Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સૂરસંસાર ફરી એકવખત સંગીત-રસીયાઓને ડોલાવશેઃ સોમવારે સળંગ ૧૩૭મો કાર્યક્રમ

ગાયકોનિતાંત યાદવ, શ્રીમતિ વિભાવરી, કુ.નિર્મોહી, સમસુદીન વાઘેલા અને ડોલર મહેતા

રાજકોટ, તા.૪ : ઈ.સ.૧૯૪૦ થી ૧૯૭૫ના ગાળાનાં જુના ફિલ્મી ગીતોની સંસ્થા ''સૂર સંસાર'' નો ૨૩માં વર્ષનો પાંચમો અને સળંગ ૧૩૭મો કાર્યક્રમ તા.૮ને સોમવારના રોજ ''હેમુ ગઢવી નાટ્ય ગૃહ'' (સરગમ કલબ સંચાલીત) માં યોજવામાં આવ્યો છે.

જુના ફિલ્મી ગીતો દરેક સંગીત ચાહકને હૃદયસ્થ છે. તે ગુનગુનાવે છે અને ફરી ફરી સાંભળે છે.

સૂર-સંસારને ૨૩ વર્ષ થયા, ૧૯૭૦ પછી જન્મેલા સંગીત ચાહકો આજે ૪૫/૫૦ના થયા, એમને ૧૯૭૫ પછીના થોડા મેલોડીયસ ગીતો ગમતા હોય, અને તેમણે તે અવાર નવાર ૧૯૮૦ પછી પણ સાંભળ્યા હોય, આ શ્રોતાઓને ધ્યાને રાખી અને વડીલો માટે ગીતોનું લાલીત્ય ધ્યાને રાખી આ પાંચમા કાર્યક્રમમાં ૧૯૭૦ પછીના ગીતો સમાવ્યા છે.

 જેમાં નવા ગાયકો ઉદીત નારાયણ, કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક, કવિતા ક્રિશ્નમુર્તિ અને અન્ય ગાયકો અને ગાયીકાઓએ ગાયેલા કાબીલે દાદ ગીતો સમાવ્યા છે.

ગાયક કલાકારો છે નિતાંત યાદવ, વિભાવરી યાદવ, નિર્મોહી, સમસુદીન વાઘેલા અને ડોલર મહેતા વાદકગણ છે જીજ્ઞેશ પટેલ અને સાથીદારો. ધ્વનિ વ્યવસ્થા છે કેયુર કહોર 'ઓમ સાઉન્ડ'ની.

કાર્યક્રમના  ૧૦-ગીતોમાં રાજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ ''સૂર-સંસાર'' કોરસ વૃંદના પાર્શ્વ ગાયકો ખ્યાતિ પંડ્યા, નેહા મંગે, રીન્ટુબેન ઘેલાણી અને ધાત્રીબેન તથા દર્શીત કાનબાર, ધવલ ઘેલાણી, નિષાદ વસાવડા અને જે.પી.પાનસુરીયા કોરસ સથવારો પૂરો પાડશે.

વર્ષ ૨૦૧૭/૧૮ માટે જે લોકો ''સૂર-સંસાર''માં સહભાગી બનવા માંગતા હોય તેમના નામ પ્રતિક્ષા યાદીમાં નોંધવાનું ચાલું છે, ફોન નં: ૨૫૭૭૫૬૩ ઉપર નામ નોંધાવી શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.(૩૦.૯)

(3:43 pm IST)