Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જુનાગઢ ભાગે એ પહેલા નામચીન ઇભલાને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યોઃ ભાંભરડા નાંખી ગયો

ત્રેપન ગુનામાં સંડોવણી, ૬ વખત પાસાની યાત્રા છતાંય ગુનાખોરી યથાવત : એએસઆઇ બલભદ્રસિંહ. જે. જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ, કનકસિંહ અને કોન્‍સ. કુલદિપસિંહે બાતમી પરથી ગોંડલ રોડ ચોકડીએથી પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમે પકડી લઇ બી-ડિવીઝન પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૩: શહેરના જુના મોરબી રોડ પર રહેતાં અને મારામારી, હત્‍યાની કોશિષ, દારૂ, જૂગાર, ગેરકાયદે હથીયાર, ખંડણી માંગવી, ફરજમાં રૂકાવટ કરવી એ સહિતના ૫૩ ગુનાઓમાં સામેલ નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા અને તેના ભાઇઓ, મિત્ર તથા માતાએ બી-ડિવીઝનના મહિલા એએસઆઇ અનીતાબેન વી. બકુતરા તથા કોન્‍સ. ભાવેશભાઇ અને હોમગાર્ડની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી ધાકધમકી આપી ગુંડાગીરી આચરી હતી. ઘટના સ્‍થળેથી જ એએસઆઇ એ. વી. બકુતરા તથા મદદમાં આવેલી થોરાળા પોલીસની ટીમે ઇભલાના ભાઇઓ ફિરોઝ, મહેબૂબ, અસરફ અને મિત્ર દિપકને દબોચી લીધા હતાં. જ્‍યારે ઇભલો ભાગી ગયો હતો. તેને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી લીધો હતો. ઇભલાની પોલીસ કમિશનર કચેરી ખાતે એવી પુછતાછ થઇ હતી કે તે ભાંભરડા નાખી ગયો હતો. પોલીસે જારી કરેલી તસ્‍વીરમાં તેના પેન્‍ટમાં પણ ભીનાશ જોવા મળી હતી.

ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો જુનાગઢ તરફ ભાગી રહ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી તથા કોન્‍સ. કુલદિપસિંહ જાડેજાને મળતાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, ભરતભાઇ વનાણી, વિરેન્‍દ્રસિંહ જાડેજા અને બાતમી મળી એ ટીમે તેને ગોંડલ રોડ ચોકડીએથી કાર સાથે દબોચી લીધો હતો. ડીસીબીની ટીમે પકડતાંજ તેના મોતીયા મરી ગયા હતાં અને ભાઇસાબ બાપા કરવા માંડયો હતો. પોલીસ કમિશનર કચેરીએ તેની આગવી ઢબે પુછતાછ બાદ બી-ડિવીઝનમાં સોંપવામાં આવતાં ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. બપોરે ઇભલા સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી હતી. પોતે જુનાગઢ તરફ ભાગવાની પેરવમાં હોવાનું રટણ કર્યુ હતું. 

(3:25 pm IST)