Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પુષ્કરધામ રોડ પર ચાની હોટલવાળા અભય અને કારીગર પર ધોકાવાળી

આશિષ ઉર્ફ બેટરીને ગાળો બોલવાની ના પાડતાં રીઝવાન ઉર્ફ શાહરૃખ અને શ્યામ સાથે મળી હુમલો કર્યો'તોઃ પાંચ દિવસ પહેલાના બનાવમાં હવે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૩: પુષ્કરધામ રોડ પર ચાની હોટલ ધરાવતાં ભરવાડ યુવાન અને તેના કારીગર પર છ દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જે તે વખતે યુવાનના પિતા બહારગામ હોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. તે પરત આવતાં પોલીસને જાણ કરવામાં આવી છે. હોટેલના કારીગરને ગાળો દેવાની ના પાડતાં હુમલો થયો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પોપટપરા રઘુનંદન સોસાયટી-૫/૨ના ખુણે  પોસ્ટ ઓફિસ પાસે રહેતાં અને પુષ્કરધામ મેઇન રોડ પર મંદિર સામે જાનકી કોમ્પલેક્ષમાં શકિત ટી સ્ટોલ નામે પિતા સાથે બેસી ધંધો કરતાં અભય રાજાભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.૨૦)ની ફરિયાદ પરથી આશિષ ઉર્ફ બેટરી, રીઝવાન ઉર્ફ શાહરૃખ અને શ્યામ ગોહેલ વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.

અજયએ પોલીસને જણાવ્યું છે કે અમારી હોટલમાં તરૃણ નવઘણભાઇ મુ઼ધવા કામ કરવા આવે છે. અમારી હોટલ સવારના ચારથી રાતના અગિયાર સુધી ખુલી હોય છે. ૨૭/૧૧ના રોજ મારા ીપતાજી બહારગામ હોઇ હું અને કારીગર તરૃણ હોટલ પર હતાં ત્યારે રાતે પોણા અગિયારેક વાગ્યે કેવલમ સોસાયટી કવાર્ટરમાં રેહતો આશિષ ઉર્ફ બેટરી દેવીપૂજક અને રીઝવાન ઉર્ફ શાહરૃખ તથા શ્યામ ગોહેલ આવ્યા હતાં. અવાર-નવાર આ લોકો ચા પીવા આવતાં હોઇ જેથી હું ઓળખુ છું. જેમાં બેટરીએ મારા કારીગર તરૃણને ગાળ દઇ બોલાવતાં તેને ગાળ દેવાની ના પાડતાં ત્રણેયએ હુમલો કર્યો હતો અને મને ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડાના ધોકાથી ફટકાર્યો હતો. તરૃણે વચ્ચે પડી મને છોડાવ્યો હતો. લોકો ભેગા થઇ જતાં અમને બચાવ્યા હતાં. જે તે વખતે મારા પિતાજી બહારગામ હોઇ જેથી ફરિયાદ કરી નહોતી. તેઓ આવી ગયા બાદ હવે ફરિયાદ કરી છે.

(3:32 pm IST)