Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નવા વર્ષનો પ્રારંભ છતાં મ્યુનિ.કોર્પોરેશનની ટેબલ-પોકેટ ડાયરીઓનાં ઠેંકાણા નથી !!

કોર્પોરેટરોએ ફોટા આપવામાં ઠાગા-ઠૈયા કરતાં ડાયરી પ્રસિધ્ધ કરવામાં મોડુ થયાની ચર્ચા

રાજકોટ, તા. ૩ :. નવુ વર્ષ ૨૦૨૦ના પ્રારંભ થયાના ૩ દિવસ થયા હોવા છતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ પણ પોકેટ અને ટેબલ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી નથી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને વિવિધ માહિતીઓ મળે તે હેતુથી પોકેટ અને ટેબલ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તંત્ર દ્વારા દર વર્ષે એપ્રિલથી માર્ચ સુધીના વર્ષની ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. આ વર્ષે જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના વર્ષની ડાયરી પ્રસિદ્ધ કરવા કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા ટેબલ ડાયરી ૫૭૦૦ અને નાની ડાયરી ૨૪૦૦ કુલ ૧૨ લાખના ખર્ચે બનાવવામાં આવે છે. મોટી ડાયરીમાં અધિકારીઓ-પદાધિકારીઓ અને કોર્પોરેટરોના કલરફુલ ફોટા અને વિસ્તાર, વિવિધ શાખાના અધિકારીઓ અને તંત્રની કામગીરીની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા જાન્યુઆરીમાં ડાયરી પ્રસિદ્ધ કરવા નવેમ્બરથી કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં આજની તારીખ સુધીમાં ડાયરીના કોઈ ઠેકાણા નથી.

કોર્પોરેશનની લોબીમાં ચર્ચા મુજબ ટેબલ ડાયરીમાં પદાધિકારીઓ અને કોર્પોરેટરોના કલરફુલ ફોટા મુકવામાં આવે છે. આ ફોટાઓ મોડા આવતા અને પ્રુફ રીડીંગમાં સમય જતા ડાયરી હજુ સુધી પ્રસિદ્ધ થઈ નથી.

(4:03 pm IST)