Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કુવાડવા રોડ પર ઇ-મેમોના વિરોધમાં ૧ કલાક ચક્કાજામ

જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે ફ્રુટ માર્કેટમાં આવતાં જતાં મજૂરો, લોકો અને બીજા કારીગરો મજબૂરીથી રોંગ સાઇડમાં વાહન હંકારતા હતાં: રોજ ૫૦૦ની કમાણી સામે ૧૫૦૦ના ઇ-મેમો આવતાં રોષે ભરાયા અને રોડ પર ઉતરી આવ્યાઃ પોલીસે ૨૧ શખ્સોની અટકાયત કરી : બે-અઢી કિલો મિટર સુધી વાહનોની કતારો જામીઃ નિયમ મુજબ વાહન હંકારે તો ટર્ન લેવા છેક ૧ાા કિ.મી. દૂર પટેલ વિહાર પાસે જવું પડે છેઃ રોંગ સાઇડમાં આશરે ૨૫૦ મિટરથી વળાંક લઇ શકાતો હોઇ આ રોડનો જ ઉપયોગ થાય છેઃ ગેરકાયદે મંડળી રચી રસ્તો રોકવા સબબ ગુનો નોંધવામાં આવ્યો

ચક્કજામઃ નવાગામ નજીક જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામેના ભાગેથી ગ્રીનલેન્ડ ચોકડી, આરટીઓ તરફ  જવા માંગતા વાહન ચાલકો શોર્ટ કટ લઇ રોંગ સાઇડમાંથી વાહન હંકારતા હોઇ તેને ઇ-મેમો ફટકારવામાં આવતાં રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતાં અને ચક્કાજામ કરી દીધો હતો. આ કારણે બે-અઢી કિ.મી. સુધી જામ થઇ જતાં વાહનોની કતારો લાગી ગઇ હતી. પોલીસે પંદર જેટલા શખ્સોની અટકાયત કરી હતી અને રસ્તા ખુલ્લા કરાવ્યા હતાં. જેની અટકાયત થઇ એ લોકોના કહેવા મુજબ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામેના ભાગેથી અવર-જવર માટે જો યોગ્ય દિશામાં જાય તો છેક દોઢ કિ.મી. આગળ પટેલ વિહાર  પાસે આવતાં કટ સુધી લાંબુ થઇ ત્યાંથી ટર્ન લેવો પડે છે. તેના બદલે રોંગ સાઇડમાંથી નીકળે તો ૨૦૦-૨૫૦ મીટરથી જ વળાંક લઇ શકાય છે. પણ આવુ કરવા જતાં ફોટા પડી જાય છે અને ઇ-મમેો આવે છે. પાંચસો-છસ્સો કમાતાં મજૂરો, નાના કારીગરોને ૧૫૦૦-૧૫૦૦ના ડામ આવતાં બધાએ ચક્કાજામ કર્યા હતાં. તસ્વીરોમા ચક્કાજામના દ્રશ્યો, લોકોના ટોળા, વાહનોની લાંબી કતારો, એસીપી ટંડેલ, પીઆઇ ફર્નાન્ડીઝ સહિતનો સ્ટાફ લોકો સાથે ચર્ચા કરતાં જોઇ શકાય છે. જામને કારણે એકાદ કલાક સુધી વાહન ચાલકો ફસાઇ ગયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેરના કુવાવડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામેના ભાગે મેંગો માર્કેટ-ફ્રુટ માર્કેટ તથા બીજા ગેરેજ, સહિતના મજૂરી કામના નાના ગેરેજ, દૂકાનો આવેલા છે. ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ કે નવાગામ તરફ જવા માટે ટુવ્હીલર ચાલકો જમણી સાઇડમાંથી જ એટલે રોંગ સાઇડમાંથી જ બસ્સો-અઢીસો મિટર દૂર આવેલા ક્રોસથી વળાંક લઇ આરટીઓ, ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવા આગળ વધે છે. પરંતુ જેવા આ વાહન ચાલકો રસ્તો ક્રોસ કરે ત્યાં જ આઇ-વે કેમેરામાં તેનો રોંગ સાઇડનો ફોટો પડી જાય છે અને ૧૫૦૦-૧૫૦૦નો ઇ-મેમો આવે છે. સર્વિસ રોડ ન હોવાથી ફરજીયાતપણે વાહન ચાલકોને રોંગ સાઇડમાં આવવું પડે છે. રોજના પાંચસો-છસ્સો માંડ કમાતા મજૂરો, કારીગરો અને આસપાસના રહેવાસી લોકોને મસમોટા મેમો આવતાં રોષ ફેલાઇ ગયો હતો. આજે ઇ-મેમોનો વિરોધ કરવા છસ્સો-સાતસો લોકો રોડ પર ઉતરી આવ્યા હતાં અને એકાદ કલાક ચક્કાજામ કરી દેતાં બે-અઢી કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો જામી ગઇ હતી.

જે જે કારીગરો, મજૂરોને રોંગ સાઇડના ઇ-મેમો આવ્યા તેણે રોષ પુર્વક જણાવ્યું હતું કે અમારું મજૂરીનું સ્થળ અને પેટીયુ રળવાનું કામ જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામેના ભાગે છે. અહિ જ ફ્રુટ માર્કેટ આવેલી હોઇ દરરોજ નાના માણસો ટુવ્હીલર લઇને કામ કરવા કે માલસામાનની હેરફેર કરવા આવે છે. આ ઉપરાંત અહિ આવેલી ચાની કેબીનોમાંથી કોઇને સામેના ભાગે ચા આપવા જવું હોઇ તો તે ટુવ્હીલર લઇને જ જાય છે. જુના પોલીસ સ્ટેશનની સામેના ભાગે કામ કરતાં લોકો જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન તરફ, ત્યાંથી વળાંક લઇ નવાગામ તરફ, આરટીઓ તરફ કે પછી પુલ નીચે થઇ ગ્રીનલેન્ડ ચોકડીએ જવા માટે રોંગસાઇડમાંથી જ પોતાનું વાહન હંકારે છે. કારણ કે જો તેને નિયમ મુજબ યોગ્ય સાઇડમાં વાહન હંકારવું હોય તો છેક દોઢ કિ.મી. દૂર સાત હનુમાન સુધી ધક્કો ખાવો પડે છે.

નાના માણસોને રોજ આટલું પેટ્રોલ બાળવું પોષાય તેમ ન હોઇ અને સમય પણ બગડતો હોઇ જેથી ના છુટકે મજબૂરીવશ તેમને શોર્ટકટ લઇ રોંગ સાઇડમાંથી ટર્ન લેવો પડે છે. ટર્ન લેવાની જગ્યા પર જ કેમેરો ફીટ કરાયો હોઇ તેમાં ફોટા પડી જાય છે અને ઇ-મેમો આવી જાય છે. સતત નાના માણસોને ૧૫૦૦-૧૫૦૦ના ઇ-મેમો આવવા માંડતા દેકારો મચી ગયો હતો. આ કારણે લોકો રોષે ભરાયા હતાં અને આજે મોટી સંખ્યામાં જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે રોડ પર ઉતરી આવ્યા હતાં અને રસ્તા બંધ કરી દીધા હતાં તેમજ સુત્રોચ્ચાર કર્યા હતાં. આ ચક્કાજામને કારણે રસ્તા પર બે-અઢી કિ.મી. લાંબી વાહનોની કતારો જામી ગઇ હતી. છેક કુવાડવા રોડ ડી-માર્ટ સુધી વાહનો જામ થઇ ગયા હતાં. એ જ રીતે આરટીઓ તરફના રોડ પર અને મોરબી રોડ પર તથા કુવાડવાથી ગ્રીનલેન્ડ ચોકડીના રોડ પર વાહનો જામ થઇ ગયા હતાં.

એકાદ કલાક સુધી જામ રહેતાં અનેક લોકો કારણવગર ફસાઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ અને કાફલો, ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને ટીમ, કુવાડવા પોલીસ અને ટીમ તથા બીજી મોબાઇલો પહોંચી હતી. પોલીસે ચક્કાજામ ખુલ્લો કરાવ્યો હતો અને પંદર જેટલા લોકોની અટકાયત કરી હતી. આ લોકોએ કહ્યું હતું કે સર્વિસ રોડ ન હોઇ અને ટર્ન લેવા માટે છેક સાત હનુમાન સુધી દોઢ કિ.મી. દૂર જવું પડતું હોઇ નાછુટકે રોંગ સાઇડ ટર્ન લે છે. અગાઉ અહિ કેમેરો નહોતો એ કારણે મેમો આવતો નહોતો. હવે ઇ-મેમો ચાલુ થઇ જતાં નાના માણસોને મોટો ડામ આવી રહ્યો છે. ઇ-મેમો આપવાનું બંધ કરવામાં આવે અથવા તો કંઇક એવો રસ્તો કાઢવામાં આવે કે જેથી જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામેના ભાગેથી આવતાં વાહનોને છેક દોઢ કિ.મી. દૂર સાત હનુમાન સુધી ટર્ન લેવા જવું ન પડે.

પોલીસે આ મામલે ગેરકાયદેસર રીતે ચકકાજામ કરનારા શખ્સો વિરૂધ્ધ રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ એકવીસ જેટલા શખ્સોની અટકાયત કરી છે. પીઆઇ ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. જાડેજા, અજયભાઇ સહિતની ટીમ તપાસ કરે છે.

(3:49 pm IST)