Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

છ હજાર મકાન વેરાના બાકીદારોનુ લીસ્ટ તૈયારઃ ૧૫મીથી મીલ્કતોને લગાવાશે તાળા

મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧ લાખથી વધુનાં બાકીદારોને ૪૫ (૧)ની નોટીસો ફટકારાઇઃ મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા મેગા સીલીંગ ઝુંબેશ

રાજકોટ તા. ૪: મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે આગામી ટૂંક સમયમાં રૂ. ૧ લાખથી વધુનો મકાન વેરો બાકી રાખનારાઓ સામે કડક ઉઘરાણીની ઝૂંબેશ શરૂ થશે જે અંતર્ગત ટેકસ ઓફીસરો બાકીદારનાં ઘરે રૂબરૂ જઇને વેરો ભરવાની ડીમાન્ડ નોટીસ અપાયા બાદ હવે ૧૫મી જાન્યુઆરીથી મીલ્કત જપ્ત અને મીલ્કત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંતર્ગત પ હજાર બાકીદારોને બી.પી.એમ.સી.એકટની કલમ ૪૫(૧) હેઠળ નોટીસો ફટકારાયાનું ટેકસ ઓફીસરે જાહેર કર્યુ છે.

આ અંગે વેરા વિભાગનાં અધિકારીઓએ સત્તાવાર માહીતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં ર૬૦ કરોડની મકાન વેરા આવકનો લક્ષ્યાંક નકકી કરાયો છે. તેની સામે આજ દિન સુધીમાં ૧૪૮ કરોડની વેરા આવક થઇ છે.

હવે લક્ષ્યાંક સિધ્ધી માટે ૧૧૨ કરોડનું છેટુ છે. ત્યારે મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ તબકકાવાર કડક ઉઘરાણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે સૌ પ્રથમ ૧ લાખનો વેરો બાકી હોય તેવા ૬ હજાર જેટલા બાકીદારોને અલગ તારવીને તેનુ હીટ-લીસ્ટ તૈયાર કરી દેવાયુ હતુ અને હવે ટૂંક સમયમાંથી વોર્ડવાઇઝ ટેકસ ઇન્સ્પેકટરોને આ લીસ્ટ ફાળવીને રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાઓ બાકીદારોને ત્યાં ઘરે જઇને ડીમાન્ડ નોટીસ આપી વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરાયેલ.

હવે ૬ હજાર જેટલા ૧ લાખથી વધુ રકમના બાકીદારો છે. તેની સામે મીલ્કત જપ્ત અને મીલ્કત સીલ સહીતની કાર્યવાહી શરૂ થશે.

(3:53 pm IST)