Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પશુઓને ઘાસચારો-કૃષિ ઇનપુટ-ચેકડેમ-તળાવોના કામો તાકિદે કરોઃ કિસાન સંઘના કલેકટર કચેરીએ દેખાવો

સૂત્રોચ્ચાર સાથે આવેદનઃ જો ર દિ'માં ઘાસ નહિ અપાય તો સ્થળાંતરનો ભય

ભારતીય કિસાન સંઘે આજે કલેકટરને આવેદન આપી દેખાવો કર્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૪: ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમના દિલીપભાઇ સખીયા અને અન્ય આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી અછતગ્રસ્ત તાલુકામાં ઘાસ વિતરણ તેમજ અન્ય ખેડૂતોના અગત્યના પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, પશુઓના ઘાસ વિતરણને લગતી કામગીરી સરકારી અધિકારીશ્રીઓની બેદરકારી કે અન્ય કારણો સર ખાસ્સો સમય જવા છતાં શરૂ થયેલ નથી જે અતિ ગંભીર બાબત છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો તથા પશુપાલકો આર્ર્થિક હાડમારી ભોગવી રહયા છે. તેવા સંજોગોમાં પોતાના પરિવાર સાથે પશુઓની સંભાળ અને નિભાવવાની હાડમારી પણ ભોગવી રહયા છે. ઘાસચારાના અને પાણીના અભાવે માલધારી સહિત ખેડૂત ખાતેદારોના પશુઓના મૃત્યુ થવાની પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે. હજુ જો વેલી તકે ઘાસ વિતરણ શરૂ નહિ થાય તો સાથો સાથ પશુઓ સ્થળાંતર કરવાના પણ પ્રસંગો ઉપસ્થિત થશે અને તેના માટે સરકારી વહીવટીતંત્ર જવાબદાર રહેશે. આથી (૧) ઘાસચારો ઝડપથી આપવો, (ર) ઇનપુટ સહાયની ધીમી કામગીરી વેગથી આગળ વધારવી, (૩) કિસાન સંઘ દ્વારા સર્વે કરેલ ચેકડેમ તથા તળાવોના કામો ને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે.

મુખ્યમંત્રીની જાહેરાત મુજબ ખેડૂતોને પાકવિમો ફેબ્રુઆરી મહિનામાંજ મળી રહે તેવી કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરવી. વિગેરે રજુઆતો કરાઇ હતી.

 

(3:45 pm IST)