Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તંત્રનો સ્વીકાર

શહેરીજનોએ ર૦ વર્ષથી ગંદકીયુકત પાણી પીધું

વર્ષો બાદ પાણીના ટાંકાની સફાઇઃ ૩પ પૈકી ર૦ ટાંકામાંથી પાણી વિતરણ બંધ કરાયું: એપ્રિલથી કાર્પેટ વેરોઃ વિગતો આપતા બંછાનીધી પાની

રાજકોટ, તા. ૪ :  શહેરીજનોની આરોગ્યને ધ્યાનમાં રાખી અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનેે પાણીની ગુણવતા જાળવાઇ રહે તે હેતુથી ૩પ પાણીના ટાંકાની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા ર૦ વર્ષથી શહેરના પાણીના ટાંકાની સફાઇ કરવામાં ન આવી નહતી. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આવનાર દિવસોમાં શહેરના તમામ વોંકળા તથા ખુલ્લા પ્લોટ સફાઇની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી એપ્રિલથી કાર્પેટ વેરાની અમલવારી શરૂ કરાશે તેમ અંતમાં જણાવ્યું હતું.

કોર્પોરેશન દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જાહેર માર્ગો, જાહેર સ્થળો અને શેરી ગલીઓમાં તો સફાઈ કામગીરી થતી જ રહેતી જ હોય છે પરંતુ શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે તેવા ઈ.એસ.આર. અને જી.એસ.આર. (પાણીના ઓવરહેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકા)ની સફાઈ માટે ખાસ આયોજન કરવું પડતું હોય છે. શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતા પીવાના પાણીની ગુણવત્ત્।ાનું ધોરણ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાએ શહેરના તમામ ઓવરહેડ ટાંકા અને ગ્રાઉન્ડ સ્ટોરેજ ટાંકા ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

વધુમાં કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ આજી ફિલ્ટર પ્લાન્ટ નંબર-૧ અને ૨ માં પાણીનો ડહોળ દુર કરવાનું કામ જેમાં થાય છે તે કલેરીફ્લોકયુલેટરની સફાઈ કરવામાં આવી ચુકી છે. કલેરીફ્લોકયુલેટરને કોઈ પણ વોટર ફિલ્ટર પ્લાન્ટનું હૃદય ગણવામાં આવે છે. આજી ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કામગીરી સફળતાપૂર્વક કરવાની સાથોસાથ શટડાઉન પણ લેવામાં આવેલ નથી. ઈ.એસ.આર. અને જી.એસ.આર.ની સફાઈ ઝુંબેશ દરમ્યાન શકય હોય ત્યાં શટડાઉન ટાળવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવે જ છે, આમ છતાં જયાં અશકય કે અનિવાર્ય હોય ત્યાં જ પાણી વિતરણ બંધ રાખવાની કોર્પોરેશની ફરજ પડે છે.

વધુમાંથી પાનીએ જણાવ્યું હતું કે, શહેરના કુલ ૩પ ટાંકામાંથી ૧પ ટાંકામાંથી વિતરણ યથાવત રાખવામાં આવ્યું છે. ર૦ ટાંકામાંથી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અગામી દિવસોમાં શહરેના તમામ પોંકળા ખુલ્લા પ્લોટની સફાઇ કરવામાં આવશે. કોર્પોરૈશન દ્વારા હાલ બજેટ, પતંગમહોત્સવની તૈયારીઓ ચાલી રહ્યાનું અંતમાં જણાવ્યું હતું.

(3:59 pm IST)