Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પેડક રોડ પર નંબર વગરના એકટીવા ચાલક અકીબે પોલીસ સાથે બેફામ ડખ્ખો કર્યોઃ ૭ છરી સાથે ધરપકડ

ટ્રાફિક સપ્તાહના આગલા દિવસે જ વાહન ચેકીંગ વખતે જ સામા કાંઠે ધમાલઃ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું :પોલીસે અટકાવતાં 'મને રોકાય જ કેમ?' કહી ગાળો ભાંડીઃ ફોન કરી માતા-મિત્રોને બોલાવ્યાઃ ટોળામાંથી એક સગીરે પણ 'મારા ભાઇ જેવા મિત્રને શું કામ પકડ્યો? છોડી દ્દયો' કહી ગાળો બોલીઃ બંનેની ધરપકડઃ નેફામાંથી એક અને અકીબના ઘરેથી છ છરી કબ્જે

બી-ડિવીઝન પી.આઇ. એમ.આર. પરમાર, પીએસઆઇ ડામોર તથા વિરમભાઇ ધગલ, એભલભાઇ બરાલીયા સહિતની ટીમ, ઝડપાયેલો અકીબ મેતર તથા તેની પાસેથી કબ્જે થયેલી છરીઓ જોઇ શકાય છે

રાજકોટ તા. ૪: વાહન ચેકીંગ દરમિયાન અવાર-નવાર વાહન ચાલકો અને પોલીસ વચ્ચે માથાકુટ થતી રહે છે. રવિવારે સામા કાંઠે પેડક રોડ પર પાણીના ટાંકા નજીક ટી-પોઇન્ટ સર્વિસ રોડના ખુણે બી-ડિવીઝનના પોલીસ કર્મચારીએ નંબર વગરના એકટીવા પર ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતાં નીકળેલા શખ્સને અટકાવતાં એ શખ્સે 'મને શું કામ રોકયો? તમે કોણ, તમારાથી મને ઉભો જ ન રખાય' કહી ફરજમાં રૂકાવટ કરતાં એ શખ્સે ફોન કરી પોતાના માતા તથા બીજા લોકોને બોલાવ્યા હતાં. ઝપાઝપી થતાં આ શખ્સના નેફામાંથી એક છરી મળી હતી. તેણે ફોન કરતાં તેના માતા અને બીજુ ટોળુ ત્યાં ધસી આવ્યું હતું. જેમાંથી બીજા એક સગીરે 'મારા ભાઇ જેવા મિત્રને કેમ પકડી રાખ્યો છે?, છોડી દ્દયો' કહી તેણે પણ પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું હતું. મુસ્લિમ શખ્સના નેફામાંથી એક અને બીજી  ૬  છરી તેના ઘરેથી કબ્જે કરવામાં આવી હતી.

આ મામલે બી-ડિવીઝન પોલીસ મથકમાં કોન્સ. રાજદિપસિંહ ચંદ્રસિંહ ઝાલાની ફરિયાદ પરથી પેડક રોડ પર ઓમ શાંતિ સેન્ટર સામે સદ્દગુરૂનગર-૩માં રહેતાં અકિબ રફિકભાઇ મેતર (ઉ.૨૨) તથા તેના સગીર મિત્ર સામે આઇપસી ૧૮૬, ૩૨૩, ૫૦૪, એમવીએકટ ૧૭૯ (૧) તથા ૧૭૯ (૨) મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

રાજદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે તથા એએસઆઇ મિત્તલબેન ઝાલા, હેડકોન્સ. જગેન્દ્રસિંહ જાડેજા, લોકરક્ષક મિતશેભાઇ સહિતના રવિવારે પેડક રોડ પાણીના ટાંકે વાહન ચેકીંગમાં હતાં ત્યારે એક શખ્સ નંબર વગરના એકટીવા પર ચાલુ વાહને ફોનમાં વાત કરતો નીકળતાં તેને અટકાવતાં અને નામ પુછતાં પોતે અકીબ મેતર હોવાનું કહ્યું હતું. તેમજ તેણે 'મને શું કામ રોકયો? તમારાથી રોકાય જ કેમ' તેમ કહી ગાળો બોલવા માંડતાં તેને ગાળો બોલવાની ના પાડતાં વધુ ગુસ્સે થઇ ફરજમાં રૂકાવટ કરી હતી.

એ પછી એ શખ્સે પોતાના ફોનમાંથી પોતાના માતા તથા બીજા લોકોને ફોન કરીને આવવા કહ્યું હતું. માથાકુટ ચાલુ હતી ત્યાં તેના નેફામાંથી સાત ઇંચની લંબાઇની છરી મળી આવતાં તેને પોલીસ મથકે લઇ જવા તજવીજ થતાં તેણે પોલીસ સાથે ઝપાઝપી અને ગાળાગાળી શરૂ કરી હતી. ત્યાં તેના મમ્મી, સગા અને બીજા મિત્રો મળી સોએક જણાનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. જેમાંથી એક સગીરે  'મારા ભાઇ જેવા મિત્રને તમે કેમ પકડી રાખ્યો છે? છોડી દો તેને' કહી પોલીસ સાથે તેણે પણ ગાળાગાળી કરી હતી. બાદમાં મોબાઇલ બોલાવી બંનેને પોલીસ મથકે લઇ જવાયા હતાં. બંને સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાયું હતું. પી.આઇ. એમ.આર. પરમાર અને ટીમના પીએસઆઇ એમ. એફ. ડામોર, આર. એમ. કોટવાલ, એએસઆઇ એસ. ડી. પાદરીયા, એમ.આર. ઝાલા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, જગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, કિરણભાઇપરમાર, કેતનભાઇ કલોલો, હરપાલસિંહ વાઘેાલ, મિતેષભાઇ આડેસરા, રાજદિપસિંહ ગોહિલ, થોરાળ પોલીસ મથકના ડી. સ્ટાફના રોહિતભાઇ કછોટ, આશિષભાઇ દવે, જયદિપસિંહ જાડેજા, દર્શનભાઇ સોલંકી, ભરતભાઇ ડાભી સહિતે આ કામગીરી કરી હતી.

(3:59 pm IST)