Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઇન્દ્રનીલે મુખ્યમંત્રી સામે કરેલા આક્ષેપો પાયાવિહોણા

કે.સી. અને પી.સી. વ્યાસ ઉપર જુદા-જુદા ગુનામાં અનેક ફરીયાદો થઇ છે : બ્રહ્મસમાજ હંમેશા ગુંડાગીરી અને મવાલીગીરીથી દુર રહયો છે, લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે અમુક લોકોનું સમાજમાં ષડયંત્ર ફેલાવવાનું કાવતરૃઃ નિતિનભાઇ ભારદ્વાજ - કશ્યપ શુકલ

 રાજકોટ,તા.૪: બ્રહ્મસમાજની ચૂંટણીમાં નિમ્ન કક્ષાની ગુંડાગીરી આચરવા બદલ વ્યાસ બંધુઓ સામે પોલીસ દ્વારા લેવાયેલા પગલાંને રાજકીય ચાલમાં ખપાવનાર ઈન્દ્રનીલ રાજયગુરૂને ભાજપના પ્રદેશ અગ્રણી તથા બ્રહ્મનેતા નીતિન ભારદ્વાજ તથા રૂડાના ભૂતપૂર્વ ચેરમેન અને બ્રહ્મસમાજના અગ્રણી કશ્યપ શુકલએ જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે કે, બ્રહ્મસમાજને બદનામ કરનારા કે.સી.વ્યાસ અને પી.સી.વ્યાસની ધરપકડ કરવાના મામલામાં બંને આરોપીનાં સાથીદાર ઈન્દ્રનીલ રાજયગુરૂ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર કરવામાં આવેલા આક્ષેપો પાયા વગરના જ નહીં, હાસ્યાસ્પદ પણ છે. ઈન્દ્રનીલ રાજયગુરૂ ગમે તેવા  ગતકડા કરીને પણ ચર્ચામાં રહેવામાં માંગે છે. મુખ્યમંત્રીશ્રી પર ખોટા આક્ષેપો કરવાનો તેઓનો હેતુ માત્રને માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો છે.

શ્રી ભારદ્વાજ- શ્રી શુકલએ જણાવ્યું હતું કે, પ્રસિદ્ધિભૂખ્યા ઈન્દ્રનીલ રાજયગુરૂએ સમાજનાં ગુન્હેગાર આરોપીઓની વકીલાત કરવાનું શોભતું નથી.

શ્રી ભારદ્વાજ- શ્રી શુકલએ બ્રહ્મસમાજની શાખ અંગે ચિંતા વ્યકત કરતા કહયું  હતુ કે, ભૂદેવો સમાજ માટે પથદર્શકની ભૂમિકા સદીઓથી નિભાવી રહ્યા છે, આ સમાજ હંમેશા ગુંડાગીરી અને મવાલીગીરીથી દુર રહ્યો છે અને શિસ્ત તથા સંયમને પોતાના જીવનનું અભિન્ન અંગ માને છે. આવા સમાજની ચૂંટણીમાં ગુંડાગીરીઆણવા બદલ બહ્મસમાજ કયારેય ઇન્દ્રનીલને અને વ્યાસ બંધુઓને માફ નહિ કરે.

 નીતિનભાઈ  અને કશ્યપભાઈ  સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હાલમાં યોજાયેલી બ્રહમસમાજની ચૂંટણી વિવાદમાં મારામારી કરનાર અને હથિયારો બતાવનાર કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસનો ભૂતકાળ ગુન્હાહિત છે. બન્ને સૌ. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં, માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં ફરિયાદ દાખલ થયેલી હોય આરોપીઓ છે જયારે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પી.સી. વ્યાસ પર ગુન્હો દાખલ છે, વારંવાર આવી ક્રાઈમની પ્રવૃત્ત્િ। કરતા ક્રિમીનલ લોકો પર જો પોલીસ કડક પગલા લઈ ધરપકડ કરે તો પોલીસ તંત્રને બિરદાવવું જોઈએ. કાયદો કાયદાનું કામ કરે છે. સમાજનો એક પણ વ્યકિત જો સમાજનું નામ બદનામ કરવાની કોશિશ કરે તો તેને સજા મળવી જ જોઈએ. બ્રહમ સમાજ શાંતિ અને સમરસતામાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ કેટલાંક લોકો  બ્રહ્મસમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમાં પણ આ સમગ્ર મામલે મુખ્યમંત્રીનું નામ સંડોવી ઇન્દ્રનીલ રાજયગુરુ સૂરજ સામે ધૂળ ઉડાડી રહ્યા હોય એવું દ્રશ્ય સર્જાયું છે. 

 બ્રહ્મસમાજની સાધારણ સભાનાં થયેલા બનાવ મામલે કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસની પોલીસ તંત્ર દ્વારા કરવામા આવેલં ધરપકડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીધી કે આડકતરી એકપણ રીતે સામેલ નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કહેવાથી કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસની ખોટી ધરપકડ કરવામાં આવી છે એવો ઇન્દ્રનીલ રાજયગુરુ દ્વારા કરવામાં આવેલો આક્ષેપ તદ્દન વાહિયાત છે.   ગત વિધાનસભા ચૂંટણી સમયે ઇન્દ્રનીલ રાજયગુરુએ સમાજમાં વર્ગવિગ્રહ અને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું અને હવે ફરી લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ઇન્દ્રનીલ રાજયગુરૂ દ્વારા સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવી રહયા છે. બ્રહ્મસમાજની આબરૂનું ધોવાણ કરનારા આવા લોકો સમાજ, શહેર, રાજય અને રાષ્ટ્રનો કયારેય ઉદ્ઘાર ન કરી શકે. આથી બ્રહ્મસમાજનાં લોકોએ પણ આવા લોકોથી ચેતવું જોઈએ એવું બ્રહ્મસમાજના મોભી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને રૂડાના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલએ યાદીના અંતમાં જણાવ્યું હતું.(૪૦.૧૩)

(3:33 pm IST)