Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રાજકોટના સામા કાંઠાના બંગડીના ૧૧ વેપારીઓ સાથે ૮.૩૧ લાખની ઠગાઇઃ ભાડલાનો પ્રદિપ કાકડીયા સકંજામાં

૨૦૧૭-૨૦૧૮માં અલગ-અલગ વેપારીઓ સાથે ઓળખાણ-વિશ્વાસ કેળવી બાકીમાં બંગડીનો કાચો માલ લઇ જઇ બૂચ મારી દીધુ'તું: ચિરાગ પ્રજાપતિની ફરિયાદ પરથી થોરાળા પોલીસે પટેલ શખ્સને પકડી પુછતાછ આદરી

રાજકોટ તા. ૪: સામા કાંઠાના બંગડીના ૧૧ વેપારીઓ સાથે વિશ્વાસ કેળવી જસદણના ભાડલાના પટેલ શખ્સે એક્રેલીક બંગડીનો તૈયાર માલ તથા પ્લાસ્ટીકની બંગડીનો તૈયાર માલ મેળવી તેના રૂ. ૮,૩૧,૪૨૮ નહિ ચુકવી ઠગાઇ કરતાં મામલો થોરાળા પોલીસમાં પહોંચતા ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવામાં આવ્યો છે.

બનાવ અંગે થોરાળા પોલીસે સંત કબીર રોડ પર કનકનગર-૩માં રહેતાં અને મિત બેંગલ્સ નામે ઘર પાસે જ પ્લાસ્ટીકની બંગડી બનાવવાનું પાંચ વર્ષથી કામ કરતાં પ્રજાપતિ યુવાન ચિરાગ ચંદુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી જસદણના ભાડલા ગામે મસ્જીદવાળી શેરીમાં રહેતાં પ્રદિપ જેન્તીભાઇ કાકડીયા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધે છે.

ચિરાગે એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે મિત બેંગલ્સ નામે કારખાનુ ચલાવે છે. પોતાના કારખાને તા. ૨૦૧૭ના સમયમાં એક શખ્સ આવ્યો હતો અને પોતાનું નામ પ્રદિપ કાકડીયા હોવાનું તેમજ પોતે બોટાદમાં અવધ બેંગલ નામે બંગડીનો ધંધો કરતો હોવાનું કહી તેમજ ચિરાગને જે વેપારીઓ ઓળખતા હતાં તેને પોતે પણ ઓળખે છે, માલ ખરીદે છે તેવી વાતો કરી સેમ્પલ લઇ ગયો હતો. એ પછી પોતાને તૈયાર તથા કાચો માલ જોઇતો હોવાનું કહી૧૩/૫/૧૮ના રોજ રૂ. ૫૩,૦૪૬નો એક્રેલિક બંગડીનો માલ ખરીદ કરી પૈસા બાકી રાખ્યા હતાં. આ માલની રકમ તેણે ચુકવી નહોતી અને ઉઘરાણી થતાં ગલ્લા તલ્લા શરૂ કર્યા હતાં.

એ પછી ચિરાગ ચોૈહાણે તપાસ કરતાં પ્રદિપ કાકડીયાએ આ રીતે બીજા ૧૦ બંગડીના વેપારીઓ સાથે પણ આ રીતે એક્રેલિક અને પ્લાસ્ટીક બંગડીનો માલ ખરીદી લાખોનું બૂચ મારી દીધાનું સામે આવતાં પોલીસને જાણ કરી હતી. પ્રદિપે અન્ય વેપારીઓમાં દૂધની ડેરી પાસે રહેતાં મયુદ્દીન અનવરભાઇ પાસેથી રૂ. ૪૨૫૭૦નો માલ, ગોૈતમ બેંગલવાળા રાજલક્ષ્મી સોસાયટીના ભાવેશભાઇ દામોદરભાઇ બ્રહ્મક્ષત્રિય પાસેથી રૂ. ૧,૩૧,૦૦૦નો માલ, રાજલક્ષ્મીવાળા રવિભાઇ લક્ષમણભાઇ ડાંગર પાસેથી રૂ. ૧,૫૪,૦૦૦નો માલ, ગઢીયાનગર-૧ના ભૂપેન્દ્રભાઇ છબીલદાસ છાંટબાર પાસેથી રૂ. ૨૮,૦૫૮ તથા રૂ. ૩૮,૭૦૦નો માલ, મોરબી રોડ વિલા સોસાયટીના મિતલભાઇ કાંતિભાઇ ગજેરા પાસેથી રૂ. ૧,૩૫,૩૦૬નો માલ, રાજારામ સોસાયટી-૧ના કેતનભાઇ પ્રવિણભાઇ મણિયાર પાસેથી રૂ. ૪૫૦૦૦નો, બાલકૃષ્ણ સોસાયટીના મનોજભાઇ મનસુખભાઇ મણિયાર પાસેથી રૂ. ૨૭૫૨૮નો માલ, સતગુરૂ કૃપા કાર્તિક બેંગલવાળા તેજસભાઇ પાસેથી રૂ. ૪૬ હજારનો, જે. પી. બેંગલવાળા જગદીશ છગનભાઇ પઢીયાર પાસેથી રૂ. ૪૨૫૭૦ અને યાર્ડ પાસે હુડકોમાં રહેતાં અજય વિજયભાઇ કારીયા પાસેથી રૂ. ૫૫૭૫૦ અને રૂ. ૩૧૮૦૦નો બંગડીનો માલ ખરીદ કરી પૈસા ચુકવ્યા નહોતાં.

આ રીતે પ્રદિપે વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૮માં કુલ ૧૧ બંગડીના વેપારીઓ પાસેથી કાચો માલ ખરીદી કુલ રૂ. ૮,૩૧,૪૨૮ની ઠગાઇ કર્યાનું સામે આવતાં બધા વેપારીઓએ થોરાળા પોલીસ મથકમાં પહોંચી જાણ કરતાં પી.આઇ. જી.એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. ચોૈધરી અને વિક્રમભાઇએ ગુનો નોંધી આરોપી ભાડલાના પ્રદિપ જેન્તીભાઇ કાકડીયા (પટેલ)ને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. (૧૪.૬)

 

(3:50 pm IST)