Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

વિદૂષી કલારામનાથના વાયોલિન વાદન પર શ્રોતાઓ આફરીન

કલાજીએ પોતે કમ્પોઝ કરેલ બંદિશને ગાયુ ત્યારે શ્રોતાઓને જાણે સ્વરોની ફિલીંગથી હિલીંગનો અનુભૂતિ : શ્રોતાઓ રાગ રાગેશ્રીમાં રંગાયા, જોગકૌંસમાં ખોવાયા, માંજ ખમાજમાં મંજાયા અને ભૈરવીમાં ભિંજાયા : સ્વરોના મેળાડા સમાન સપ્ત સંગીતિનો શુભારંભ

રાજકોટ, તા. ૪ : પ્રત્યક્ષ રસસરિતા વહેતી હોય તો એમાં ડૂબકી લગાવવાનું સૌને ગમે-જો મોકો મળે તો, એ મોકો સતત ચોથા વર્ષે નીઓ ફાઉન્ડેશને સપ્તસંગીતિ થકી રાજકોટના સંગીત રસિયાઓને આપ્યો છે. સપ્તસંગીતિનો સ્વરોત્સવ એટલે એવો વિસામો જયાં ભાવક કૃષ્ણ છે અને કલાકાર સુદામાં. હાડ ધ્રૂજાવતી ટાઢની પ્રથમ રાત્રી સપ્તસંગીતિનો સ્વરમંચ ભાતરતના પ્રખ્યાત વાયોલિન વાદિકા વિદૂષી કલારામનાથના વાયોલિન વાદનથી સજયો. સાથે તબલા સંગત કરી પંડિત રામદાસ પલસુલે એ.

સપ્તસંગીતિ સમારોહની પ્રથમ રાત્રી કંઇક ખાસ લઇને આવી. વાયોલિન જેવા મધમીઠા તંતુવાદ્યના નાદ આવર્તનને હવામાં ગુંજતા સાંભળી એને આત્માના ઉંડાણ સુધી પહોંચાડી સમાધિની અવસ્થા અનુંભવવી એ એક વિરલ અનુભૂતિ છે. અને આવીજ અનુભૂતિ થઇ જયારે સભાના પ્રથમ ચરણમાં કલાજીએ રાગ રાગેશ્રી છેડ્યો. આ રાગમાં આરોહ સા ગ મ ધ ની સાં અને અવરોહ સાં ની ધ મ ગ મ રે સા (ની કોમળ) આવે છે. આલાપ સાથે અતિ વિલંબીત એકતાલમાં રાગનો વિસ્તાર કર્યો. બંદિશ પ્રસ્તુતી કરી આલાપ, ગમક સાથે મીંડ નો વિશેષ પ્રયોગ કર્યો. પંડિત જસરાજજી ના શિષ્ય હોય તેમના વાદનમાં મેવાતી દ્યરાનાની ગાયકી અંગ સ્પષ્ટ તરી આવ્યું. તેમણે અતિ મંદ્રથી અતિ તાર સુધીના વિસ્તારને રાગમાં બખુબી દર્શાવ્યો. મધ્યલય અને દ્રૂત તીનતાલમાં રાગેશ્રીમાં શ્રોતાઓ જાણે રંગાયા. તબલા અને વાયોલિન નો સવાલ-જવાબનો દોર ચાલ્યો ત્યારે જાણે આખો હોલ મહાલ્યો. વાયોલિન પર ફરતી તેમની આંગળીઓથી જાણે ફુલોને ઝાંકળનો કોમળ સ્પર્શ થયો હોય તેવો એહેસાસ થતો હતો. વાયોલિનના સ્વરો અને તબલાના તાલ નો લડાવ લોકોને સ્પર્શી ગયો.

સભાના બીજા ચરણમાં રાગ જોગકૌંસ ની પ્રસ્તુતી થઇ. આ રાગ જોગ અને ચંદ્રકૌંસનું મિશ્રણ છે. જેમાં કોમળ અને શુધ્ધ એમ બંને ગાંધાર અને નિષાદ નો પ્રયોગ થાય છે. કોમળ નિષાદ નો અલ્પ પ્રમાણમાં પ્રયોગ થાય છે પણ રાગની સુંદરતામાં વધારો કરવામાં તેનો મહત્વનો ફાળો છે. ખાલી માત્રા થી શરૂ થતા સાત માત્રાના રૂપક તાલ મધ્યલય અને દ્રૂત આડા ચૌતાલ તાલમાં અદભૂત વાતાવરણ સર્જાયું. આજ રાગમાં વિદૂષી કલારામનાથજીએ પોતે કમ્પોઝ કરેલી બંદિશ મધુર ધૂન સુન રી, સખી બાંસુરી કી મધુર ધૂન સુન..., બજાવત કાન્હા, હુઇ મૈ બાંવરી અબ સાંવરિયાને મેરે મન મોહલીયો.. ગાઇ ત્યારે શ્રોતાઓને જાણે સ્વરોની ફિલીંગ થી હિલીંગ થઇ ગયું.! રાગ જોગકૌંસમાં ખોવાઇ લોકો આફરીન થઇ ઉઠ્યા.

સભાના મધ્ય ચરણમાં રાગ માંજ ખમાજ માં ચૈતી ની રજુઆત કરી. ચૈતી એક ઉપશસ્ત્રીય ગીત પ્રકાર છે. માંજ ખમાજ માં શુધ્ધ સ્વરો અને તીવ્ર મધ્યમનો પ્રયોગ થાય છે. આમાં બંને મધ્યમ આવે છે. ચૈતી એટલે ચૈત્ર મહિનામાં ગવાતો ગીતનો એક પ્રકાર જ છે. જે પારંપરિક ઢાળમાં રજુ થતો હોય છે. તાલ દિપચંદીમાં મધ્યલય અને કહેરવામાં લગ્ગી વગાડી પંડિત રામદાસ પલસુલે લોકોના દિલ લગી પહોંચ્યા. માંજ ખમાજમાં લોકો રીતસર મંજાયા.

સભાનું સમાપનમાં રાગ ભૈરવીનાં મંડાણ થયા ત્યારે ભૈરવીથી લોકો ભિંજાયા. કલાજીએ વાયોલિન પર તેમની કલાના જાણે કામણ પાથર્યા હોય તેવી ફિલીંગ સાથે સૌએ તાળીઓના ગુંજારવથી કલાકારોને વધાવી લીધા હતા.

દિવસ-૩ના કલાકાર

પંડિત યોગેશ સમસી (તબલા) : મુખ્ય કલાકાર (સરોદ વાદક) પં. શ્રી પાર્થો સારોથી સાથે તબલા સંગત

પંડિત યોગેશ સમસી (તબલા) : પં. શ્રી પાર્થો સારોથી (સરોદ વાદક)

પંડિત યોગેશ સમસી એ એવું નામ છે કે જે તબલાવાદનના ક્ષેત્રમાં એકલ પઠન અને સહયોગી તરીકે પ્રસિદ્ધી પામેલ છે. તેમણે ફકત ૦૪ વર્ષની વયથીજ તેમના પિતા અને પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત દિનકર કૈકિની પાસે અને ત્યારબાદ પંડિત એચ. તારાનાથ રાવના માર્ગદર્શનમાં તબલાવાદનની તાલિમ પ્રાપ્ત કરી હતી. પંડિત યોગેશ સમસી એ ૨૩ વર્ષ સુધી મહાન તબલાવાદક ઉસ્તાદ અલ્લા રખાં સાહેબ પાસેથી તબલાની તાલિમ મેળવી છે અને તેમની તબલાવાદનની પરિપકવતા તેમના શ્રોતાઓ સુધી બખુબી પહોચે છે.

પંડિત યોગેશ સમસી એ ભારતના ખ્યાતનામ કલાકારો જેવા કે ઉસ્તાદ વિલાયત ખાન, પંડિત દિનકર કૈકિની, પંડિત ભિમસેન જોષી, પંડિત શિવકુમાર શર્મા, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ અમજદ અલી ખાન અને પંડિત બિરજુ મહારાજ સાથે તબલા સહયોગી તરીકે ભુમિકા નિભાવી છે. તેમણે ભારત ઉપરાંત U. S.A, U.K, સાઉથ આફ્રિકા અને જાપાન જેવા દેશોમાં સોલો આર્ટીસ્ટ તરીકે અનેક કાર્યક્રમો, કાર્યશાળા અને સમારંભોમાં પોતાની કલાનો પરિચય આપ્યો છે. તેઓ એક સારા શિક્ષક પણ છે, તેમણે પશ્યિમી દેશોમાં તબલા શિક્ષક તરીકે વ્યવસાય કરતા કલાકારો માટે ખાસ અત્યાધુનિક અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જેના આધારે વૈશ્વિક સ્તરે તબલાવાદનના ક્ષેત્રમાં સારુ માર્ગદર્શન મળી રહયું છે. તેમણે તબલા શીખતા વિદ્યાર્થીઓ માટે પણ તબલાનું શિક્ષણ આપતી સીડી ડિસ્ક બજારમાં ઉપલબ્ધ કરાવી છે. 

પંડિત યોગેશ સમસીને તેમના ગુરુ ઉસ્તાદ અલ્લા રખાં સાહેબ અને તેમના પુત્ર ઉસ્તાદ ઝાકીર હુસૈન સાથે તેમના સોલો પર્ફોર્મન્સમાં સહયોગ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આધુનિક અને ફ્યુઝન સંગીતના વધતા પ્રભાવો સાથે, યોગેશ જી તબલાની સોલો રજુઆતમાં તેમના ગુરુની પરંપરાને યથાવત રાખવાનો પ્રયત્ન કરે છે. સાલ ૨૦૧૭માં તેમને તબલા વાદનના ક્ષેત્રમાં પ્રસંશનિય યોગદાન બદલ સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉન્નતી અજમેરાના મોહિની અટ્ટમ નૃત્યએ સૌના મન મોહિ લીધા

દર વર્ષે નીઓ ફાઉન્ડેશન સપ્તસંગીતિમાં ઉગતી પ્રતિભાને મંચ પ્રદાન કરે છે. આ વખતે પ્રથમ દિવસે રાજકોટની રાઇઝીંગ સ્ટાર ઉન્નતી અજમેરાને તક મળી હતી. તેણીએ કેરળનું પ્રખ્યાત મોહિની અટ્ટમ નૃત્ય ખુબ ભાવથી રજુ કર્યું હતું. મોહિની નો અર્થ થાય છે લાવણ્ય મય અને અટ્ટમ નો અર્થ થાય છે નૃત્ય. આ નૃત્યકલા નૈસર્ગિક તત્વો સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ કરેલ નૃત્ય આજ પ્રકારનું હતું. એટલું જ નહિં આ મોહિની અટ્ટમ પાર્વતીજીના લાશ્ય નૃત્યને પણ મળતું આવે છે. ઉન્નતી અજમેરાએ પ્રારંભ ગણેશ સ્તુતીથી કર્યો. એ બાદ નૃત્ય નાટિકાની અત્યંત સુંદર હાવ-ભાવ થી પ્રસ્તુતી કરી લોકોને ભાવવિભોર કરી દિધા. રાજકોટની દીકરી ઉન્નતીએ શ્રીમતિ પૂર્વિબેન શેઠ પાસેથી ભરતનાટ્યમની તાલીમ મેળવી વિશારદ પુર્ણ કર્યું છે. તેનીએ પદ્મ ભૂષણ ડો. કનક રેલેના વિવિધ નાટકો ઉપરાંત, કોનાર્ક ફેસ્ટીવલ ઓરીસ્સા, પુણે ખાતે ઇન્ડિયન ડાન્સ ફેસ્ટીવલ, કલ કી કલાકાર સન્માન, મુંબઇના એનસીપીએ વગેરે અનેક જગ્યાએ નૃત્ય રજુ કર્યા છે. તેણીએ મુંબઇ ખાતે નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલયમાં મોહિની અટ્ટમની ડિગ્રી મેળવી છે. હાલ તે રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપી રહી છે.

સપ્ત સંગીતિ ૨૦૨૦ - દિવસ ૨

શ્રી પુરબયન ચેટરજી (સિતાર વાદક)

સેનિયા મૈહર ધરાનાના શ્રી પુરબયન ચેટરજી શાસ્ત્રીય સંગીતમાં વિશ્વના શ્રેષ્ઠ સિતારવાદકો પૈકી આજે સ્થાન ધરાવે છે. તેમણે બાબા અલ્લાઉદ્દિન ખાન કે જેઓ સરોદવાદક ઉસ્તાદ અલિ અકબર ખાન, સિતારવાદક પંડિત શ્રી રવિશંકર અને પંડિત શ્રી નિખિલ બેનરજીના ગુરૂ છે તેમણે સ્થાપેલ પ્રખ્યાત સેનિયા મૈહર ધરાનામાંથી શાસ્ત્રીય સિતારવાદનની તાલીમ લીધી છે. શ્રી પુરબયન ચેટરજી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ ઉત્ત્।ર ભારતીય રાગો સાથે દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત કલાકારો સાથે, અલગ અલગ ફ્યુઝન પ્રોજેકટમાં અને વિશ્વના કેટલાય સંગીતકારો સાથે પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેઓ વાદ્ય સંગીત ઉપરાંત કંઠય સંગીતમાં પણ સારી પ્રતિભા ધરાવે છે. તેમણે તેમનો અવાજ ઘણા પ્રખ્યાત કંમ્પોઝીનન્સ માટે આપ્યો છે.

શ્રી પુરબયન ચેટરજી એ દેશ વિદેશમાં વિવિધ સંગીત ઉત્સવોમાં પોતાના વૈવિધ્યસભર અને અલૌકિક સિતારવાદનથી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ખુબ નાની વયથી જ તેઓએ અનેક પુરસ્કારો અને સિદ્ધિઓ હાંસલ કરી છે, ફ્કત ૧૫ વર્ષની આયુમાં તેમને ભારતના રાષ્ટ્રપતિના શુભહસ્તે સર્વશ્રેષ્ઠ વાદ્યકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તેમને સિતારવાદન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે પ્રતિષ્ઠિત આદિત્ય વિક્રમ બિરલા એવોર્ડ પણ મળ્યો છે. શ્રી પુરબયન ચેટરજીને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા સર્વોચ્ચ કલાકાર-ગ્રેડથી નવાજવામાં આવ્યા છે. તેમણે તેમના ૨૬ વર્ષની કારકિર્દીમાં અનેક આતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સ્થળોએ કલા પ્રદર્શન કર્યુ છે, જેમકે કિવન એલિઝાબેથ હોલ - લંડન, સિડનિ ઓપેરા હાઉસ, ટેડ બકસ્ટર હોલ- કેપટાઉન, કોન્ઝેર્થસ- બર્લિન, એસ્પ્લેનેડ થિયેટર- સિંગાપોર, થિએટર દે લા વિલે- પેરિસ અને પેલેસ દ બૌકસ આર્ટસ- બ્રસેલ્સ જેવા મશહુર સ્થળો શામેલ છે. 

આ ઉપરાંત શ્રી પુરબયન ચેટરજી એ અનેક પ્રતિષ્ઠિત સમારંભો જેમકે યુ.કે ખાતે બાથ ઇન્ટરનેશનલ મ્યુઝિક ફેસ્ટિવલ, બ્રાઈટન ફેસ્ટિવલ, એકેડમિ ફેસ્ટીવલ અને વુમન, જર્મનીમાં ઈન્ટરનેશનલ મ્યુઝિક સિમ્પોઝિયમ અને મિલેનિયમ ફેસ્ટિવલ ડબલ્યુ.ડી.આર  કોલન,  ધ પોર્ટ ફેરી ફોક ફેસ્ટીવલ, કેપ ખાતે ધ નોર્થ સી જાઝ ફેસ્ટીવલ જેવા અનેક સમારંભોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.

શ્રી પુરબયન ચેટરજીએ ડીડબ્લ્યુઓ (DWO) નામથી સિતારનું સર્જન કર્યું છે, જે દેખાવમાં તો ભારતીય સિતાર જેવું જ છે. શ્રી પુરબયનનો ડીડબ્લ્યુઓ ઓ બે હોવા છતા પણ એકતાની ઉજવણી કરે છે. આ વાદ્ય જે ધ્વનિ બનાવે છે, તે પ્રાચીન અને આધુનિક, પરંપરાગત અને શહેરી, એમ તમામ બાબતોનો સંગમ સમાન છે અને તે દરેક અલગ-અલગ હોવા છતા તે બધા ને એકબીજાના પૂરક બનાવે છે અને એક ધ્વનિ તરીકે પ્રસ્થાપીત કરે છે.

યોગ્ય સમયે યોગ્ય રાગ વગાડવાથી એક અનોખી ઉર્જા જાગૃત થાય છે : વિદૂષી કલારામનાથ

રાજકોટ ખાતે સપ્તસંગીતિમાં વાયોલિન વાદન માટે પધારેલા વિદૂષી કલારામનાથજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દરેક રાગનો ગાવા-વગાડવાનો સમય હોય છે. યોગ્ય સમયે યોગ્ય રાગની રજુઆત થાય તો શ્રોતાઓમાં અને કલાકારોમાં એક અનોખી ઉર્જા જાગૃત થાય છે.

તેઓએ એક કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, હું જયારે નાની હતી ત્યારે મારા દાદા મને પીપરમેન્ટની લાલચ આપતા અને કહેતા કે જો તું આ સ્વરો ગાઇ સંભળાવીશ તો તને આ આપીશ. અને હું ગાઇ સંભળાવતી. આ રીતે કયારે કયા રાગો, સ્વરો કેમ શીખી ગઇ તેની જાણ જ ન રહી. કલાજી કહે છે, મને શુદ્ધ સ્વરોના રાગો વધારે પસંદ પડે છે.

કલાજીએ જણાવ્યું હતું કે, મારા ફઇ એમ.રાજમ ને વાયોલિન વગાડતા જોઇ મને તે શીખવાની ઇચ્છા થઇ હતી. પંડિત જસરાજજી પાસે તાલીમ મેળવી હોવાથી મે વાયોલિનમાં ગાયકી અંગને લાવવાનો પ્રયોગ કર્યો.

વિદૂષી કલારામનાથજી કહે છે, વાયોલિન મૂળતો પશ્યિમનું જ વાદ્ય છે. રાવણ હથ્થો આરબ લોકો ભારતમાંથી લઇ ગયા જેમાં થોડો ફેરફાર કરી રબાબે નામનું વાદ્ય બનાવ્યું ત્યારબાદ તેમાંથી વિયોલ બન્યું અને વિયોલ ભારતમાં આવ્યું ત્યારે વાયોલિન તરીકે પ્રસિદ્ધ થયું.

જયારે પંડિત રામદાસ પલસુલે એ જણાવ્યું હતું કે, તાલ આપણી પ્રકૃતિ સાથે જોડાયેલો છે. પંજાબ ઘરાના, અજરાડા ઘરાના, ઇન્દોર ઘરાના જેવા કોઇ પણ ઘરાના હોય પણ તબલા વાદકોએ દરેકને ધ્યાનમાં રાખવા પડે છે કારણ તેણે દરેક વાદકો અને ગાયકો સાથે સંગત કરવાની હોય છે.

શ્રી ઈશાન ઘોષ (તબલા)

મુખ્ય કલાકાર (સિતાર વાદક) શ્રી પુરબયન ચેટરજી સાથે તબલા સંગત

ઇશાન ઘોષનું નામ હિન્દુસ્તાની સંગીતની દુનિયામાં સૌથી તેજસ્વી યુવા તબલા કલાકાર તરિકે જાણીતુ છે. ઈશાન ઘોષ શ્રેષ્ઠ તબલા વાદક અને મહાન સિતારવાદક પંડિત નયન ઘોષના સુપુત્ર, પંડિત  નિખિલ ઘોષના પૌત્ર તથા મહાન બાસુરી વાદક પંડિત પન્નાલાલ ઘોષના ભત્રીજા છે. ઈશાન ઘોષ એવા પરિવારમાંથી આવે છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં ખુબ મોટું યોગદાન આપ્યુ છે. તેમણે પ્રભાવશાળી એકલ પઠન ઉપરાંત દેશ-વિદેશનાં નામી કલાકારો સાથે સહયોગી તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યુ છે.

તેમણે તેમના પિતા પંડિત નયન ઘોષ સાથે સમગ્ર વિશ્વમાં પોતાની કલા પીરસી છે, જેમાં U.S માં ૨૦ જેટલા રાજયો, કેનેડા, મેકિસકો, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંસ, સ્પેન અને ભારતના વિવિધ શહેરોનો સમાવેશ થાય છે. ઈશાન ઘોષે કેટલાક ખૂબ જ પ્રતિષ્ઠિત કોન્સર્ટ હોલમાં રજૂઆત કરી છે જેમાં શિકાગોમાં ધી ડી પોલ કોન્સર્ટ હોલ, ઇન્ડિયાનાપોલિસ મ્યુઝિયમ ઓફ આર્ટ, શિકાગોના ધ પ્રેસ્ટન બ્રેડલી હોલમાં તથા સ્પેનના રિયોજાફોરમ લોગ્રોનો જેવા પ્રખ્યાત સ્થળો શામેલ છે.

(3:45 pm IST)