Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

દિવ્‍ય ગુરુમંત્રની કાલે ૩૩,૩૩,૩૩૩ સામૂહિક જપ સાધના

રાજકોટમાં પ્રથમવાર ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા, સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. તથા મહાસતીજીવૃંદનાં સાનિધ્‍યમાં : અઢારે વર્ણના લોકો તપસ્‍વી ગુરૂદેવનું નામ સ્‍મરણ કરીને આજે પણ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે

રાજકોટઃતા.૩: ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા, સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં ગુરૂપ્રાણ પરિવાર તથા બોટાદ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાયના મહાસતીજીવૃંદનાં સાનિધ્‍યમાં શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ - સી.એમ.શેઠ પૌષધશાળાનાં આંગણે કાલે તા. ૪ રવિવારે ૬:૪૫ થી ૯ પ્રગટ પ્રભાવી, મહાયોગી, મહાતપસ્‍વી પૂજય ગુરૂદેવ શ્રી માણેકચંદ્રજી સ્‍વામી જેવા પૂજયાત્‍મા પ્રત્‍યે પૂજયભાવે અંતરનાં આર્તનાદથી અનાહતનાદની સાધના કરવાનો સોનેરી અવસર એટલે દિવ્‍ય ગુરૂમંત્ર જપ સાધના.

જે દિવ્‍ય મંત્ર સાધના અંતરના અહોભાવ અને શ્રધ્‍ધા, સમર્પણથી જો કરવામાં આવે તો માનસિક શાંતિ પ્રદાન કરે છે. મનોકામના પૂર્તિમાં સહાયક બને છે, રોગ અને ભયથી મુકિત અપાવે છે, દરિદ્રતાનો નાશ કરે છે, અનેક પ્રકારની સમસ્‍યાઓમાં સમાધાનનો માર્ગ આપે છે.ᅠ કોર્ટ કેસ, પ્રેતબાધા, ભૂતબાધા, સંતાન અને ધનપ્રાપ્તિમાં આવતી અંતરાયો દૂર કરે છે.ᅠ વ્‍યવસાયમાં વિકાસ, વ્‍યાપાર વૃદ્ધિ, સ્‍થિર લક્ષ્મી, શત્રુભય અને રોગનિવારણ તથા દુઃસ્‍વપ્‍નનિવારણ તેમજ નકારાત્‍મક શકિતઓથી બચાવ, જ્ઞાનવૃદ્ધિ, બાળકોની સુરક્ષા, સ્‍વસ્‍થ સ્‍વાસ્‍થય, મનની શાંતિ, સમાજમાં પ્રતિષ્ઠા, વિશેષ પરમાત્‍મભકિત, સુખ, સમૃદ્ધિ, સમાધિભાવ આદિમાં પ્રભાવશાળી પ્રયોગ છે. આધિ-વ્‍યાધિ ઉપાધિ થી મુકત કરનાર છે. અદભૂત સકારાત્‍મક એનર્જી(ઉર્જા) પ્રાપ્ત કરવા, ચિંતા-તનાવ-ટેન્‍શન ડિપ્રેશન થી મુકિત મેળવવા અવશ્‍ય તપસ્‍વી ગુરૂદેવનાં દિવ્‍ય ગુરૂમંત્ર જપ સાધનામાં લાભ લેશો.

આ અવસરે પૂ. સદગુરૂદેવે જણાવેલ કે તપસ્‍વી ગુરૂદેવનું સ્‍થાન ચેતનામય ઊર્જારૂપ જાગૃત સ્‍થાન છે. ગોંડલ સંપ્રદાયનું જાગતુ તીર્થ પ્રથમ ગોંડલ દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય અને બીજુ તીર્થ એટલે તપસ્‍વી ગુરૂદેવ માણેકચંદ્રજી સ્‍વામીનું સંથારા- સમાધિ સ્‍થાન. ગુરૂદેવ પ્રત્‍યે શ્રધ્‍ધા રાખીને તેમની ભકિત કરશો તો આપોઆપ શકિત મળશે. ગુરૂદેવ સિધ્‍ધ પુરૂષ હતા. તેમની પાસે તપસિદ્ધિ, જપસિદ્ધિ, વચનસિદ્ધિ આસનસિદ્ધિ આદિ અનેક સિદ્ધિઓ હતી. અઢારે વર્ણના લોકો તપસ્‍વી ગુરૂદેવનું નામ સ્‍મરણ કરીને આજે પણ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

૧૦૧ વર્ષ પૂર્વે આ દિવસે ૧૯ દિવસની સમાધિભાવની ઉત્‍કૃષ્ટ અનશન આરાધના પૂર્ણ કરી ગુરુદેવે અંતિમ શ્વાસોશ્વાસ પુદગલોનું વિસર્જન કર્યું તે દિવ્‍યપુરુષની દિવ્‍ય આભા સદા માટે નશ્વરદેહનો ત્‍યાગ કરી અમર આત્‍મા અસંખ્‍ય વર્ષો સુધી પોઝિટિવ એનર્જી રહે તેવી દિવ્‍ય શક્‍તિઓ સિધ્‍ધિઓ આ બ્રહ્માંડમાં સ્‍થાપીત કરીને ગુણદેહરૂપે એવં સ્‍મરણદેહે સદાય વિદ્યમાન છે તેવી દિવ્‍ય ઉર્જા પુંજની સ્‍પર્શના કરવા , અનુભૂતિ કરવા જીવનમાંથી તાપ , સંતાપ , પરિતાપ આફતો આવે અંતરાયોથી મુક્‍ત થવા પોઝિટિવ એનર્જીના પોઝિટિવ વાયબ્રેશનની અનુભૂતિ કરવાનો અમૂલ્‍ય અવસર દરેક ને જીવન માં પ્રાપ્ત થાય તેવાં શુભભાવથી આ ગુરુમંત્ર જપ સાધનાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

બૃહદ રાજકોટ તેમજ ગોંડલ સંપ્રદાયના સર્વ ક્ષેત્રોનાં શ્રાવક- શ્રાવિકાઓ, સાધકો આ દિવ્‍ય ગુરૂમંત્ર જપ સાધનામાં જોડાઈ શકે છે.સમગ્ર કાર્યક્રમ પારસમુનિ મહારાજ સાહેબ યુટયુબ ચેનલ તેમજ ફેસબુક પર લાઈવ કરવામાં આવશે.

દરેક જપ સાધકોએ શ્વેતવસ્ત્ર પરિધાન કરવા આવશ્‍યક છે. સવારે ૬:૪પ કલાક સુધીમાં રોયલપાર્ક ઉપાશ્રયે જપ સ્‍થાનમાં પ્રવેશ કરનાર દરેકને તપસ્‍વી ગુરૂદેવની પવિત્રી અને લોકીટ પ્રભાવના સ્‍વરૂપે આપવામાં આવશે. તથા ચાંદીની લગડીઓ આદિ ૧૦૧ લકી ડ્રો નાં કુપન આપવામાં આવશે.

જપ સાધના બાદ અમરાપર નિવાસી હાલ મુંબઈ સ્‍વ. હરિલાલ જેચંદ દોશી, વિનોદચંદ્ર હરિલાલ દોશી પરિવાર દ્વારા નવકારશી (પ્રસાદ) નું આયોજન રાખવામાં આવ્‍યું છે જેનો દરેક આરાધકો અવશ્‍ય લાભ આપશો.

(10:19 am IST)