Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બેંક ખાતુ બંધ કરતી વખતે ચાર્જ અને જી.એસ.ટી. વસુલવાનું SBIને ભારે પડયું: રકમ પરત ચુકવવી પડી

રાજકોટના સીનીયર વકીલને કડવો અનુભવ થતા ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરી...

રાજકોટ, તા. ૪ :. રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની એસ.બી.આઈ. દ્વારા તા. ૧-૭-૨૦૧૭થી પોતાના ખાતા ધારકોને પોતાનું તે બેંકનું ખાતુ બંધ કરવુ હોય તો રૂ. ૫૦૦નો ચાર્જ ઉપરાંત ૧૮ ટકા પ્રમાણે જી.એસ.ટી. વસુલવા નિર્ણય કરેલ હતો. જે સામે ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરતા બેંકે રકમ પરત કરી હતી.

આ અંગેની વધુ વિગતો જોઈએ તો રૈયા રોડ ઉપર રહેતા અને વકીલાતનો ધંધો કરતા કિરણભાઈ રૂપારેલીયાનું એસ.બી.આઈ. યુનિ. બ્રાંચમાં બચત ખાતુ ધરાવતા હતા અને તા. ૧૫-૯-૨૦૧૭ના રોજ તેઓએ પોતાનું સદરહુ બચત ખાતુ બંધ કરવા માંગણી કરતા એસબીઆઈ એ તેઓના પાસેથી ખાતુ બંધ કરવાના ચાર્જના રૂ. ૫૦૦ તથા જીએસટીના રૂ. ૯૦ મળી કુલ રૂ. ૫૯૦ વસુલ બચત ખાતુ બંધ કરેલ.

આવા નિર્ણયથી નારાજ થઈ એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયા સદરહુ બેંકના નિર્ણય સામે રૂ. ૫૯૦ પરત મેળવવા બેંક મેનેજરશ્રીને અરજી આપેલ અને તેની જાણ એસબીઆઈની કોર્પોરેટર ઓફિસ મુંબઈ, વિભાગીય કચેરી અમદાવાદ તથા લોકપાલથી રીઝર્વ બેંકને પણ કરેલ તેમ છતા એસબીઆઈ દ્વારા વસુલાયેલ ચાર્જની રકમ પરત ચુકવેલ નહી આથી શ્રી રૂપારેલીયાએ એસબીઆઈના આવા ગેરબંધારણીય નિર્ણય સામે રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

ઉપરોકત દાખલ થયેલ ફરીયાદ અન્વયે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રાજકોટ દ્વારા એસબીઆઈ યુનિ. રોડ બ્રાંચને નોટીસ રવાના કરી કન્ઝયુમર ફોરમ રાજકોટ સમક્ષ ઉપસ્થિત રહેવા જાણ કરેલ. તે સમક્ષ મળ્યા બાદ એસબીઆઈ દ્વારા એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયાના કાલાવડ રોડ બ્રાંચના તેઓના બચત ખાતામા રૂ. ૫૯૦ તા. ૩૦-૧૨-૨૦૧૭ના રોજ પુનઃ જમા આપેલ હોવાનું અને તે રકમ પરત મેળવવા શ્રી રૂપારેલીયાએ સમય તથા નાણાનો વ્યય ભોગવેલ છે તે પણ મેળવવા હજુ પોતાની કાનૂની લડત ચાલુ રાખવાનું એડવોકેટ શ્રી રૂપારેલીયાએ જણાવ્યું છે.

(3:59 pm IST)