Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રમના ૮૧૬ 'ચપલા' સાથે ફારૂક અને ૧ લાખના દારૂ ભરેલા છોટા હાથી સાથે વિશાલ પકડાયો

એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ.એમ. ગઢવીની ટીમના કોઠારીયા રોડ તથા નાણાવટી ચોકમાં દરોડાઃ અતુલનું નામ ખુલ્યું: કુલ ૨.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે : કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જીતુભા ઝાલા અને હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૪: દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાનું પોલીસે ચાલુ જ રાખ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના હેઠળ સતત વિદેશી દારૂ પકડવામાં આવી રહ્યો છે. એસીપી ક્રાઇમની ટીમે ૮૧ હજારના રમના ૮૧૬ ચપલા સાથે એક શખ્સને અને પીઆઇ ક્રાઇમની ટીમે ૧ લાખનો દારૂ ભરેલા છોટા હાથી સાથે એકને પકડી લીધો છે, જ્યારે એકનું નામ ખુલ્યું છે.

કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાસે દરોડો

એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા ટીમના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ભૂપતભાઇ રબારી, એસઓજીના સુધીરસિંહ જાડેજા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જીતુભા ઝાલાને મળેલી બાતમી પરથી કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ સામે તિરૂપતી સોસાયટી-૯માં રહેતાં ફારૂક મજીદભાઇ ખલીફા (ઉ.૨૪)ને રૂ. ૮૧,૬૦૦ના ૮૧૬ ટ્રીપલ એકસ રમના ચપલા સાથે પકડી લેવાયો હતો. આ શખ્સની વિશેષ પુછતાછ થઇ રહી છે.

નાણાવટી ચોક પાસે બીજો દરોડો

પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ એ.એસ. સોનારા, અજીતસિંહ પરમાર, નિલેષભાઇ ડામોર, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. હરદેવસિંહ રાણાને ચોક્કસ બાતમી મળતાં નાણાવટી ચોકથી રામેશ્વર ચોક તરફ જતાં રોડ પર વોચ રાખી જીજે૦૩એઝેડ-૦૩૬૬ નંબરનું છોટા હાથી આંતરી તલાશી લેતાં અંદરથી રૂ. ૧,૦૩,૨૦૦નો ૨૪૦ બોટલ દારૂ મળતાં તે તથા છોટા હાથી, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨,૦૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક વિશાલ ઘનશ્યામભાઇ ગરેણીયા (ઉ.૩૫-રહે. શિવમ્ સોસાયટી-૧)ની ધરપકડ કરી હતી. તેની પુછતાછમાં અતુલ ગોરધનભાઇ વેકરીયાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તસ્વીરમાં બંને ટીમો, કબ્જે થયેલો દારૂ, આરોપીઓ અને વાહન જોઇ શકાય છે.

(3:37 pm IST)