Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જાગો સમાજ જાગો...ના બેનર સાથે ૯ પાટીદાર યુવાનો સામા કાંઠે મોડી રાતે દેખાવ કરે એ પહેલા જ ડિટેઇન

ધારાસભ્ય રૈયાણીની કથિત ઓડિયો કલીપમાં પાટીદાર આગેવાનો સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા અને નરેશભાઇ પટેલ વિશે ન બોલવાનું બોલાયાના મુદ્દે રોષ : એસીપી, પીઆઇ અને બી-ડિવીઝનની ટીમે પહોંચી તાબડતોબ પગલા લીધાઃ કલમ ૬૮-૬૯ મુજબ અટકાયત કરી રાતે જ મુકત કરાયા : ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કથીત કલીપમાં છેડછાડ થયાનું કહી તપાસ કરવા સાયબર સેલમાં અરજી પણ આપી છે

પોલીસે બનાવ સ્થળે પહોંચી યુવાનો પાસેથી બેનર કબ્જે કર્યુ હતું તે પ્રથમ તસ્વીરમાં તથા અન્ય તસ્વીરોમાં લોકોનું ટોળુ અને પોલીસે ડિટેઇન કરવાની કાર્યવાહી કરી તે દ્રશ્યો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેરના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો કલીપ થોડા દિવસ પહેલા વાયરલ થઇ હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનો સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા અને નરેશભાઇ પટેલ વિરૂધ્ધ ન બોલવાના શબ્દો બોલી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાના આક્ષેપો થયા હતાં. આ મુદ્દે ગત રાતે નવ જેટલા પાટીદાર યુવાનો પાણીના ઘોડા પાસે એકઠા થયા હતાં અને બેનરો લગાવી પત્રીકાનું વિતરણ કરે એ પહેલા જ પોલીસને જાણ થઇ જતાં તમામને ડિટેઇન કરી પોલીસ મથકે લઇ જવાયા હતાં. બનાવને પગલે ભારે ગરમાવો વ્યાપી જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં. પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેનને જાણ થતાં તેઓ પણ દોડી ગયા હતાં. પોલીસ મથકે લઇ જવાયા બાદ ડિટેઇન કરાયેલા તમામ ૯ પાટીદાર યુવાનોને મુકત કરવામાં આવ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ થોડા દિવસ પહેલા ધારાસભ્ય અરવિંદ રૈયાણીની એક જુની ઓડિયો કલીપ વાયરલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી. જેમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા અને નરેશભાઇ પટેલ વિરૂધ્ધ અપશબ્દો બોલી બદનામ કરવાનો પ્રયાસ થયાની વાતે પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો. આ મુદ્દે નવ જેટલા યુવાનો સામા કાંઠે રાત્રે પહોંચ્યા હતાં. તેઓ ઓડિયો કલીપના મુદ્દે વિરોધ પ્રદર્શીત કરે એ પહેલા જ પોલીસે તમામને અટકાયતમાં લઇ લીધા હતાં.

આ યુવાનો 'જાગો સમાજ જાગો' નામનું બેનર સાથે લઇને આવ્યા હતાં. એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. અજયભાઇ, હેમેન્દ્રભાઇ, મનોજભાઇ, જયદિપસિંહ, સંજયભાઇ, પરેશભાઇ, મિતેશભાઇ, ભાવેશભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ૯ યુવાનો વિવેક તરપડા, પરેશ લીંબાસીયા, વિશાલ રામાણી, સોહિલ પીપળીયા, ધનસુખ તાલપરા, હાર્દિક તાલપરા, ધવલ ચભાડીયા, પરેશ તાલપરા અને સાગરને કલમ ૬૮ મુજબ ડિટેઇન કર્યા હતાં. બાદમાં પોલીસ સ્ટેશને લઇ જઇ કલમ ૬૯ મુજબ મુકત કર્યા હતાં.

પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન વલ્લભભાઇ દુધાત્રા પણ બનાવની જાણ થતાં દોડી ગયા હતાં. કેબિનેટ મિનીસ્ટર જયેશભાઇ રાદડીયાને પણ બનાવની જાણ કરવામાં આવ્યાનું કહેવાય છે. નોંધનીય છે કે ઓડિયો કલીપ વાયરલ થયાના મુદ્દે ધારાસભ્યએ ખુલાસો કર્યો હતો કે આ કલીપ દસેક વર્ષ જુની છે તેમજ સામા છેડે કોણ વાતચીત કરે છે એ પણ સંભળાતું ન હોઇ ઓડિયો કલીપમાં છેડછાડ થયાનો રૈયાણીએ ખુલાસો કર્યો હતો અને  આ કલીપ મામલે તપાસ કરવા સાયબર સેલમાં એક અરજી પણ કરી હતી.

એ દરમિયાન ગત રાતે પાટીદાર યુવાનો બેનર સાથે વિરોધ કરવા પહોંચતા ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં. જો કે પોલીસે તાકીદના પગલા લઇ લીધા હતાં.

(11:41 am IST)