Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મધ્યાહન ભોજનમાં છેતરપીંડીના કેસમાં આરોપીનો સજા સામેની અપીલમાં છૂટકારો

રાજકોટ તા. ૪ :.. રાજકોટ ખાતે શાળા નં. ૧૯ માં મધ્યાહન ભોજનના સંચાલક ઘઉંના બાચકા નંગ ર૦ અન્ય જગ્યાએ વેચાણ કરવા માટે રીક્ષામાં લઇ જાય છે અને છેતપરીંડી કરે છે તે અંગેની ફરીયાદ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સંચાલક વિરૂધ્ધ અને રીક્ષા વાળા વિરૂધ્ધ નોંધાયેલ હોય જે કસમાં આરોપી સંચાલક ને સજા થયા બાદ ઉપલી સેશન્સ કોર્ટમાં આરોપીને નિર્દોષ છોડી મુકાતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

સમગ્ર કેસની હકિકત જોઇએ તો ગઇ તા. ૩૦-૧૦-ર૦૧૦ ના રોજ હિરાભાઇ દૂધાભાઇ દૂલેરા (મામલતદારશ્રી) ને અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે તમારા મધ્યાહન ભોજનના શાળા નં. ૧૯ ની સ્કુલમાંથી તેના સંચાલક રીક્ષામાં માલ લઇ જાય છે જેથી ફરીયાદી હીરાભાઇ તાત્કાલીક બનાવ સ્થળે જતા ૧૦ માણસો હાજર હોય અને તે કેન્દ્રનાં સંચાલક દિનુબેન ફીરોજભાઇ હાજર હોય અને તે કેન્દ્રમાં રીક્ષા નં. જી. જે.-૩, ડબલ્યુ-૧પ૪૬ માં ઘઉંના પ્લાસ્ટીકના બાચકા નંગ-ર૦ હોય જે રીક્ષાવાળો અતુલભાઇ પરમાર પણ હાજર હોય જેથી બન્ને આરોપી ચોરી કરી ને જતા હોય જેથી ફરીયાદી મામલતદારશ્રીએ દિનુબેન અને અતુલભાઇ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવેલ.

પોલીસ અધિકારીએ બન્ને આરોપીઓની અટક કરી તમામ પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટમાં આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ જે કેસ ચાલવા ઉપર આવતા આરોપીઓએ તેમના એડવોકેટ દ્વારા બચાવ રજૂ રાખેલો. કેસ ચાલતા દરમ્યાન તમામ સાહેદો અને પંચોની ઉલટ તપાસ બાદ અને કાયદાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ કોર્ટે રીન્કુ એ. સીંઘે આરોપી નં. ૧ દિનુબેન ઉર્ફે દિલસાદબેન ફીરોઝભાઇ સીપાઇને તકસીરવાન ઠરાવી એક વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. ૭૦૦૦ નો દંડ ફરમાવેલ અને આરોપી નં. ર અતુલભાઇને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવે હતો.

આરોપી દિનુબેને થયે સજા સામે અપીલ કરવા માટે તેમના નવા એડવોકેટ દુગેશ જી. ઘનકાણીને રોકેલ ત્યારબાદ તેમને થયેલ સજા સામે અપીલ દાખલ કરતા અપીલના  તમામ કાયદાકીય પ્રોસીડીગ્ઝ પુર્ણ કરી દલીલ તબકકે દિનુબેનના એડવોકેટ એ સમક્ષ રજુ થયેલા દસ્તાવેજો ઉપર ઝીણવટ ભર્યુ ધ્યાન સેશન્સ જજ શ્રીને અપાવેલ તથા કેસની સંપૂર્ણ હકિકતથી માહીતગાર કરી આરોપી દિનુબેનએ કોઇ ગુન્હો આચરેલ નથી તે રેકર્ડ ઉપરથી ફલીત થાય છે તે મુજબની દલીલ કરેલ અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લાવેલ (રજૂ કરેલ) હોય જેમાં સેશન્સ જજશ્રીએ તમામ હકિકતો ધ્યાને લેતા આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી દિનુબેન ઉર્ફે દિલસાદબેન ફીરોઝભાઇ સીપાઇ વતી રાજકોટના એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી,  વિજય સી. સીતાપરા રોકાયેલા હતાં. (પ.ર૯)

(3:47 pm IST)