Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વાહન રિપેરીંગના બાકી નીકળતાં પૈસા માંગતા વિક્રમ ઉર્ફ વિક્કીને છરી ઝીંકાઇ

કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં બનાવઃ સાથેના મિત્ર ભરતને પણ ધોલધપાટઃ મિતરાજસિંહ, બોદીયો, સતિષ અને સરફરાજ સામે ફરિયાદ

રાજકોટ તા. ૩: કોઠારીયા સોલવન્ટ પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં વિક્રમ ઉર્ફ વિક્કી રણજીતભાઇ મકવાણા (ઉ.૨૩) નામના કોળી યુવાનને પૈસાના ડખ્ખામાં ઘર નજીક બસ સ્ટેશન પાસે મિતરાજસિંહ, સતિષ, બોદુ ઉર્ફ બોદીયો અને સરફરાઝે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ સાથળમાં છરી ઝીંકી દેતાં સારવાર માટે દાખલ થયો છે. સાથે રહેલા મિત્ર ભરત પટેલને પણ આ ચારેયે ધોલધપાટ કરી હતી.

વિક્રમ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એફ.આર. રાઠવા, હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને રાઇટર વિપુલભાઇ રબારીએ ફરિયાદ નોંધી હતી. વિક્રમે જણાવ્યું હતું કે તે ગેરેજ ચલાવે છે. અગાઉ તેના ગેરેજમાં મિતરાજસિંહ વાહન રિપરે કરાવી ગયો હોઇ તેની મજૂરીના રૂ. ૧૮૦ લેવાના બાકી હતાં. ગઇકાલે પોતે અને મિત્ર ભરત ટાયર લઇને આવી રહ્યા હતાં ત્યારે મિતરાજસિંહ સહિતના સામે મળતાં પોતાના લેણા પૈસાની ઉઘરાણી કરતાં તેણે મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો.

(11:11 am IST)