Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે 'કલીન સ્ટ્રીટ ફુડ હબ' યોજના

અમદાવાદની કાંકરિયા ગલી દેશમાં પ્રથમ આવતા તમામ મહાનગરોમાં આવુ આયોજન કરવા મુખ્યમંત્રીની સૂચના : રેસકોર્ષ રોડની દુકાનોને આવરી લેવાશેઃ સ્વચ્છતા અને વાનગીની ગુણવતા પહેલી શરતઃ સરકાર ધંધાર્થીઓને તાલીમ આપશેઃ અલગ ખાણીપીણી બજારનો વિકલ્પ પણ ખુલ્લો

રાજકોટ, તા., ૪: શહેરના ખાણી-પીણીના શોખીનોને સ્વચ્છ વાતાવરણમાં ગુણવતાયુકત ખાદ્યપદાર્થોની સુવિધા પુરી પાડવા રાજય સરકાર અને કોર્પોરેશન દ્વારા કલીન સ્ટ્રીટ ફુડ હબ યોજના અમલમાં મુકવાના ચક્રો ગતીમાન થયા છે.  અમદાવાદની મશહુર કાકરીયા ગલી આ બાબતે દેશભરમાં પ્રથમ આવી એવોર્ડ જીતતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તમામ મહાનગરોને પોતાના કાર્યક્ષેત્રમાં આવી ખાણી-પીણી ગલી વિકસાવવા માટે સુચના આપી છે. જેના અનુસંધાને હાલ કોર્પોરેશનની નજર રેસકોર્ષ રીંગ રોડ પર ઠરી છે.

કલીન સ્ટ્રીટ ફુડ હબ યોજના સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ખોરાક પર ભાર મુકે છે. તેમાં જોડાનાર વિસ્તારના ખાણીપીણીના ધંધાર્થીઓએ કેટલાક માપદંડ અનુસરવા પડે છે. સ્વચ્છતા, સારો ખોરાક ઉપરાંત કર્મચારીઓની આરોગ્ય ચકાસણી સહીતની બાબતોનો તેમાં સમાવેશ થઇ જાય છે.

રેસકોર્ષ રીંગ ઉપર આઇસ્ક્રીમ અને ખાણીપીણીની અન્ય સંખ્યાબંધ દુકાનો આવેલી છે. તે  દુકાનોના સંચાલકોને નિયત તાલીમઆપી કલીન સ્ટ્રીટ ફુડ હબ તરીકે વિકસાવવા કોર્ર્પોરેશને વિચાર્યુ છે. સ્થળ પસંદગી થઇ જાય પછી રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ધંધાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવશે. ખાસ ખાણીપીણીની બજાર અન્યત્ર વિકસાવવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. ધંધાર્થીઓને ઉપર છાપરૂ અને પાકુ ભોયતળીયું ઉપરાંત સ્થળ પર જ ચોખ્ખા પાણીની સુવિધા આપવી પડે જગ્યાનો પણ પ્રશ્ન રહે છે નવી ખાણી-પીણી બજાર શહેરમાં વિકસાવી શકાય તેવી અનુકુળતા જણાતી નથી તેથી રેસકોર્ષ રોડની હયાત બજારને કલીન સ્ટ્રીટ ફુડ હબ વિકસાવવા કોર્પોરેશનની ઇચ્છા છે. જો સરકારની સુચના આવશે તો શહેરની નજીકના કોઇ વિસ્તારમાં ખાણી-પીણીની ખાસ બજાર ઉભી કરી તેને કલીન સ્ટ્રીટ તરીકે વિકસાવાશે.

(3:28 pm IST)