Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ત્રણ દિ' ઠંડી ગાયબ, ગુરૂવારે દિવસે અને શુક્ર-શનિ ફરી ટાઢોડાનો અહેસાસ થશેઃ એકાદ-બે દિ' છૂટાછવાયા વાદળો છવાશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પહાડી વિસ્તારોમાં બરફવર્ષા - જમીની વિસ્તારોમાં વરસાદ પડશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૪ : છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ જોર પકડ્યા બાદ ગઈકાલથી થોડી આંશિક રાહત જોવા મળી રહી છે. આજથી ત્રણેક દિવસ ઠંડીની અસર નહિંવત જોવા મળશે. જયારે ગુરૂવારે બપોરથી અને શુક્ર - શનિ ફરી ઠંડીના ચમકારા અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એકાદ - બે દિવસ છૂટાછવાયા વાદળો છવાશે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની વિસ્તારોમાં વરસાદ થશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ગત ૨૮મીએ આગાહી કરેલી કે તા.૪ ફેબ્રુઆરીએ શિયાળો ગાયબ થઈ જશે તે અનુસંધાને ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૨૯.૩ (નોર્મલ) હતું. આજે સવારે ૧૩.૮ (નોર્મલ) નોંધાયેલ. આગલા દિવસ કરતાં તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો થયો હતો, પરંતુ અમરેલીમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ) જયારે આજે સવારે ન્યુનતમ ૧૪.૬ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), અમદાવાદ ૨૮.૨ (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ) નોંધાયેલ. જયારે આજે સવારે ૧૭.૬ (નોર્મલથી ૫ ડિગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ. આમ ઠંડીમાં ઘટાડો થયો છે.

હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન પર ૩.૧ અને ૫.૮ કિ.મી.ના લેવલે સાયકલોનીક સરકયુલેશન તરીકે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે નોર્થ પાકિસ્તાન ઉપર છે અને તે જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં અસર કરશે. જેની અસર તા.૯ સુધી જોવા મળશે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે આ અસર જોવા મળશે. કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ભારત ઉપર પ્રવેશ કરે ત્યારે રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર ઉપર અસર કરશે. ત્યારબાદ હિમાચલ, ઉત્તરાખંડ, યુ.પી., ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉપર અસર કરશે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે.

અશોકભાઈ પટેલ તા.૪ થી ૧૧ ફેબ્રુઆરી અંગે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતની આગાહી કરતાં જણાવે છે કે, તા.૪-૫માં તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે. તા.૬ના નોર્મલ આસપાસ, તા.૭ના દિવસ દરમિયાન ટાઢોડાનો અહેસાસ થશે, તા.૮-૯ સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે, તા.૧૦ બપોર બાદ ફરી પાછુ વાતાવરણ નોર્મલ તરફ આવી જશે. તા.૧૧ના નોર્મલે પહોંચી જશે. એકાદ - બે દિવસ છૂટાછવાયા વાદળો છવાયેલા રહેશે. જયારે તા.૬-૭-૮માં પશ્ચિમી પવન ફૂંકાશે. તા.૭-૮ના પવન વધુ રહેશે. (૩૭.૭)

(3:30 pm IST)