Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

બ્રેઇલલિપિ : પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમ

બિડાયેલાં નૈણાંએ મેલ્યો તેજતિમિરનો ભેદ, અજવાળે આનંદ ના માણ્યો, અંધારે નવ ખેદ, મનમંદિર કેરા દીપકનું તેજ નહીં અવ મંદ, ઝળહળ સદ્યળું થાય, અહો, હું અંધારે નહીં અંધ ! જાગે અંતરમાં આનંદ

કવિતાના નાયક પ્રજ્ઞાચક્ષુ છે. સ્થૂળ ચક્ષુ બંધ છે પણ આંતરચક્ષુ ખુલ્લાં છે. આંખ નથી પણ દૃષ્ટિ છે. દૃશ્ય નથી પણ અદૃશ્યતાના દર્શન સુલભ છે. ૪, જાન્યુઆરી એટલે વર્લ્ડ બ્રેઇલ ડે. સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી પ્રજ્ઞાચક્ષુઓ ઉત્સાહભેર કરે છે. આજે પ્રજ્ઞાચક્ષુઓએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને વિશ્વના દરેક ક્ષેત્રમાં તેઓ અગ્રેસર થઈ રહ્યા છે. અને બ્રેઇલ લિપિએ તેમાં સિંહ ફાળો ભજવ્યો છે. આ બ્રેઇલ લિપિના શોધક લુઇ બ્રેઇલ ના જન્મ દિન ૪ જાન્યુઆરીને સમગ્ર વિશ્વ માં 'વર્લ્ડ બ્રેઇલ ડે' તરીકે ઉજવવામાં આવે છે.

૪ જાન્યુઆરી ૧૮૯૦ના દિવસે ફ્રાંસના શહેર કૂપવેમાં ભવિષ્યની ઉજળી કિરણ સમાન લુઇ બ્રેઇલનો જન્મ થયો હતો. લુઇ બ્રેઇલે માત્ર આઠ વર્ષની ઉંમરમાં એક અકસ્માતમાં આંખ ગુમાવી દીધી હતી. તેઓ કોઇ સાધારણ બાળક નહોતા. બ્રેઇલ લિપિની શોધ કરવા પાછળ તેમણે પોતાના જીવનનાં આઠ વર્ષ ગાળ્યાં હતાં. લૂઇએ માત્ર ૧૫ વર્ષની ઉંમરે પુરુષાર્થ આદરી અંધજનોને વાંચવા-લખવા માટે ૬ ટપકાંની બ્રેઇલ લિપિની શોધ કરી હતી. જેના સહારે આજે વિશ્વના લાખો પ્રજ્ઞાચક્ષુઓ સ્વમાનભેર જીવન જીવતા થયા છે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટે અનેક પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે. જેના થકી પ્રજ્ઞાચક્ષુઓ સરળ, સુભગ અને સ્વમાનભેર જીવન જીવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે, આજે અદ્યતન સોફ્ટવેર DBT (Duxbury Braille Translation ) ના માધ્યમ થી કોઈ પણ લખાણને સંપૂર્ણ પણે બ્રેઇલીકૃત કરી શકાય છે જેના માધ્યમથી બ્રેઈલ લિપિમાં સાહિત્ય, વિજ્ઞાન, સંગીત, નવલકથાઓ, વાર્તાઓ, તત્વચિંતન જેવા વિષયોનું બ્રેઈલીકરણ કરી પ્રજ્ઞાચક્ષુઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ઙ્ગ ગુજરાત સરકારના સરકારી ગ્રંથપાલ નિયામક તરફથી પુસ્તકાલય માટે રૂ. ૨(બે) લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. દરેક વ્યકિતના જીવનમાં કલા મહત્વનો ભાગ ભજવે છે. લેખન અને વાંચન એ મનની સુષુપ્ત શકિતને ખીલવે છે, તેથી આ સોફ્ટવેરના આધુનિક વિચારથી પ્રજ્ઞાચક્ષુઓ માટે લેખન અને વાંચન સરળ થઈ શકયું છે.

રાજકોટના આવા જ એક બ્રેઇલ પુસ્તકાલયની વાત કરીએ તો શ્રી અંધજન કલ્યાણ મંડળ - રાજકોટ ની લાયબ્રેરી કે જે પી.ડી માલવિયા કોલેજના કેમ્પસમાં કાર્યરત છે જયાં ૪૦૦૦ જેટલા સાહિત્ય, વિજ્ઞાન, સંગીત, નવલકથાઓ, વાર્તાઓ, તત્વચિંતન જેવા વિષયોના વોલ્યૂમ ઉપલબ્ધ છે. તો અન્ય એવા જ શ્રી વ્રજલાલ દુર્લભજી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ - રાજકોટ ની લાયબ્રેરી માં ૫૦૦ જેટલા પુસ્તકો અને ૨૦૦૦ વોલ્યુમ ઉપલબ્ધ છે.

શ્રી અંધજન કલ્યાણ મંડળ - રાજકોટ દ્રારા વર્ષ ૧૯૭૩ થી 'બ્રેઇલ સંદેશ' નામક ત્રિમાસિક સામયિકનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રજ્ઞાચક્ષુઓની રોજબરોજની ઘટનાઓ તથા અંધજનોના સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે. આ ત્રિમાસિકને પ્રેસ કરવા ખાસ સ્વીડનથી મશીનરી અને પ્રિન્ટર્સની આયાત કરવામાં આવી છે. જેનું પ્રિન્ટિંગ DBT (Duxbury Braille Translation) સોફ્ટવેરમાં ગુજરાતીમાં થાય છે. પ્રજ્ઞાચક્ષુઓ હોંશભેર આ સામયિક વાંચે છે, અને દેશ-દુનિયામાં બનતા બનાવોથી માહિતગાર થાય છે. આ સામયિકમાં અનેક વિષયો પર લેખ, વાર્તા, કવિતા, સાહિત્યક લેખો વગેરે પ્રકાશિત થાય છે, જેનો ૪૦૦ નકલોનો ફેલાવો છે. સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ પણ આ સામયિક નિયમિત રીતે વાંચે છે. જયારે શ્રી વ્રજલાલ દુર્લભજી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ - રાજકોટ દ્રારા ઇ.સ.૧૯૯૬ થી 'સંઘર્ષ' નામનું દ્વિમાસિક બ્રેલ પત્રિકાનું પણ પ્રકાશન થાય છે.જેમાં અન્ય સામાયિકમાં પ્રકશિત થતા સારામાં સારા લેખોનું બ્રેઈલીકરણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્રારા પણ યુનિવર્સિટીમાં ખાસ બ્રેઇલ કોર્નરની રચના કરવાં આવી છે, જેથી કોલેજોમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુઓ તેનું વાંચન કરી શકે, અને જીવનમાં પ્રગતિ કરી શકે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગોને એવા સાધનો પ્રદાન કરવામાં આવી રહયા છે, જેનાથી પ્રજ્ઞાચક્ષુઓની દિવ્યાંગતાની અસર ઓછી થાય. તેના માટે સરકાર દ્રારા રૂ. ૨૦,૦૦૦ સુધીની સહાય પ્રજ્ઞાચક્ષુઓને પુરી પાડવામાં આવે છે, 'સંત સુરદાસ' યોજના ૭૫ ્રુ થી વધુ દિવ્યાંગતા ધરાવતા વિવિધ વય જૂથના નાગરિકોને પેંશન પ્રદાન કરવામાં આવે છે, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્ત્િ। પ્રદાન કરવામાં આવે છે. ઉપરાંત, 'સમતોલ શિક્ષણ યોજના' હેઠળ અંધજન મંડળોમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુઓ કે જે શાળાએ જવા સક્ષમ નથી તેના માટે ગુજરાત સરકાર ૧૧ શિક્ષકોની ફાળવણી કરે છે. આ શિક્ષકો વિવિધ અંધજન મંડળોમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે આ યોજનાનો મુખ્ય હેતુ શિક્ષણનો પાયો વધુ મજબૂત બનનાવવાનો છે.

રમત-ગમતથી માનવીનો સર્વાંગી વિકાસ થાય છે. માનવ સમાજનો અગત્યનો હિસ્સો એવા દિવ્યાંગોનો પણ અન્ય રમતવીરોની જેમ વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર દ્રારા દિવ્યાંગો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, અને પ્રાદેશિક રમત-ગમત કચેરી આયોજિત આ સ્પર્ધાઓમાં વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવે છે.

આમ, ગુજરાત સરકાર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ , શિક્ષણ , પુનર્વસન અને ઉત્થાનના પ્રશસ્ય કાર્યો કરવામાં આવે છે. અને જગતમાં આજે જયાં જયાં ચક્ષુવિહિનતાને કારણે અજ્ઞાનનાં અંધારા હશે ત્યાં ત્યાં છ ટપકાંવાળી વિશેષ વાણી લઈને લૂઈ બ્રેઈલ વિહરી રહ્યા હશે. પ્રજ્ઞાચક્ષુઓના અજ્ઞાનના અંધારા ઉલેચી રહયા હશે. લુઇ બ્રેઇલના આ સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત સરકાર પણ પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે, અને અંધજનોના કલ્યાણમાં સહભાગી બની રહી છે.

આલેખન : શુભમ અંબાણી, માહિતી ખાતું

(11:17 am IST)