Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

બાગીઓને રાજકીય 'ટાઢ' લાગતા સભાત્યાગઃ કોગીએ 'હુંફ'થી બે સમિતિઓ રચીઃ લોકોના પ્રશ્ને તંત્ર પર 'સહીયારી' તડાપીટ

ચૂંટણીના વર્ષની 'અસર'શરૃઃ પંચાયતની સામાન્ય સભા બે કલાકથી વધુ ચાલી છતા પ્રશ્નો અધૂરા રહ્યા : ડો.ભંડેરી સામેની તપાસ ચાલુ હોવાનું ડી.ડી.ઓ.નું રટણઃ લાઇટની ગ્રાન્ટ પ્રશ્ને વિંઝુડા-મકવાણા સામસામે : જસદણ પંથકની માંડવરાયજી હોસ્પિટલે ચિરંજીવી યોજનામાં ગેરરીતિ કર્યાનું જણાવતા વિકાસ અધિકારી

લોકશાહીનો અવાજઃ આજે જિલ્લા પંચાયત ખાતે  પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળેલ જેમાં મંચ પર ઉપપ્રમુખ સુભાષ માકડિયા, ધારાસભ્યો બ્રિજેશ મેરજા, લલિત કગથરા, જાવેદ પીરજાદા, કારોબારી અધ્યક્ષ કે.પી.પાદરિયા, ડી.ડી.ઓ.અનિલકુમાર રાણાવાસિયા, ડે.ડી.ડી.ઓ. રામદેવસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહેલ.નીચેની તસ્વીર આક્રમક રીતે પ્રશ્નો રજુ કરી રહેલ સભ્યોની છે. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ, તા., ૪: આજે સવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ અલ્પાબેન  અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં  મળેલ જેમાં સભાના પ્રારંભે જ પ્રમુખ દ્વારા પાર્ટીના સભ્યો માટેના વ્હીપનું વાંચન કરવામાં આવેલ અને તમામ સભ્યોને તેની નકલ આપવામાં આવેલ.કોંગીના બાગી જુથના ૧૭ સભ્યોએ પ્રશ્નોતરીમાં થોડીવાર ભાગ લીધા બાદ અધિકારીઓ ખોટા જવાબ આપે છે તેવો આક્ષેપ કરીને સભાત્યાગ કર્યો હતો. તેમની ગેરહાજરીમાં બાકીની પ્રશ્નોતરી ચાલેલ. ત્યાર બાદ સીંચાઇ અને મહિલા બાળ કલ્યાણ સમીતીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. બાગીઓના ગૃહત્યાગને રાજકીય રીતે વ્યુહાત્મક પીછેહઠ ગણવામાં આવે છે.  સીંચાઇ, શિક્ષણ, આરોગ્ય વગેરે વિભાગના અધિકારીઓ ઉપર બંન્ને જુથના સભ્યોએ તીવ્ર અસંતોષ બતાવેલ. સામાન્ય સભા ર કલાકથી વધુ સમય ચાલી હોવા છતા પ૪ પૈકી ૪૦ જેટલા પ્રશ્નોને જ ચર્ચામાં સમાવી શકાયેલ. જે સભ્યો ગૃહમાં હાજર નહોતા તેણે પુછેલા પ્રશ્નોની ચર્ચા થયેલ નહી.

પ્રશ્નોતરી વખતે પરસોતમભાઇ લુણાગરીયાએ ગ્રામ પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવા બાબતે સવાલ ઉઠાવેલ. તેના જવાબમાં અધિકારીએ પ્રશ્ન સુસંગત ન હોવાનું જણાવતા આ પ્રશ્ને બંન્ને વચ્ચે જામી પડી હતી. લલિત કગથરાએ અધિકારીઓને શબ્દો પકડવાના બદલે વાસ્તવિકતા સમજી સભ્યોના પ્રશ્નો ઉકેલવા ટકોર કરી હતી. સીંચાઇ વિભાગમાં શિક્ષણ વિભાગે પાણીના ટાંકા બનાવવાની દરખાસ્ત કઇ રીતે આવી શકે તે મુદ્દે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. ડી.ડી.ઓ.એ પણ ગ્રાન્ટ મુજબનો પુરો ઉપયોગ શા માટે થતો નથી તેવો સવાલ અધિકારીને કરી આગળની કાર્યવાહીમાં વધુ કાળજી રાખવા તાકીદ કરી હતી. શિક્ષણ શાખાએ અમુક શાળાઓમાં રૂ. પ૦ હજાર જેવી રકમ દિવાલમાં ચિત્રો દોરવામાં વાપર્યાનું માલુમ પડતા સભ્યોએ આવા ખર્ચ ન કરવા લાગણી વ્યકત કરી હતી. શાળા સત્ર શરૂ થયું તે વખતે જાહેર કરાયેલ સ્કુલ બેગ હજુ સુધી વિતરણ ન કરાતા તે બાબતે પણ સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો.

અર્જુન ખાટરિયાએ આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડારીએ સભ્યો સાથેનો વ્યવહાર યોગ્ય ન હોવાનું જણાવી નામ જોગ આક્ષેપો કરેલ. તેમને સરકારમાં પાછા મોકલવાનો ઠરાવ કરવાની પણ ચર્ચા કરેલ. ડી.ડી.ઓ.એ તેમને પાછા મોકલવાની પોતાને સતા ન હોવાનું જણાવ્યું હતું. ભંડેરી સામેના આક્રોશમાં હેતલબેન ગોહેલ સહિત અન્ય કેટલાક સભ્યોએ પણ સુર પુરાવ્યો હતો.

ગઇ સામાન્ય સભામાં ભંડેરી સામે તપાસ કરવાની ખાત્રી આપેલ તે બાબતે અમુક સભ્યોએ સવાલ ઉઠાવતા આ બાબતે ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ ચાલુ હોવાનું ડી.ડી.ઓ.એ જણાવેલ.  તપાસનીસ અધિકારી શ્રી ટીલવાએ ૧પ દિવસમાં તપાસ પુરી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

જસદણ પંથકની માંડવરાયજી હોસ્પીટલમાં ચિરંજીવી યોજના બંધ કરવાનો સવાલ ઉઠતા વિકાસ અધિકારીએ જણાવેલ કે આ હોસ્પીટલે ચિરંજીવી યોજના હેઠળ દર્દી પાસેથી અનઅધિકૃત પૈસાની લીધાની માહીતી મળી છે. તેમજ તેમણે જરૂરી સુવિધા પણ આપી ન હતી. સરકારની માર્ગદર્શિકા વિરૂધ્ધ જઇને ગેરરીતી આચરી હોવાથી ચિરંજીવી યોજનામાંથી તેને બાકાત કરાયેલ છે. જો હોસ્પીટલ સંચાલકો અનઅધિકૃત રીતે લીધેલા નાણા પાછા આપે અને નિયમ મુજબ વર્તવાની ખાતરી આપે તો ફરીથી આ યોજના ત્યાં શરૂ કરવા વિચારાશે.

મનોજ બાલધાએ જામકંડોરણા પંથકના પેચવર્ક, રસ્તા બનાવવા માટેની જમીન સંપાદન વગેરે મુદ્દે સવાલો ઉઠાવી તંત્ર પર આક્ષેપો કર્યા હતા. શુ, સરપંચ ધરાઇ નહિ ત્યાં સુધી પગલા નહિ લેવાના? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

સામાજીક ન્યાય સમીતીના વર્તમાન ચેરમેન બાલુ વિંઝુડા અને પુર્વ ચેરમેન સોમાભાઇ મકવાણા વચ્ચે ચાલુ સામાન્ય સભાએ જામી પડી હતી.સોમાભાઇએ આક્ષેપ કરેલ કે ગઇ સમીતીની બેઠકમાં નક્કી થયેલ તેના કરતા જુદી રીતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. વિંઝુંડાએ આ આક્ષેપને નકાર્યા હતા.

૧પ લાખથી ઉપરના કામ સીધા કારોબારી સમીતીમાં આવે તે પ્રકારે આજે ઠરાવ કરાયેલ. આ મુદ્દે થોડીવાર બંન્ને જુથના સભ્યો વચ્ચે ખેંચતાણ જેવી ચર્ચા થઇ હતી.

આજની સામાન્ય સભામાં અર્જુન ખાટરિયા, પરસોતમભાઇ લુણાગરીયા, હેતલબેન ગોહેલ, ભાવનાબેન ભુત, ચંદુભાઇ શીંગાળા, સોમાભાઇ મકવાણા, વિનુભાઇ ધડુક, મનોજ બાલધા, વગેરેએ ભાગ લીધો હતો.

મહિલા સભ્યોના પતિદેવો દખલ ન કરે : ડી.ડી.ઓ.ની ટકોર

રાજકોટઃ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કેટલાય મહિલા સભ્યો સાથે તેમના પતિ પણ હાજર હતા તેમના કેટલાકે પ્રશ્નોતરી વખતે બોલવાનું શરૂ કરતા ડી.ડી.ઓ અનિલકુમાર રાણાવાસિયાએ તેમને સભાની કાર્યવાહીમાં દખલગીરી ન કરવા વિવેકપૂર્ણ થતા સ્પષ્ટ ભાષામાં તાકિદ કરી હતી.

સિંચાઇ સમિતિ

નાનજીભાઇ ડોડીયા

પરસોતમભાઇ લુણાગરીયા

મનોજ બાલધા

હેતલ ગોહેલ

વિનુભાઇ ધડુક

મહિલા બાળ કલ્યાણ સમિતિ

ભાવનાબેન ભુત

કુસુમબેન ચૌહાણ

હેતલબેન ચૌહાણ

મધુબેન નસીત

અર્ચનાબેન સાકરીયા

(3:55 pm IST)