Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લક્ષ્મીનગર પાસે અનુપમ સોસાયટી-૪માં શહેર એસઓજીનો દરોડો

'કર્મયોગ' મકાનમાં વગર ડીગ્રીએ 'દાંતના રોગ'નું નિદાનઃ ડૂપ્લીકેટ ડેન્ટીસ્ટની પોલીસે 'સારવાર' કરી

શું વ્યવસાય કરો છો તેમ પુછતાં અલ્પેશ જોષીએ કહ્યું- ડેન્ટિસ્ટ છું, પોલીસે ડીગ્રી માંગતા કહ્યું નથી, માત્ર ૧૦ ચોપડી પાસ છું!: કમ્પાઉન્ડરનો અનુભવ કામે લગાડી કિલનિક ચાલુ કરી દીધુ'તું : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ.અઝહરૂદ્દિન બુખારી, સોનાબેન મુળીયાની બાતમી

રાજકોટ તા. ૩: શહેરમાં અગાઉ પોલીસે અનેક ડૂપ્લીકેટ ડોકટરોને દબોચી લઇ કાયદાની સારવાર આપી હતી. એમાંના મોટા ભાગના તબિબો જનરલ રોગોની સારવાર આપતાં હતાં. પરંતુ આ વખતે શહેર એસઓજીની ટીમે ડૂપ્લીકેટ ડેન્ટીસ્ટને દબોચી લેવાનું કામ કર્યુ છે. લક્ષ્મીનગર પીજીવીસીએલ કચેરી પાસે અનુપમ સોસાયટી-૪માં આવેલા 'કર્મયોગ' નામના મકાનમાં અલ્પેશ ભરતભાઇ જોષી (ઉ.૪૫) કોઇપણ જાતની ડિગ્રી વગર ડેન્ટીસ્ટ તરીકે પ્રેકટીસ કરતો હોવાની બાતમી હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. અઝહરૂદ્દિન બુખારી તથા સોનાબેન મુળીયાને મળતાં દરોડો પાડી ખરાઇ કરતાં આ મહાશય અગાઉ દાંતના ડોકટરને ત્યાં કમ્પાઉન્ડ હોઇ તેના અનુભવને આધારે દાકતરી ચાલુ કરી દીધાનું અને તે માત્ર ૧૦ ચોપડી ભણેલ હોવાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી.

આ અંગે પીએસઆઇ એમ. એસ. અંસારીએ ફરિયાદી બની અલ્પેશ ભરતભાઇ જોષી સામે માલવીયાનગર પોલીસ મથકમાં આઇપીસી ૪૧૯, મેડિકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મુજબ મેડિકલ ડિગ્રી કે સર્ટિફીકેટ વગર ડેન્ટીસ્ટર ડોકટરનું રૂપ ધારણ કરી દાંતના રોગોની સારવાર કરી ઇન્જેકશન આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરાવ્યો છે.

એસઓજીની ટીમ બાતમી પરથી પંચોને સાથે રાખી કર્મયોગ નામના મકાને પહોંચી હતી. દરવાજો ખખડાવતાં એક વ્યકિતએ ખોલ્યો હતો. પુછતાછમાં પોતાનું નામ અલ્પેશ જોષી હોવાનું કહેતાં પોલીસે પોતાની ઓળખ આપી તમે શું વ્યવસાય કરો છો? તેમ પુછતાં તેણે પોતે ડેન્ટીસ્ટ ડોકટર હોવાનું કહ્યું હતું. પોલીસે ડિગ્રી જોવા માંગતા ગેંગેં-ફેંફેં થઇ ગયેલ અને પોતાની પાસે કોઇ ડિગ્રી નહી હોવાનું તેમજ પોતે માત્ર ૧૦ ધોરણ પાસ હોવાનું કહેતાં પોલીસે 'કાયદાકીય સારવાર' કરી હતી.

પોલીસે ઘરમાં જ આવેલા કિલનિકમાંથી બીપી ચેક કરવાનું મશીન, રૂટ કેનાલ માટેનું ચાર્જર સહિતનું હેન્ડલ મશીન, ઇન્જેકશન સિરીન્જ, દાંતના દુઃખાવામાં વપરાતી અલગ-અલગ ૨૪ ટૂથપેસ્ટ, ઇન્જેકશનની ૧૦ બોટલ, બત્રીસીના બે સેટ, દાંતના માપ લેવાની ૩ ટ્રે, ડીપીઆઇ પેસ્ટનું પેકેટ, રૂટ કેનાલ માટેની સોય, જી. પી. પોઇન્ટ (આર્ટિફિશીયલ નસ), સ્ટીલનો ચીપીયો, દાંત ચેક કરવાના મીટર, દાંત-દાઢ ખેંચવાના પક્કડ, દાંત ચેક કરવાનું ડિસમીસ, સ્ટીલની ૩ કાતર, દાંત સાફ કરવાની ૯ સોય મળી ૮૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અગાઉ અલ્પેશ દોશી હોસ્પિટલમાં ડેન્ટીસ્ટ સાથે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હોઇ તેનો બહોળો અનુભવ હતો. વધુ પૈસા રળવા ઘરમાં જ ડિગ્રી વગર ડેન્ટીસ્ટ બની લોકોના દાંતના દુઃખાવા દૂર કરવાનું ચાલુ કરી દીધું હતું. પણ એસઓજીને જાણ થઇ જતાં મોંઘુ પડી ગયું હતું.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ એસઓજી પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, અનિલસિંહ ગોહિલ, વિજેન્દ્રસિંહ ઝાલા,   અઝહરૂદ્દિન બુખારી, જયુભા પરમાર, ધીરેનભાઇ ગઢવી, સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી કરી હતી.

(11:39 am IST)