઇ ગયું છે. આમ છતાંતેઓ પૈસા ખાઇ ગયા છો કહી ગાળો બોલવા માંડ્યા હતાં. એ દરમિયાન મેં પોલીસ બોલાવવા ફોન ૧૦૦ નંબરમાં ફોન જોડતાં મારી પાછળ આવી તેના પેન્ટના નેફામાંથી લોખંડનું પાનુ કાઢી મને પાછળથી માથામાં ઘા ફટકારી દીધો હતો. જેના કારણે લોહી નીકળવા માંડ્યા હતાં. સિકયુરીટી ગાર્ડ અને બીજા કર્મચારીઓએ મને છોડાવ્યો હતો. ઇજા થઇ હોઇ હોસ્પિટલમાં જઇ સારવાર લીધી હતી. માથામાં ટાંકા આવ્યા હોઇ ચક્કર આવતાં હોઇ તેથી હું સીધો ઘરે જતો રહ્યો હતો. એ પછી બીજા દિવસે મેં પોલીસ ફરિયાદ કરી છે.

હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડે ઉપરોકત ફરિયાદને આધારે આરોપી વૃધ્ધની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(12:55 pm IST)