Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

'બાબુભાઇ સેન્ટીમેન્ટલ' એ ખાટલાનો પાયો ધારણ કરી દુનિયા બદલવા નિકળી પડેલ યુવાનની સંવેદનશીલ કથા : મિલન શર્મા

મુખ્ય અભિનયમાં નક્ષરાજ અને શિવાની પુરી ફિલ્મમાં છવાય જાય છે : મોટાભાગનું શુટીંગ આણંદ અને બરોડામાં : એકશન સાથે એડવેન્ચર અને ડ્રામાથી ભરપુર આ ગુજરાતી ફિલ્મ ૧૭ મીએ રીલીઝ

રાજકોટ તા. ૪ : 'હાથમાં ખાટલાનો પાયો લઇને કોઇ દુનિયા બદલવા નિકળી પડે તો કેવા કેવા સંજોગોનો સામનો કરવો પડે છે તેની સંવેદનશીલ કથા ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલમાં રજુ થઇ  છે' તેમ ફિલ્મ ડાયરેકટર મિલન શર્માએ 'અકિલા' ની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે એકશન સાથે એડવેન્ચર અને ડ્રામાથી ભરપુર આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ આણંદ અને વડોદરામાં થયુ છે. ફિલ્મમાં ગીતો પણ આવરી લેવાયા છે. જેમાં ઓસમાણ મીરના કંઠે ગવાયેલું 'માનો પાલવ' અને દીપાલી સાઠેના કંઠે ગવાયેલું 'મીઠી મીઠી મોરલી' ખુબ લોકહૈયે ચડી ચુકયા છે. ટાઇટલ સોંગ અને ઠોકર પર ઠોકર ગીતો પણ સમાવાયા છે.

ફિલ્મમાં મુખ્ય હિરોનું પાત્ર નિભાવતા નક્ષરાજે જણાવેલ કે મારી આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. આ પહેલા 'છોકરી વિનાનું ગામ' અને 'હવે થશે બાપ રે' કરી ચુકયો છુ. એક બે આલ્બમો પણ કર્યા છે. પરંતુ 'બાબુભાઇ સેન્ટીમેન્ટલ'નું પાત્ર ભજવવામાં જે મજા આવી છે તેવી બીજે કયાંય નથી આવી. હાથમાં ખાટલાનો પાયો ધારણ કરીને આખી ફિલ્મમાં રખડયો છુ. સાચુ કહુ તો મને પોતાને પણ આ ખાટલાનો પાયો એટલો પસંદ પડી ગયો છે કે હું જયાં જાવ ત્યારે આ ખાટલાનો પાયો સાથે જ રાખુ છુ.

આમ તો હું નાનો હતો ત્યારથી એટલે કે ધો.૬ માં હતો ત્યારથી જ થીએટર્સ સ્વીકારી લીધુ હતુ. કોલેજમાં ડાન્સ સ્કીલ ડેવલપ કરી હતી. હવે અભિનય મુખ્ય લક્ષ બની રહ્યુ છે. જો કે આ ફિલ્ડ બધા માને છે એટલુ સહેલુ નથી હોતુ. આમાં પણ ખુબ મહેનત કરવી પડે છે. દીલ રેડીને કામ કરીએ તો જ સફળતાના દ્વાર ખુલે છે.

ફિલ્માં 'જાન્વી' નું પાત્ર ભજવતી શિવાની જોષીએ જણાવેલ કે મારા માટે તો આ પહેલુ જ ફિલ્મ છે. વ્યવસાયે હું આર્કીટેકટ છુ. પરંતુ ડાન્સ અને થીએટરનો પણ નાનપણથી શોખ ખરો. નાનપણમાં સ્ટેજ અને ડાન્સ શો માં ભાગ લીધેલો છે. એમ તો ૨૦૧૩ માં ફેમીના મીસ ઇન્ડિયામાં બે ટાઇટલ જીતી ચુકી છુ. પણ જયારે મને ફિલ્મની ઓફર આવી ત્યારે તુરંત જ સ્વીકારી લીધી અને ખરા દીલથી કામ કર્યુ છે. પાત્રને ન્યાય આપવા પુરો પ્રયાસ કર્યો છે.

ફિલ્મ એડીટર અમિત પટેલે જણાવેલ કે આ ફિલ્મમાં ગામડા તથા કોલેજની વાતોનો સમન્વય સાધવા પ્રયાસ થયો છે. મુખ્ય નાયક દેવરાજ (નક્ષરાજ કુમાર) ગામડાના માણસના લુકમાં જોવા મળે છે. પરંતુ જયારે તે મુશ્કેલીઓનો સામનો કરવા હાથમાં ખાટલાનો પાયો ધારણ કરે છે ત્યારે આખોય મિજાજ બદલાયેલો જોવા મળે છે. સમાજના ઉંચ નીચના ભેદને ભુલવાનો તેમજ નારી સન્માનનો મેસેજ આપતી આ ફિલ્મ આગામી તા. ૧૭ જાન્યુઆરીથી તમામ સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

ફિલ્માં નક્ષરાજ કુમાર અને શિવાની જોશીની સાથે નિસર્ગ ત્રિવેદી, કમલ સીસોદીયા, મયુર ચૌહાણે પણ અભિનય આપેલ છે. ફિલ્મ લેખન રાજ રાઠોડે કર્યુ છે. પ્રોડયુસર નિધિ મોરી અને વીના શર્મા છે. મ્યુઝીક હિતેશ વિવેકની જોડીએ સંભાળ્યુ છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નક્ષરાજ કુમાર (હીરો), શિવાની જોષી (હીરોઇન), મિલન શર્મા (ડાયરેકટર), અમિત પટેલ (એડીટર) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)