Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એસોસીએશન ભેગા મળી કન્વેનશન કે પ્રદર્શન સેન્ટર બાંધશે તો સરકાર જમીન ફ્રેઈમમાં આપશે : વિજયભાઈ રૂપાણી

રેસકોર્ષ ખાતે પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો - કેસનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ : વિવિધ ટીપી સ્કીમ અને સરકારની અનેક ડેવલપમેન્ટ યોજનાથી અને હવે એઈમ્સ મળતા રાજકોટના બિલ્ડરોને ફાયદો થશે : પરેશ ગજેરા * સાંજે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીનો સેમીનાર : સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટ, તા. ૪ : ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા ત્રિપલ આઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા ચાર દિવસીય પ્રોપર્ટી એકસ્પો અને શો- કેશનું તા.૪ થી ૭ જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે આયોજીત આ પ્રોપર્ટી એકસ્પો ગુજરાતનો સૌથી મોટો એકસ્પો માનવામાં આવી રહ્યો છે. જેનું ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અહીં ફ્લેટ્સમ ઓફિસ, ડેકોરેશન, ઇન્ટિરિયર ડિઝાન થી લઈને આ બિઝનેસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ એક જ જગ્યા પણ મોજુદ છે. સરકાર ૨૦૨૨ સુધીમાં તમામ પાસે ઘરનું ઘર હોવું જોઈએ તેવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે ત્યારે તેને સાકાર કરવા માટે અહીં કાર્યરત તમામ એસોસિયેશન અને બિલ્ડર્સોનો ફાળો રહ્યો છે. દરેક વ્યકિતનું એક સ્વપ્ન હોય છે કે એમની પાસે પોતાના સ્વપ્નનું એક ઘર હોઈ. કોઈપણ વ્યકિત સાંજે ઘરે આવે ત્યારે એમને એમના ઘરમાં આનંદ કરાવે તેવું વાતાવરણ હોઈ એવું ઈચ્છી રહ્યા છે અને સરકાર પણ લોકોના હેપીનેસ ઇન્ડેકસ માટે ચિંતિત છે અને તેમાં સુધારો કરવા ઈચ્છી રહી છે ત્યારે અહીં તે ફ્લેટ્સ એન્ડ મકાનો રજુ કરવામાં આવ્યા છે તેમાં એવો એહસાસ લોકોને જરૂર થશે.

ક્રેડાઇના ગુજરાત પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે અમે અહીં ૨૬૦ થી પણ વધારે સ્ટોલ મુખ્ય છે અને ૩ લાખ સ્કવેર ફૂટમાં જે આયોજન અહીં અક્રવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં સૌથી મોટી આયોજન છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીને સૌરાષ્ટ્રને એઇમ્સ આપવા માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે જયારે અમારા કોઈપણ પ્રશ્ન કે રજૂઆત કે શહેરના વિકાસની વાત હોઈ વિજયભાઈએ અમારી વાત માત્ર સાંભળી જ નથી પણ અધિકારીઓને બોલાવીને બે ત્રણ દિવસમાં જ તે પ્રશ્નનો ઉકેલ આવી જાય તેવી સૂચના આપવામાં આવે છે અને કામ થઇ પણ જાય છે ત્યારે રાજકોટમાં એમની ઉપસ્થિતિ અમારા બધા માટે ગૌરવની વાત છે.

પરેશ ગજેરા અને એમની ટીમે જણાવ્યું હતું કે રાજકોટના બિલ્ડરો રેરા તમામ નિયમોનું  પાલન તો કરેજ છે પણ સાથોસાથ કસ્ટમરોને વેલ્યુ ફોર મની પણ આપે છે અને જેટલું કીધું તેનાથી વધારે આપતા આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે શોમાં ૭ લાખથી લઈ અઢી ત્રણ કરોડના ફ્લેટ્સ પણ મુકવામાં આવ્યા છે.

પ્રોપર્ટી એકસ્પો રાજકોટ તો ઠીક પણ ગુજરાતનો અતિ આધુનિક અને ઐતિહાસિક એકસ્પો બની રહેશે. ત્રણ લાખ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ૨૫૦થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ સ્ટોલ બિલ્ડરોના જયારે ૧૫૦ સ્ટોર ઈન્ટીરીયર ડિઝાઈનર અને ડેકોરેશનના રાખવામાં આવ્યા છે.

આ એકસ્પોમાં રાજકોટના નામાંકિત ૫૦થી વધારે બિલ્ડરો દ્વારા ૧૫૦થી વધારે પ્રોજેકટનું ડિસ્પ્લે કરવામાં આવનાર છે. જેથી પસંદગી અને બજેટને અનુરૂપ ચોઈસ કરી શકાશે. મુલાકાતીઓની સરળતા માટે નામાંકીત બેન્કના એકિઝકયુટીવ પણ હાજર રહેશે. જેથી પસંદગીની પ્રોપર્ટી ઉપર કેટલી લોન અને કેટલુ ડાઉન પેમેન્ટ તે અંગેની જાણકારી ત્વરીત મળી રહેશે. આ એકસ્પોમાં સ્પેશ્યલી ડિઝાઈનર ડોમમાં ૩૫ જેટલા પેઈન્ટીંગ ઝોન, સેમીનાર ડોમ જેમાં દરરોજ નામાંકિત ૨ વકતાઓના સેમીનાર, રિક્રિએશન ડોમમાં આર્ટીસ્ટ દ્વારા ભાતીગળ પેઈન્ટીંગની અદ્દભૂત કૃતિઓ રજૂ કરશે. તો સાથે સાથે રાજકોટ ઈન્ટીરીયર ક્ષેત્રની કોલેજના વિદ્યાર્થીઓ પણ આ એકસ્પો સાથે સક્રિયતાથી જોડાયેલા છે.

આ પ્રોપર્ટી એકસ્પો અને શોકેસમાં ૫૦ જેટલી આંતરરાષ્ટ્રીય પ્રોડકટોનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. જેમાં ચાર દિવસ સુધી નિરંતર માર્ગદર્શન સેમીનાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સેમીનારની વાત કરવામાં આવે તો તા.૪ના રોજ પૂ.જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવશે. જયારે તે જ દિવસે આર્કિટેકટ શિલ્પા ગોરે પણ ઈન્ટીરીયર ડિઝાઈન અને આર્કિટેકચરના વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે તા.૫ના રોજ આર્કિટેકટ જિજ્ઞેશ દોશી તથા રાજકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની રાજકોટ ૨૦૩૦ સ્માર્ટ સિટી રાજકોટ મુદ્દે સેમીનારનું સંબોધન કરશે.

તા.૬ના રવિવારના રોજ બ્રાન્ડીંગ વિષયને લઈ હરકરણસિંગ ગ્રેવાલ તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રે ડિમાન્ડ સપ્લાયના મુદ્દે અનુજપુરી દ્વારા વ્યાખ્યાન, તા.૭ના રોજ આનંદ વિશ્વનાથન ઓરીગામી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે દરરોજ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ બોલીવુડ તથા ટેલીવુડના સ્ટારોને પણ બોલાવવામાં આવ્યા છે જેમાં રવિના ટંડન, રીમી સેન, સમીતા શેટ્ટી તથા દિપુ શ્રીવાસ્તવ સહિતના કલાકારો પણ રાજકોટની રંગીલી જનતાને મન મોહી લેશે.

આયોજનમાં આરબીએના પ્રમુખ પરેશ ગજેરા, આનંદ શાહ (ચેરમેન), સુજીત ઉદાણી, વાય.બી. રાંક, અમિત રાજા, અમિત ત્રાંબડીયા, વિક્રાંત શાહ, દિલીપ લાડાણી, રણધીરસિંહ જાડેજા, વિરલ સિંહાર, હરેશ પરસાણા, કિરીટ ડોડીયા, ભરત હાપાણી, દિપક મહેતા, જયેશ કાનપરા, મેહુલ બુદ્ઘદેવ, મિતેશ પટેલ, જાનકી હકાણી, શ્રી પીપળીયા જોડાયા છે.

(4:02 pm IST)